15 September, 2021 10:23 PM IST | mumbai | Nirali Kalani
અંજલી બારોટ
સ્કૅમ 1992 ફેમ અંજલી બારોટે પોતાના અભિનયથી લાખો દર્શકોના દિલ જીતી લીધાં છે. હવે ફરી અંજલી બારોટ એક ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યાં છે. આ ફિલ્મ લવ સ્ટોરી પર આધારિત છે. અંજલી બારોટની આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. મુળ ગુજરાતના વડોદરાના અંજલી બારોટે આ ફિલ્મને લઈ મિડ-ડે ડૉટ કોમ સાથે ખાસ વાતચીત કરી હતી.
ગુજરાતી ફિલ્મ `ચબુતરો` માં અંજલી બારોટ લીડ રોલમાં જોવા મળશે. લવ સ્ટોરી પર આધારિત આ ફિલ્મમાં અંજલી એક સરળ અને સહજ સ્વભાવની યુવતીનું પાત્ર ભજવી રહ્યાં છે. મિડ-ડે ડૉટ કોમ સાથે વાત કરતાં અંજલીએ કહ્યું કે, આ મારી પહેલી ગુજરાતી ફિલ્મ છે, જેને લઈ હું ખુબ જ ઉત્સાહિત છું, આ ફિલ્મમાં હું એક એવી યુવતીનું પાત્ર ભજવી રહી છું, જે પોતાની લાઈફને લઈ ક્લીઅર છે કે તેને શું કરવું છે.`
વ્હાઈ એલિફન્ટ ફિલ્મ્સ દ્વારા નિર્મિત `ચબુતરો` ફિલ્મને ચાણક્ય પટેલ ડિરેક્ટ કરી રહ્યાં છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મ આવતા વર્ષે 2022માં રિલીઝ થશે. `ચબુતરો` ફિલ્મમાં અંજલી બારોટ સામે રોનક કામદાર જોવા મળશે. ગુજરાતી દર્શકોને પહેલી વાર રોનક અને અંજલીનો રોમાન્સ જોવા મળશે.
આ પણ જુઓઃ Anjali Barot: જ્યારે સિરિઝના આ દ્રશ્ય માટે ડાયરેક્ટરે કોઇ સૂચના નહોતી આપી
ફિલ્મ વિશે વધુમાં જણાવતાં અંજલીએ કહ્યું કે,` આ ફિલ્મમાં એક ગરબો પણ છે. જે દર્શકોને ખુબ જ પસંદ આવશે. આ ગરબાનું રિહર્સલ કર્યુ ત્યારે અમે ખુબ જ એન્જોય કર્યુ હતું, ટૂંક સમયમાં જ તેનું શૂટ થશે.` આ ઉપરાંત તેમણે કહ્યું કે,` ગરબા આપણી ગુજરાતની સંસ્કૃતિ અને આપણો ફોલ્ક ડાન્સ છે, તેથી હું પર્સનલી એવું માનું છું કે દરેક ફિલ્મમાં એક ગરબો હોવો જ જોઈએ`
ઉલ્લેખનીય છે કે, અંજલી બારોટે 50 જેટલી જાહેરાતમાં કામ કર્યુ છે. આ સાથે જ કેટલાક ડિઝિટલ શૉ પણ કર્યા છે. પરંતુ સ્કૅમ 1992થી તે વધારે લાઈમ લાઈટમાં આવ્યાં. જેમાં તેમણે હર્ષદ મહેતાની પત્નીનું પાત્ર ભજવ્યું હતું. આ શૉ માં તેમના શાનદાર અભિનયે દર્શકોના દિલ જીતી લીધા હતા અને તે રાતોરાત છવાઈ ગયા. જો તેમની પર્સનલ લાઈફની વાત કરીએ તો, અંજલી બારોટે ફેબ્રુઆરી 2021માં ગૌરવ અરોરા સાથે લગ્ન કર્યા હતા.