23 March, 2022 02:11 PM IST | Mumbai | Nirali Kalani
ચેતન ધનાણી(તસવીર ડિઝાઈન: સોહમ દવે)
કચ્છ જિલ્લાના એક નાના ગામમાંથી બહાર નિકળી અભિનયનો અભ્યાસ કરવો, મુંબઈ જઈ નાટકો કરવા અને ત્યાર બાદ પરિશ્રમને પોતાનું હથિયાર બનાવી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવવું અને ચાહકોના દિલમાં વસવું એ વાત વાંચવામાં જેટલી સરળ લાગે તેટલી સહેલી હોતી નથી. પરંતુ આ અભિનેતા કહે છે કે આ એટલું બધું અઘરું અને સંઘર્ષભર્યુ પણ નથી, બસ પરિશ્રમને હંમેશા સાથે રાખવો પડે છે.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ `કલાકાર કહે છે` નામે ગુજરાતી સિનેમાં, સંસ્કૃતિ, સાહિત્ય અને કળાના ક્ષેત્રમાં યોગદાન આપનારા કલાકારોના ઈન્ટરવ્યુંની એક શ્રેણી ચલાવી રહ્યું છે. જેમાં આજે આપણે વાત કરવાની છે પોતાના અભિનય અને પ્રતિભાશાળી વ્યક્તિત્વથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ ધરાવતાં તથા નેશનલ અવોર્ડ વિજેતા ફિલ્મ રેવામાં શાનદાર એક્ટિંગ કરી લાખો દર્શકોના દિલમાં જગ્યા બનાવનાર અભિનેતા ચેતન ધનાણીની.
કચ્છમાં જન્મેલા ચેતન ધનાણીએ પ્રાથમિક શિક્ષણ નખત્રાણામાં મેળવ્યું હતું અને ત્યાર બાદ વધુ અભ્યાસ માટે તે વડોદરા ગયા હતા. જ્યાં તેમણે બીકૉમની ડિગ્રી મેળવી આર્ટ પર્ફોમિંગનો પણ અભ્યાસ કર્યો હતો. અભિનેતાનું સપનું પહેલા ડિરેક્ટર બનવાનું હતું. પરંતુ તેમને નાટકોમાં રોલ ઓફર થતાં એક્ટિંગમાં મંડાણ કર્યુ. બાદમાં એક્ટિંગનો ચસકો એવો તે ચડ્યો કે વર્ષ 2008માં ચેતન ધનાણી પહોંચી ગયા સીધા મુંબઈ. માયાનગરી મુંબઈમાં આવી કામ મેળવવા માટે સફર શરૂ કરી અને કૌશલ્ય, મહેનત અને નસીબના સમન્વયથી નાટકોમાં અભિનય કરી પીળા પ્રકાશનો આનંદ માણવા લાગ્યા.
ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે વાત કરતાં ચેતન ધનાણીએ કહ્યું કે, ` મુંબઈ આવી મેં નાટકો કરવાનું તો શરૂ કર્યુ પરંતુ મારે જેવા નાટકો કરવા હતા તેવા નહોતાં થતાં. હું થોડા હટકે પ્લે કરવા માંગતો હતો, સામાન્ય કોમર્શિયલ નાટકોથી કંઈક અલગ કરવા ઈચ્છતો હતો. આ દરમિયાન મને `ગાંધી બિફોર ગાંધી` નામના નાટકમાં લીડ રોલ મળ્યો હતો. જે નાટક આશરે દોઢ વર્ષ જેટલું ચાલ્યું હતું. અને ત્યાર બાદ બીજું નાટક `ડિયર ફાધર`માં બૉલિવુડનો લોકપ્રિય ચહેરો અને અભિયનની વિવિધ કળાઓનું અનેરુ જ્ઞાન ધરાવતાં પરેશ રાવલ સાથે અભિનય કરવાની તક મળી. આ સમય દરમિયાન મેં પરેશ રાવલ પાસેથી ઘણું બધું શીખ્યું`
નવાઈની વાત તો એ છે કે ડિયર ફાધર નાટક માટે પહેલા ચેતન ધનાણીને ના પાડવાની ફરજ પડી હતી. તેમનું અન્ય નાટક માટે કમિટમેન્ટ હોવાથી પહેલા તેમણે ડિયર ફાધર પ્લે માટે ભારે હ્રદય સાથે ના પાડવી પડી હતી. પરંતુ કહેવાય છે ને કે `અગર કિસી ચીજ કો શિદ્દતસે ચાહો તો પુરી કાયનાત ઉસે પાને મે લગ જાતી હૈ` બસ આવું જ કઈંક થયું અભિનેતા ધનાણી સાથે. એક બાજુ તેમણે પોતાના નાટકનું કમિટમેન્ટ નિભાવતાં ગયા તો બીજી બાજું કોઈના કોઈ કારણસર ડિયર ફાધર નાટક મોડુ થતું ગયું. ત્યાં સુધીમાં તેમણે તેમના પહેલા નાટકનું કમિટમેન્ટ પુરૂ કરી લીધું અને તરત જ પરેશ રાવલ સાથે વાત કરી ડિયર ફાધરમાં અભિનયનો પ્રકાશ પાથરવાની તકને ઝડપી લીધી. ચેતન ધનાણીએ વર્ષ 2011માં પરેશ રાવલ સાથે ડિયર ફાધર નાટક કર્યુ.
પરેશ રાવલ સાથે કામ કરવાના અનુભવો શેર કરતાં રેવા ફિલ્મના અભિનેતાએ જણાવ્યું કે, `હું હંમેશાથી કહેતો આવું છું કે આવા મોટા ગજાના કલાકાર સાથે કામ કરવાનો મતલબ છે કે તમે કોઈ ઈન્સ્ટિટ્યુટ કે યુનિવર્સિટમાંથી અભ્યાસ મેળવવાનો અનુભવ લેવો. ફિલ્મ અને નાટકના માધ્યમમાં શું તફાવત છે તે તેમની પાસેથી ચોકસાઈ રીતે જાણવા મળ્યું.આ સાથે જ અભિનય સંબંધિત અનેક વસ્તુઓનું જ્ઞાન તેમની પાસેથી મળ્યું.`
પોતાની એક્ટિંગ સફર વિશે વાત કરતાં અભિનેતાએ કહ્યું કે,`મને ક્યારેય એવું લાગ્યું નથી કે મેં સ્ટ્રગલ કરી હોય. જ્યારે આપણે ગમતું કામ કરતાં હોય ત્યારે ક્યારેય સ્ટ્રગલનો અનુભવ થતો નથી. હંમેશા આનંદ અને ઉત્સાહની જ લાગણી અનુભવાઈ છે. મારુ માનવું છે કે કામને સ્ટ્રગલ ના કહેવું જોઈએ, કામ એક આનંદ છે ઉત્સાહ છે અને પ્રમાણિકતાથી કાર્ય કરવાની પ્રક્રિયા છે.`
કામને સ્ટ્રગલ નહીં પણ આનંદમય પ્રક્રિયા સમજી અભિનયમાં પ્રગતિ કરનારા ચેતન ધનાણીએ વર્ષ 2016માં `રેવા` ફિલ્મથી ગુજરાતી સિનેમામાં ધમાલ મચાવી દીધી હતી. જેમાં તે લીડ રોલમાં જોવા મળ્યા હતાં. આ પહેલા તેમણે `ચોર બની થનગાટ કરે` ફિલ્મ બનાવી હતી. પરંતુ ફિલ્મ રેવાથી તેમને વધુ લોકપ્રિયતા મળી હતી. ચેતન ધનાણી સ્ટારર આ ફિલ્મને નેશનલ અવોર્ડ પણ મળ્યો છે. ત્યાર બાદ તાજેતરમાં જ પરેશ રાવલ અને માનસી પારેખ સાથે તેમની ફિલ્મ `ડિયર ફાધર` સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.
આ ઉપરાંત આ વર્ષે તેમની અન્ય ત્રણ ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. જેમાં એક `બાઘડ બિલ્લા` , `લોચા લાપસી` અને `કર્મા` ફિલ્મનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે ચેતન ધનાણીની ફેવરિટ ફિલ્મ `માનવીની ભવાઈ`, `બે યાર`, અને `ઢ` છે.