19 January, 2024 03:00 PM IST | Mumbai | Rachana Joshi
‘ઇટ્ટા કિટ્ટા’નું પોસ્ટર
ફિલ્મ : ઇટ્ટા કિટ્ટા
કાસ્ટ : માનસી પારેખ, રોનક કામદાર, અલ્પના બુચ, પ્રિન્સી પ્રજાપતિ, જીયા વૈદ્ય
લેખક : અઝહર સૈયદ, અંતિમા પવાર
દિગ્દર્શક : અભિન શર્મા, મંથન પુરોહિત
રેટિંગ : ૩.૫/૫
પ્લસ પોઇન્ટ : વાર્તા, અભિનય, મ્યુઝિક
માઇનસ પોઇન્ટ : પ્રિડિક્ટેબલ સ્ટોરી
ફિલ્મની વાર્તા
‘ઇટ્ટા કિટ્ટા’ ફિલ્મની વાર્તા કપલ કાવ્યા જરીવાલા અને નીરવ જરીવાલાની આસપાસ ફરે છે. આ યુવાન કપલ ઘણા સમયથી ગર્ભધારણ કરવાની કોશિશ કરે છે પણ તેમાં સફળતા નથી મળતી એટલે બાળક દત્તક લેવાનો નિર્ણય કરે છે. ત્યારે નીરવની મમ્મી તેનો વિરોધ કરે છે. તેમ છતાં કપલ અનાથાલાયમાંથી છ વર્ષની ખુશી અને ૧૩ વર્ષની વિધિને દત્તક લે છે. પછી બન્ને છોકરીઓ કાવ્યા નીરવને સ્વીકારે છે કે નહીં? તે આખી સફર બહુ જ લાગણીસભર છે. ઉપદેશ કે સલાહ આપ્યા વગર સામાજિક મુદ્દાને સમજવાની સમાજે કેટલી જરૂર છે તે ફિલ્મની વાર્તામાં બહુ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે.
પરફોર્મન્સ
ફિલ્મમાં કાવ્યા જરીવાલાના પાત્રમાં માનસી પારેખ (Manasi Parekh) છે. માનસીના અભિનયના વખાણ કરવાં રહ્યાં. ઈમોશનલ મમ્મી તરીકે માનસીનો અભિનય નીખરી આવે છે. બીજા હાફમાં તેનો અભિનય વધુ દમદાર છે.
તો નીરવ જરીવાલાના પાત્રમાં અભિનેતા રોનક કામદાર (Raunaq Kamdar)ના એક્સપ્રેશન આખી ફિલ્મમાં મજા પાડી દે છે. સમજદાર પતિ, લાડકો દીકરો હોય કે મેચ્યોર પિતા પાત્રના દરેક પાસામાં રોનકનો અભિનય સરસ છે.
દાદીના પાત્રમાં અલ્પના બૂચ (Alpna Buch) કૉમિક ટાઇમિંગ જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકામાં બે બાળકીઓ પણ છે. ખુશીના પાત્રમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ પ્રિન્સી પ્રજાપતિ (Princy Prajapati) તેની ક્યૂટ અદાઓથી તમારું મન મોહી લેશે. તો ટીનેજ ટૉમ બૉય અને ગુસ્સાવાળી છોકરીની ભૂમિકામાં જીયા વૈદ્ય (Jia Vaidya)નો અભિનય વખાણવાલાયક છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
ફિલ્મનું લેખન અઝહર સૈયદ (Azhar Saiyedd) અને અંતિમા પવાર (Antima Pawar)એ કર્યું છે. યુવા લેખકોએ સંવેદનશીલ વિષયને સરળ રીતે પણ દિલ સુધી પહોંચી જાય તેમ રજૂ કર્યો છે. ડાયલોગ અને એક્શન આખી ફિલ્મ દરમિયાન ઈમોશનલ રોલર કોસ્ટરનો અનુભવ કરાવે છે. જોકે, ફર્સ્ટ હાફમાં કૉન્ફ્લિક્ટ જોઈએ તેટલી ઇન્ટેન્સ નથી. જે બીજા હાફમાં ઇન્ટેન્સ થઈ જાય છે. તે સિવાય બાળકીઓ સાથે બા અચાનક ભળી જાય છે તે વાત ગળે ઉતારવી જરાક અઘરી છે. બાકી પ્રિડિક્ટેબલ સ્ટોરી વચ્ચે-વચ્ચે આંચકા જરૂર આપે છે.
દિગ્દર્શક જોડી અભિન શર્મા (Abhinn Sharma) અને મંથન પુરોહિત (Manthann Purohit)એ સામજીક મુદ્દાને સરળ વાર્તામાં ઢાળીને પ્રભાવક રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મ જોતાં એવું લાગે કે દરેક સામાન્ય ગુજરાતી પરિવારમાં આવી નાની-મોટી ઘટનાઓ બનતી જ રહે છે. પ્રિડિક્ટેબલ સ્ટોરી છે તેમ છતાં નિરસ ન લાગે તેની તકેદારી લેખક અને દિગ્દર્શકની જોડીએ રાખી છે.
મ્યુઝિક
ફિલ્મમાં બેકગ્રાઉન્ડ સ્કોર અને સંગીત કેદાર – ભાર્ગવ (Kedar - Bhargav)નું છે. જે દરેક સીનને અનુરુપ છે. ઘણા મહત્ત્વના સીનમાં ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક જ ઈમોશન્સ દેખાડવા માટે પૂરતું છે.
ફિલ્મનું ગીત ‘કાનુડો કામણગારો’ કિર્તિદાન ગઢવી અને ઐશ્વર્યા મઝમુદારે ગાયું છે. જે આ જન્માષ્ટમી લગભગ દરેક જગ્યાએ સાંભળવા મળશે. તો ફિલ્મનું બીજું ગીત ‘રંગીલી ફૅમેલી’ વાર્તાને અનુરુપ છે. જેમાં સિદ્ધાર્થ ભાવસારે અવાજ આપ્યો છે.
ફિલ્મ જોવી કે નહીં?
આજની મોર્ડન જનરેશન અને વૃદ્ધો બન્નેએ બાળકો દત્તક લેવા વિશે શું સમજવું જોઈએ તે જાણવા માટે ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ. સામાજિક મુદ્દા પર કેટલી સરળતાથી વાત થઈ શકે છે તે જાણવું હોય તો આખા પરિવાર સાથે ફિલ્મ જોવા ચોક્કસ જજો.