23 January, 2023 11:38 PM IST | Ahmedabad | Nirali Kalani
વશ ફિલ્મનું ટ્રેલર રિલીઝ
`રાડો`, `બાઘડબિલ્લા`, `ફક્ત મહિલાઓ માટે`, તથા `કચ્છ એક્સપ્રેસ` જેવા વિવિધ પ્રકરના વિષયો બાદ હવે ગુજરાતી ભાષામાં એક અલગ પ્રકારની ફિલ્મ લઈને આવી ગયા છે નિર્દેશક કૃષ્ણદેવ યાજ્ઞિક. જાનકી બોડીવાલા (Janki Bodiwala), હિતેન કુમાર (Hiten Kumar), હિતુ કનોડિયા (Hitu Kanodia) અને નીલમ પાંચાલ (Niilam Paanchal)સ્ટારર ગુજરાતી ફિલ્મ `વશ (Vash)`નું ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે. આ સાઇકૉલોજીકલ થ્રિલર ફિલ્મ છે.
ફિલ્મના ટાઈટલ પરથી અંદાજો લગાવી શકાય છે કે ફિલ્મની વાર્તા ક્યાંકને ક્યાંક વશીકરણ સાથે સંબંધિત હશે. હકિકતે, એવું જ છે, જેનો ખ્યાલ ટ્રેલર જોઈને આવી જાય છે. ટ્રેલરની શરૂઆતમાં જ હિતેન કુમારની એન્ટ્રી થાય છે. એમનો લૂક અને હાવભાવ સ્પષ્ટ રીતે સૂચવે છે કે તે પ્રતાપ ભાઈના પાત્રમાં વિલનની ભૂમિકા ભજવી રહ્યા છે.
જાનકી બોડીવાલા યુવતી આર્યાના પાત્રમાં જોવા મળે છે. જેના માતા-પિતાની ભૂમિકા હિતુ કનોડિયા અને નીલમ પંચાલ નિભાવી રહ્યાં છે. આપણે શરૂઆતમાં વાત કરી એમ કે ટાઈટલ પરથી ફિલ્મની વાર્તાનો અંદાજ જરૂર આવી જાય છે. પરંતુ ફિલ્મમાં કોણ કોને વશ કરે છે? કેવી રીતે કરે છે? અને શા માટે કરે છે? તે જોવું ખુબ જ રસપ્રદ રહેશે.
આ પણ વાંચો: યશ સોનીની નવી ફિલ્મનો લૂક જોયો? આ દિગ્દર્શક સાથે ફરી કરશે કામ
આ ફિલ્મનું લેખન અને નિર્દેશન કૃષ્ણદેવ યાજ્ઞિકે કર્યુ છે. તેમની છેલ્લી ફિલ્મ `રાડો` હતી. જે એક પૉલિટિકલ ડ્રામા પર આધારિત હતી. `વશ` ફિલ્મના નિર્માતા કૃણાલ સોની છે, જ્યારે કૉ-પ્રોડ્યુસર નિલય ચોટાઈ અને દિપેન પટેલ છે. ફિલ્મની સ્ટોરી તમને આઘાત અને આશ્ચર્ય પમાડે તેવી છે. આ ફિલ્મ 17 ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થશે.
નોંધનીય છે કે, આ ફિલ્મ જાનકી બોડીવાલા અને કૃષ્ણદેવ યાજ્ઞિકની ત્રીજી ફિલ્મ છે. અભિનેત્રીએ દિગ્દર્શકની સુપરહિટ ફિલ્મ છેલ્લો દિવસ (Chhello Divas) દ્વારા ઢોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ ગત વર્ષે તેમની ફિલ્મ ‘નાડી દોષ’ (Naadi Dosh) રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પણ બોક્સ ઑફિસ પર સફળતાના નવા શિખરો સર કર્યા હતા. હવે જાનકી અને કૃષ્ણદેવની આ ત્રીજી ફિલ્મ ‘વશ’ની હેટ-ટ્રિક બૉક્સ ઑફિસ પર કેવી બાઉન્ડ્રી મારે છે તેના પર પ્રેક્ષકોની નજર રહેશે.
આ પણ જુઓ - કૃષ્ણદેવ યાજ્ઞિક : અર્બન ગુજરાતી ફિલ્મોમાં નવતર પ્રયોગ કર્યા છે ફિલ્મમેકરે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, જાનકી બોડીવાલા છેલ્લે ‘નાડી દોષ’માં જોવા મળી હતી. જ્યારે કૃષ્ણદેવ યાજ્ઞિકની છેલ્લી ફિલ્મ રાડો (Raado) જે પૉલિટિકલ ડ્રામા હતી તેણે બોક્સ ઑફિસ પર ધૂમ મચાવી હતી.