`Jhamkudi` Review: હોરર કૉમેડી ફિલ્મમાં મનોરંજનની ગેરંટી પણ લૉજિકના પગ ક્યાંક ઉંધા છે

04 June, 2024 07:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આખું ગામ ઝમકુડીને સળી કરનારા બાબુ કાકાનો જીવ લેવા તૈયાર છે. બાબલો અને ઘેલચંદ્ર અમદાવાદમાં પ્રોપર્ટી વેચવાનું કામ કરતા હોય છે અને અહીં આવીને ઝમકુડીની ચુંગાલમાંથી હવેલી અને ગામ બંન્ને છોડાવવાનું નક્કી કરે છે.

ઝમકુડી ફિલ્મ પોસ્ટર

ફિલ્મઃ ઝમકુડી (Jhamkudi)

કાસ્ટઃ વિરાજ ઘેલાણી, માનસી પારેખ, ઓજસ રાવલ, ચેતન દૈયા, સંજય ગોરડિયા, ભાવિની જાની, જયેશ મોરે, નિસર્ગ ત્રિવેદી, સંજય ગલસર, ભૌમિક અહિર, હેતલ મોદી, રાજલ પુજારા, કૃણાલ પંડિત, હેમાંગ બારોટ

લેખકઃ હીત ભટ્ટ

દિગ્દર્શકઃ ઉમંગ વ્યાસ

રેટિંગઃ 4/5

પ્લસ પોઇન્ટઃ  કોમિક ટાઇમિંગ, સંગીત

માઇનસ પોઇન્ટઃ ફર્સ્ટ હાફની ધીમી ગતિ

ફિલ્મની વાર્તાઃ  રાણીવાડા ગામ જ્યાં ગરબા નથી થતા કારણકે ઝમકુડી નામની ડાકણનો ત્યાં પ્રકોપ છે. ત્યાંના રાજવી પરિવારની હવેલીને વેચવાની તજવીજ કરનારાઓની ખેર નથી રહેતી કારણકે ઝમકુડી ડાકણ બીજું કોઇ નહીં પણ એ રાજવી પરિવારના રાજાની સોમી રાણી છે. બાબલો (વિરાજ ઘેલાણી) અને ઘેલચંદ્ર (ઓજસ રાવલ) રાણીવાડા આવે છે કારણકે બાબલાના બાબુ કાકા (સંજય ગોરડિયા) કોઇ દલાલને હવેલી બતાડવા જાય છે અને ગામમાંથી બે છોકરીઓ ગાયબ થઇ જાય છે.  હવે આખું ગામ ઝમકુડીને સળી કરનારા બાબુ કાકાનો જીવ લેવા તૈયાર છે. બાબલો અને ઘેલચંદ્ર અમદાવાદમાં પ્રોપર્ટી વેચવાનું કામ કરતા હોય છે અને અહીં આવીને ઝમકુડીની ચુંગાલમાંથી હવેલી અને ગામ બંન્ને છોડાવવાનું નક્કી કરે છે. કુમુદ (માનસી પારેખ) જે રાજવી પરિવારની વંશજ છે તે અહીં આ હવેલી વેચાય એ માટે લંડનથી આવી છે. વચ્ચે રાજવી સગાંઓના કાવાદાવા છે અને ચુડેલનો પ્રકોપ તો માથે ઉભો જ છે. ક્યારનોય પૈણું પૈણું થતો બાબલો કુમુદના પ્રેમમાં પડે છે પણ એના નસીબમાં કંઇ બીજું જ લખાયેલું છે. એને તો લૉક-અપમાં મળેલા એક અઘોરીએ કહેલું કે એના તો સો લગ્ન થવાના છે પણ હવે આ ડાકણ જો ગળે પડશે તો શું? ચુડેલ ખરેખર છે ખરી કે પછી કોઇ અમસ્તો જ ભયનો ઓથાર જમાવવા આ ખેલ છે? આ સવાલનો જવાબ જોઇતો હોય તો ફિલ્મ જોઇ લેજો. 

પરફોર્મન્સઃફિલ્મ જોવા માટે સોશ્યલ મીડિયા સ્ટાર વિરાજ ઘેલાણીનું જેને પણ ઘેલું હશે એ દોડીને જશે એ ચોક્કસ. અભિનય એક વિજ્ઞાન છે, રીલ્સમાં થોડી ક્ષણો માટે લોકોને જકડી રાખવા અઘરા હોય છે તો મોટી સ્ક્રીન પર તો આ કામ ચારગણું અઘરું હોય.  વિરાજ ઘેલાણીનો જે અવતાર સ્ક્રિન પર જોવા મળે છે એમાં મજા આવે કારણકે એની સોશ્યલ મીડિયા પરની લઢણ અને શૈલી આપણને અહીં પણ દેખાય છે. પહેલી ફિલ્મ અને એમાં ય લીડ કેરેક્ટર કરવું કંઇ નાનો સુનો પડકાર નથી. વિરાજે પોતાનું 100 પર્સન્ટ આપ્યું છે એ ચોક્કસ અને તે એમાં મહદંશે સફળ થયો છે. જો કે અભિનયને મામલે તે જેમ જેમ વધારે કામ કરશે તેમ તેમ કેળવાશે એ દેખાઇ આવે છે. વળી સામે માનસી પારેખ જેવી મંજાયેલી અને સિનિયર અભિનેત્રી. માનસી અને પાર્થિવની જોડી આ ફિલ્મનાં પ્રોડ્યુસર પણ છે. માનસીએ આ ફિલ્મ દ્વારા લૉન્ચ થયેલા વિરાજને સ્ક્રીન પર ઘણો સમય આપ્યો છે અને જેના લાખો ફોલોઅર્સ હોય તેને લીડ એક્ટર બનાવવો એ બહુ ચતુરાઇભર્યો નિર્ણય છે. 

વિરાજ અને ઓજસ બંન્નેના પાત્રોમાં રમુજ મસ્ત વણાયેલી છે અને બંન્ને તેને સરસ ન્યાય આપે છે. વિરાજ જે કૉમેડી સાથે સંકળાયેલો છે તે ફિલ્મના અમુક સીન્સમાં જોશ, રોષ અને મક્કમતાના ભાવ દર્શાવે છે જેમાં તેની આંખો તેનો પ્લસ પોઇન્ટ બની જાય છે. હવે ઓજસ રાવલના અભિનયના વખાણ કરવા હોય તો તેમના વાંકડિયા વાળના ય કરવા પડે કારણકે તેમના પાત્રના ભાવમાં એ લૂક `ચેરી ઓન ધી કેક` છે અને એ ધાંસુ કામ કરે છે.  ચેતન દૈયાના અભિનયના વખાણ કરવા એ પૂર્વમાંથી ઉગતા સૂર્ય જેટલી સાહજિક બાબત છે. ડરને મારે ઓકી પડતા પોલીસવાળાનો રોલ તેમણે સરસ નિભાવ્યો છે. જયેશ મોરે આ વખતે પોલીસ સ્ટેશનમાં છે ખરા પણ પોલીસવાળા તરીકે નહીં અઘોરી તરીકે અને એમનો લૂક અને અભિનય એવા છે કે તેમને તમે તરત ના ઓળખી શકો. વળી સંજય ગોરડીયા, નિસર્ગ ત્રિવેદી, ભામીની જાની જેના જુના જોગીઓ તો સારું કામ કરે જ પણ સાથે સંજય ગલસરે `છમાં પાંચ`ના પાત્રમાં અને `આ`ના પાત્રમાં ભૌમિક આહિર (જેની હવે ખોટ સાલે છે) એમ બંન્નેએ કોમિક ટાઇમિંગ સાચવી લીધા છે.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શનઃ ઉમંગ વ્યાસનું ડાયરેક્શન પહેલા પણ સારું રહ્યું છે. તેમણે આપણને વેન્ટિલેટર જેવી ફિલ્મો આપી છે. હોરર કોમેડીના ડાયરેક્શનમાં તેમણે બધા બૉક્સિઝ ટિક કર્યા છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. ફિલ્મની વાર્તામાં સ્ત્રી, ભુલભુલૈયા જેવી ફિલ્મો યાદ આવે પણ છતાં ય કથાબીજ લોકકથામાં વણાયેલું છે અને તેને ગુજરાતી ભાષાનું, તળપદી માહોલનું ક્લેવર મળ્યું છે. હોરર કોમેડી વાર્તા પર બની હોય તેવી આ બીજી ગુજરાતી ફિલ્મ છે અને વાર્તા ક્યાંક પ્રેડિક્ટેબલ લાગે તો પણ ફિલ્મ જોવાની મજા તો આવે જ. ઘરેડની બહાર કરવાનું સાહસ પ્રશંસનીય છે. સંવાદોમાં ક્યાંક કાચું કપાયું છે જેમ કે,`એ રાત્રે નવરાત્રીની રાત હતી` વગેરે પણ આપણે હસતાં હસતાં ડરવું હોય અથવા ડરતાં ડરતાં હસવું હોય તો એ બધું તો આપણે ચુડેલના અટ્ટહાસ્યમાં ખોવાઇ જવા દેવાનું.  

મ્યુઝિકઃ બંદિશ પ્રોજેક્ટ, શાદાબ હાશ્મી અને અઘોરી મ્યુઝિકે રચેલું ફિલ્મનું સંગીત ચોક્કસ મજા કરાવે એવું છે. હોરર ફિલ્મમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક સારું હોય એ જરૂરી છે અને અહીં એ કાળજી લેવાઇ છે. ફિલ્મનું ટાઇટલ સોંગ તો સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી જ રહ્યું છે. તેનું રોમેન્ટિક ગીત મધુરું છે તો ગરબાની રમઝટ જેમાં બતાડાઇ છે એ ગીત પણ સરસ છે. 

ફિલ્મ જોવી કે નહીંઃ  હોરર કોમેડી ફિલ્મો ગમતી હોય તો આ ફિલ્મ જોવી જોઇએ. દરેક બાબતે લોજિક શોધવાનો ઉત્સાહ હોય તો ન જવું. બાકી જેમ ડાકણનાં પગ નક્કી અવળા હોય જ છે એમ આ ફિલ્મમાં મનોરંજનની ગેરંટી તો છે જ. 

gujarati film film review dhollywood news viraj ghelani manasi parekh ojas rawal chetan daiya Sanjay Goradia