Review: અર્બન ગુજરાતી ફિલ્મોના કમઠાણમાં, ગુજરાતીપણાને ઘૂંટતી ફિલ્મ ‘કમઠાણ’કાઠું કાઢશે!

03 February, 2024 11:45 AM IST  |  Mumbai | Nirali Kalani

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બનતી ફિલ્મોથી આ ફિલ્મનો વિષય ભલે વર્ષો પહેલાં લખાયેલી વાર્તાનો છે પણ આજે પણ તે એટલો જ પ્રાસંગિક છે. દિગ્દર્શક ધ્રુનદે નોવેલને કચકડે કંડારી છે

ફિલ્મ પોસ્ટર

ફિલ્મ : કમઠાણ

કાસ્ટ : હિતુ કનોડિયા, દર્શન ઝરીવાલા, સંજય ગોરડિયા, અરવિંદ વૈદ્ય

લેખક :  ધ્રુનાદ, અભિષેક શાહ અને જસવંત પરમાર

દિગ્દર્શક : ધ્રુનાદ

રેટિંગ : 4/5

પ્લસ પોઇન્ટ : અભિનય, દિગ્દર્શન, સંવાદો અને સીન વર્ક

માઇનસ પોઇન્ટ :  ફર્સ્ટ હાફની ધીમી ગતિ

ફિલ્મની વાર્તા

અંજનીપુર ગામ ને...ઘોર અંધારી રાતનો સમય છે...જેને જોઈને એમ થાય કે હમણાં લથડી પડશે એવો રઘલો ચોર (સંજય ગોરડિયા) નળીયા વાળાં મકાન પર ચડી બાકોરું પાડી ઘરમાં ચોરી કરવા કૂદકો મારે છે. આ ઘર  PI એસ.આર રાઠોડ ( હિતુ કનોડિયા)નું હોય છે જે રઘલાને તો ખબર પણ નથી.  હવે રઘલા પાસે છે પીઆઈની ત્રણ જોડી ખાખી વરદી, રિવોલ્વર, બેલ્ટ અને બે મેડલ.  ડરપોક રઘલો હિંમત ભેગી કરી આ બધી વસ્તુઓ એક પોટલામાં બાંધીને રફુચક્કર થઈ જાય છે. ચોરીનો સામાન લઈ રઘલો તેના સમાજના મુખિયા છના કાકા (અરવિંદ વૈદ્ય) પાસે જાય છે. સવારે પીઆઈ રાઠોડને ખબર પડે છે કે તેના ઘરમાં ચોરી થઈ છે, એ પણ વરદી, રિવોલ્વર અને મેડલની. આ સમગ્ર ઘટનાની જાણ જમાદાર પ્રભુસિંહ (દર્શન જરીવાલા)ને કરવામાં આવે છે, જે થોડા દિવસોમાં રિટાયર થવાના છે અને તપાસનો દોર શરૂ થાય છે. એવી ટ્રેજિક-કૉમેડી સ્થિતિ સર્જાઈ છે કે પોતે ઈન્સપેક્ટર હોવા છતાં તે આ ઘટનાની કાયદેસર FIR નોંધાવી શકતા નથી. અને પછી શરૂ થાય છે હાસ્યથી ભરપૂર ખરાખરીનો ખેલ. એવામાં ગામના સમાજસેવિકા ચંપાબેન ચાંપાનેરની એન્ટ્રી સાથે એક ચંપલનું આવવું અને પછી હાસ્યથી ભરપુર દ્રશ્ય ઉભું થાય છે જે ડૉક્ટર દેસાઈના દવાખાના સુધી પહોંચે છે. ત્યાં ફરી વાર હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાઈ છે અને એ દરમિયાન પ્રવેશ થાય છે પત્રકાર જંયતિ જાગૃતનો. અહીંથી વાર્તામાં એવું કમઠાણ શરૂ થાય છે કે જે તમને પેટ પકડીને હસાવશે. જાતીવાદ, પોલીસની હપ્તા વસુલી, પન્ની ફોઈની નારંગી અને ડૉક્ટર દેસાઈની કરામતો સમાજના દર્પણ બરાબર છે, જે તમને વિચાર કરવા પર મજબુર કરશે. 

વાત અહીં જ પૂર્ણ નથી થતી વાર્તા આગળ વધતાં તસ્કર સમાજના મુખિયા છના કાકા અને પોલીસ વચ્ચે થતી નાટકીય મુલાકાત અને વાટાઘાટના દ્રશ્યો સ્ક્રીન પરથી નજર નહીં હટવા દે. પણ અંતે આ ચોરીના પોટલાનું અને નાના સમાજમાંથી આવતાં રઘલાનું થાય છે શું તે જાણવા તમારે "કમઠાણ" ફિલ્મ જોવી પડશે.     

પરફોર્મન્સ

જેઓ અત્યાર સુધી દર્શકોને હસાવતાં આવ્યાં છે એવાં અભિનેતા સંજય ગોરડિયા રઘલાના પાત્રમાં એકદમ ફિટ થાય છે. ચોરની કોમમાં જન્મેલા રઘલાની સાદગી અને ભીરુતા જોવા જેવી છે.  ગરીબ ઘર અને ત્રણ દીકરીઓના પિતા તરીકેની ચિંતા અને એમાં પાછું પોલીસવાળાને ત્યાં ચોરી કરી છે એટલે જાતના લોકોની વધી ગયેલી અપેક્ષામાં પીસાતા રઘલાના પાત્રમાં સંજય ગોરડિયાનો અલગ જ અવતાર જોવા મળશે. નિર્દોષ વ્યક્તિત્વ અને સ્વભાવે ડરપોક રઘલાના પાત્રને અભિનેતાએ પુરતો ન્યાય આપ્યો છે. 

`માધવ` અને `ત્રણ એક્કા` બાદ `કમઠાણ`માં હિતુ કનોડિયા એક વાર ફરી દાદાગીરી અને રુઆબદાર પાત્રમાં નજરે પડ્યા છે. સ્વભાવે ક્રોધિત પણ નિષ્ઠાવાન અને પોતાની પ્રતિષ્ઠાવાન છબીને લઈ હંમેશા સભાન રહેતાં PI એસ.આર રાઠોડના પાત્રમાં હિતુ કનોડિયાનો અંદાજ પણ અસરકારક છે. ડિરેક્ટરના દ્રષ્ટિકોણ પ્રમાણે તેમણે પોતાને પાત્રને સ્ક્રીન પર સ્થાપિત કર્યુ છે. 

દર્શન જરીવાલાએ ફોજદાર પ્રભુસિંહના પાત્રને સ્ક્રીન પર ખુબ સરસ રીતે ઉજાગર કર્યુ છે. વર્ષો સુધી ગામના તંત્રને ઘોળીને પીધું હોવાથી એક નફકરાઈ, કોણ કેવો પ્રતિભાવ આપશે તેની જાણ, પોલીસમાં હોવા છતાં ગેરકાયદે દારૂ બનાવી વેચનારી બાઈ સાથેની વાટાઘાટો બધું દર્શાવવામાં તેમણે કોઈ કચાશ નથી છોડી. અણધારી કૉમિક ઘટનાઓ અને તેના ઉકેલ માટે હાજર રહેતા ફોજદાર  પ્રભુસિંહની ભૂમિકા સમગ્ર ફિલ્મ દરમિયાન મહત્વની રહી છે, જેને જાળવી રાખવામાં દર્શન જરીવાલા સફળ રહ્યાં છે.   

તસ્કર સમાજના મુખિયાના પાત્રમાં અરવિંદ વૈદ્યનો અભિનય દિલ જીતી લે એવો છે. ચહેરાના હાવભાવ અને આંખોથી ઘણું બધું કહી દેવામાં અરવિંદ વૈદ્યની એક્ટિંગની પ્રશંસા કરવી જ રહી. જોકે, આ ફિલ્મમાં ચિત્રિત થયેલાં તમામ કલાકારોએ પોતાના અભિનયમાં જીવ રેડી દીધો છે. પરંતુ અરવિંદ વૈદ્યના અભિયનો ખાસ ઉલ્લેખ કરવો જ રહ્યો. 

ચા વાળાના પાત્રમાં કમલ પરમાર અને કનિયો કેળાવાળોના પાત્રમાં હેમિન ત્રિવેદીની કૉમેડી ટાઈમિંગ, પન્ની ફોઈના પાત્રમાં શિલ્પા ઠાકેર હોય કે પછી ચંપા ચાંપાનેરીની ભૂમિકામાં તેજલ પંચાસરા અને પત્રકાર જંયતી જાગૃતના રોલમાં કૃણાલ પંડિત અને ડૉક્ટર દેસાઈના પાત્રમાં જય વિઠલાણી હોય આ તમામ કલાકારે પોતાના અભિનયમાં ક્યાંય કચાશ છોડી નથી. આ સાથે જ પોલીસ કર્મીઓ તરીકે ભોગીલાલ પટેલના પાત્રમાં કિરણ જોશી, મનિષ વાઘેલા, મેહુલ બારોટ, જિગ્નેશ દિક્ષિત, વૃતાંત ગોરડિયા, વિપુલ ભટ્ટ, રાજન ઠાકર અને દીપ વૈદ્ય સહિતના અભિનેતાઓએ પણ શાનદાર પર્ફોમન્સ આપ્યું છે. 

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન

ગુજરાતી સાહિત્યના જાણીતાં લેખક અશ્વિની ભટ્ટની લઘુ હાસ્યનવલ `કમઠાણ` પરથી ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વાર્તાનાં પાનાને ફિલ્મી પડદા પર ઉતારવામાં ફિલ્મના લેખક અને દિગ્દર્શક ધ્રુનાદની મહત્વની ભૂમિકા રહી છે. રહસ્ય અને કૉમેડીથી ભરપૂર વાર્તાને મજબુત રીતે સ્ક્રીન પર રજૂ કરવામાં  ધ્રુનાદે જે રીતે વાર્તાના લખાણમાં જે ચિત્ર ખડું થયું હશું તેને પડદે ઉતારવામાં કરેલી મહેનત દેખાઇ આવે છે. ફિલ્મની શરૂઆત રસપ્રદ રીતે થાય છે. સ્ટોરી આગળ વધતાં બધાં પાત્રોના પરિયયનું આલેખન સરસ રીતે થયું છે. ફર્સ્ટ હાફમાં સ્ટોરી જેમ જેમ આગળ વધે છે તેમ તેમ રહસ્ય ઊભું થાય છે અને સાથે ઉમેરાતો જાય છે કૉમેડીનો ડૉઝ. દરેક સીનમાં સર્જાતુ રહસ્ય અને ઉદ્ભવતું હાસ્ય બંનેનું સંતુલન જાળવવામાં દિગ્દર્શક સફળ રહ્યાં છે. પરંતુ ફિલ્મના પ્રથમ ભાગમાં સ્ટોરીનો સ્કેલ ધીમો હોવાથી દર્શકોની નજર સ્ક્રીન પરથી હટી શકે છે. તેમ છતાં ફિલ્મના તમામ કલાકારોનો અભિનય, ડાયલૉગ ડિલીવરી, કૉમેડી ટાઈમિંગ અને કલાકારોનું પાત્રમાં ઈન્વોલ્વમેન્ટ દર્શકોને ફિલ્મ સાથે કનેક્ટેડ રાખે છે. વાર્તાના સંવાદોમાં નડિયાદની પ્રાદેશિક ભાષાનો લહેકો તમને તે પ્રદેશના વાતાવરણની અનુભૂતી કરાવે છે. સંવાદો, પાત્રોનું નિરૂપણ, સંગીત, લોકેશન્સ, સિનેમેટોગ્રાફી, સીન વર્ક અને એડિટિંગ ફિલ્મ મેકિંગના દરેક દ્રષ્ટિકોણમાં આ ફિલ્મ સફળ સાબિત થાય છે.

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બનતી વિવિધ ફિલ્મથી તદ્દન નવા અને અનોખા વિષય સાથે દિગ્દર્શક ધ્રુનાદે "કમઠાણ" રજૂ કરી છે. કમઠાણને કૉમેડી ફિલ્મ ગણવાની ભૂલ ન કરવી, આ એક રાજકીય કટાક્ષ જેને માટે અંગ્રેજીમાં પોલિટિકલ સટાયર શબ્દ વપરાય છે એવી ફિલ્મ છે. સમાજની માનસિકતા, વહીવટી તંત્રના લોચા, નાના નગરોમાં લોકોના અભિગમ, જાતિવાદથી માંડીને તંત્રનું રેઢિયાળપણું બધું જ આ વાર્તામાં છે.  ધ્રુનાદે આ પડકારને સ્વીકારી અદ્ભુત રીતે અશ્વિની ભટ્ટની હાસ્યનવલનું પડદા પર ફિલ્માંકન કર્યુ છે. અશ્વિની ભટ્ટે કટાક્ષ કરીને વાર્તાના રજૂ કરીને અનેક સામાજીક ત્રૂટિઓ પર પ્રકાશ પાડ્યો છે અને ફિલ્મ દિગ્દર્શકે વાર્તાયને સમજીને સંવાદો અને પાત્રો દ્વારા પડદા પર આબેહુબ વાર્તા ઉભી કરી છે. મૂળ તો કોથળામાં પાંચ શેરી મૂકીને સામાજિક પ્રશ્નો દર્શાવનારી આ ફિલ્મ વર્ષો પહેલાં લખાયેલી વાર્તાને આધારે હોવા છતાં આજે પણ એટલી જ પ્રસ્તુત છે.

એક ખાસ વાત -  કમઠાણ શબ્દનો અર્થ પણ સમજી લેવો પડે તો કદાચ આ ફિલ્મ એક ટકો વધારે સમજ પડી જશે, નવી પેઢી માટે આ શબ્દ પણ નવો છે. કમઠાણ એટલે કે તોફાન - ધાંધલ જેને અંગ્રેજીમાં કેઓસ કહીએ છે તેવી સ્થિતિ. કમઠાણના બીજા અર્થ પણ છે પણ આ વાર્તા અને ફિલ્મ માટે તેનો અર્થ આ જ થાય છે. 

મ્યુઝિક

`કમઠાણ` ફિલ્મમાં સંગીત મેહુલ સુરતીએ આપ્યું છે, જે પાછા છનાકાકાના પિતા જે પણ ચોર જ હતા તેના પાત્રમાં ફિલ્મમાં ફોટો ફ્રેમમાં મઢાઇને એક નાનકડો રોલ પણ કરી રહ્યા છે. `કમઠાણ` ટાઈટલ ટ્રેક સહિત ફિલ્મમાં ત્રણ ગીત છે. કમઠાણ ટાઈટલ ટ્રેક મૌલિક નાયક દ્વારા ગાવામાં આવ્યું છે જે રેપ સોન્ગ જેવી ફિલીંગ આપે છે. આ સિવાય `ચોર` અને `પરસંગ` ગીતમાં પણ નવીનતા જોવા મળે છે. `ચોર` ગીત માટે આદિત્ય ગઢવી, મેહુલ સુરતી અને સૌમ્ય જોશીએ અવાજ આપ્યો છે. `પરસંગ` ગીત ઘનશ્યામ ઝુલાએ ગાયું છે. આ બંને સોન્ગ ફિલ્મને વધુ રસપ્રદ અને મનોરંજક બનાવે છે. પરસંગ ગીતમાં જોવામાં અને સાંભળવામાં દેશી પણું મસ્ત વર્તાય છે અને `ઇમોશનલ અત્યાચાર` ગીતમાં જે ક્વર્કીનેસ હતી એ અહીં ગુજરાતીમાં અનુવાદિત થઇ છે એમ કહીએ તો ચોક્કસ ચાલે.

ફિલ્મ જોવી કે નહીં?
 
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં લવ સ્ટોરી, રૉમેન્ટિક, હોરર-કૉમેડી અને કૉમેડી જૉનરની ફિલ્મથી ઢોલીવૂડને એક નવી દીશા મળી છે. પરંતુ આ તમામ વિષયથી વિપરિત અલગ અને અનોખી વાર્તાને ફિલ્મ પર માણવી હોય એ પણ કૉમેડી સાથે તો આ ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ. અભિનયની દ્રષ્ટિએ વાત કરીએ તો અભિનિય ક્ષેત્રમાં ઉભરતાં ગુજરાતી યુવા કલાકારો માટે પણ આ ફિલ્મ લર્નિંગ સબ્જેક્ટ બની શકે છે. તેમજ અશ્વિની ભટ્ટના ચાહકોએ તો આ ફિલ્મ ચૂકવી જ ન જોઈએ. 

 

 

gujarati film dhollywood news entertainment news