Hari Om Hurry: એક જિંદગીમાં બે જિંદગી, પ્રભુની કલમથી પોતાની જિંદગીમાં મનગમતું શું લખે છે ઓમ?

11 December, 2023 01:32 PM IST  |  Mumbai | Nirali Kalani

ક્રિસમસ પર પરિવાર સાથે બેસીને એક નવા વિષયની ગુજરાતી ફિલ્મ માણવા ઈચ્છતાં હોય તો આ ફિલ્મ સારો વિકલ્પ છે.  

ગુજરાતી ફિલ્મ `હરિ ઓમ હરી`

ફિલ્મ : હરિ ઓમ હરી

કાસ્ટ : સિદ્ધાર્થ રાંદેરિયા, રોનક કામદાર, વ્યોમા નંદી, મલ્હાર રાઠોડ 

લેખક : વિનોદ કે સરવૈયા

દિગ્દર્શક : નિસર્ગ વૈદ્ય

પ્લસ પોઇન્ટ :  કોન્સેપ્ટ, સંગીત અને કૉમિક ટાઈમિંગ

માઇનસ પોઇન્ટ : ફર્સ્ટ હાફમાં વાર્તાની ગતિ ધીમી 

રેટિંગ : 3.5/5

ફિલ્મની વાર્તા:

રાતનો સમય છે...વરસાદ વરસી રહ્યો છે....ટ્રાફિકમાં કેટલાક વાહનો ફસાયા છે....અને એ વાહનોમાં એક કાર છે, જેમાં એક કપલ બેઠું છે. ઓમ (રોનક કામદાર) ઝઘડા બાદ ગુસ્સામાં ચૂપ બેઠેલી તેની પત્ની વિની (વ્યોમા નંદિ)ને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, આવા એક સીન સાથે ફિલ્મની વાર્તા શરૂ થાય છે. વાત ડિવોર્સ સુધી પહોંચે છે. વિનિના પપ્પા એક મોટા બિઝનેસ મેન હોય છે. લગ્ન બાદ વિનિના પપ્પા તરફથી તેમને રહેવા ઘર મળે છે અને ઓમને બિઝનેસમાં જોડાવવાની તક પણ. બધું જ બરાબર ચાલતું હોય છે પણ અચાનક બેસ્ટ ફ્રેન્ડમાંથી પતિ-પત્ની બનેલા ઓમ અને વિનિ વચ્ચે એક બાબતે ઝઘડો થાય છે અને ઓમ અલગ થવાનો પ્રસ્તાવ મુકે છે. એવામાં એન્ટ્રી થાય છે હરિ એટલે કે પ્રભુ (સિદ્ધાર્થ રાંદેરિયા)ની. ઓમની મુલાકાત હરિ સાથે થાય છે. હરિ ઓમને પોતાની મનગમતી જિંદગી લખવાની તક આપે છે. પછી શું, ઓમ, જીવનની એક એવી નવી દુનિયામાં પ્રવેશે છે, જયાં લોકો જુના છે પણ સંજોગો અને ઘટનાઓ નવી અને અલગ છે.  

કોલેજ સમયથી ઓમને માયરા (મલ્હાર રાઠોડ) ગમતી હોય છે. પરંતુ આ અંગે તે કંઈ વધુ વિચારે તે પહેલા જ તેના લગ્ન વિનિ સાથે થઈ જાય છે. ઓમને મળેલી નવી દુનિયામાં તેનો ભેટો માયરા સાથે થાય છે. અને પછી ઓમના જીવનમાં જે બને છે તે ખરેખર જોવા જેવું છે. હરિએ આપેલી કલમથી ઓમ પોતાની જિંદગીમાં શું લખે છે? ઓમ અને વિનિના છૂટાછેડા થાય છે કે નહીં? માયરા ઓમના જીવનમાં પરત ફરે છે? માયરા કૂંવારી છે કે પરિણિત? ઓમની નવી દુનિયામાં શું નવું હોય છે? ઓમના જીવનમાં હરિ શું ભૂમિકા ભજવે છે?  આ તમામ સવાલના જવાબ તમને ફિલ્મ જોયા બાદ મળશે. 

પરફોર્મન્સ

હરિના પાત્રમાં સિદ્ધાર્થ રાંદેરિયા એક નવા રૂપમાં જોવા મળે છે. કદાચ આ પહેલા સિદ્ધાર્થ રાંદેરિયાને તમે આવા અંદાજમાં નહીં જોયા હોય. તેમનો અભિનય અને કૉમિક ટાઈમિગં હંમેશની જેમ પ્રશંસનીય છે. પણ એક નવા ગેટઅપમાં સિદ્ધાર્થ રાંદેરિયા અને રોનક કામદારની કેમેસ્ટ્રીની અવશ્ય નોંધ લેવી જોઈએ.

એક્ટર બનવાનું સપનું સેવતા ઓમની ભૂમિકામાં રોનક કામદાર એકદમ ફિટ બેસે છે. વિનિના ફ્રેન્ડના રૂપમાં હોય કે પતિના રૂપમાં, રોનક કામદાર પોતાના પાત્રને જાળવી રાખવામાં સફળ થયાં છે. ફિલ્મમાં ઑડિશનનો ભાવુક સીનમાં રોનક કામદારે અદ્ભુત પર્ફોમન્સ આપ્યું છે.    

વિનિનું પાત્ર વ્યોમા નંદિએ ભજવ્યું છે. પોતાના પિતાના બિઝનેસમાં જોડાયેલી વિનિને દર્શકો સમક્ષ રજૂ કરવામાં વ્યોમાની પ્રશંસા કરવી જ રહી. સ્ક્રિન પર વ્યોમા સુંદર અને એલિગેન્ટ દેખાય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ અભિનયમાં થોડી કચાસ રહી ગઈ હોય એવું લાગે છે. કેટલાક દ્રશ્યો એવા છે જેમાં તેમણે તેમના પાત્રને પુરતો ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે. 

`હરિ ઓમ હરી`થી મલ્હાર રાઠોડે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યું કર્યુ છે. આ તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. માયરાના પાત્રમાં મલ્હાર રાઠોડનો અભિનય દિલ જીતી લે એવો છે. શરૂઆતથી અંત સુધી પોતાના પાત્રને બખુબી નિભાવ્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવાનું સપનું જોતી માયરાના પાત્રને સહજ રીતે મલ્હારે ઉજાગર કર્યુ છે. 

આ સાથે જ સહકલાકાર તરીકે ઓમ અને વિનિના મિત્રના પાત્રમાં શિવમ પારેખે ઉમદા કામ કર્યુ છે. 

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન

ફિલ્મની વાર્તા અને સંવાદો વિનોદ કે સરવૈયા લખ્યાં છે. ફિલ્મનો કોન્સેપ્ટ અને વાર્તા સરસ છે. ફિલ્મની શરૂઆત રસપ્રદ રીતે થાય છે. ફર્સ્ટ હાફમાં જેમ જેમ સ્ટોરી આગળ વધે તેમ ફિલ્મમાં રસ જળવાઈ છે પરંતુ ધીમી ગતિ હોવાથી તે દર્શકોમાં કંટાળો ઉપજાવી શકે છે. જે રીતે વાર્તા ક્રમશ: આગળ વધે છે તે જોઈને લાગે છે કે તેમાં કેટલાક વધારે રસપ્રદ એલિમેન્ટ ઉમેરી શકાયા હોત. સિદ્ધાર્થ રાંદેરિયા, રોનક કામદાર, વ્યોમા નંદી અને મલ્હારના પાત્રને ખુબ જ સરસ રીતે રજૂ કરવામાં આવ્યાં છે. ફિલ્મના સંવાદો સારા છે, ખાસ કરીને સિદ્ધાર્થ રાંદેરિયાના. એક પછી એક ઘટનાઓ બની રહી છે તેનું સિંક્રોનાઇઝેશન અસરકારક રીતે કરવામાં આવ્યું છે. જેથી, આગળ શું થશે એ પ્રકારની આતુરતા દર્શકોમાં જળવાઈ રહેશે. એક અર્બન ગુજરાતી ફિલ્મ તરીકે આ ફિલ્મ દર્શકો પર સારી છાપ છોડી શકે છે.

ફિલ્મને સારી રીતે રજૂઆત કરવાનો શ્રેય ડિરેક્ટર નિસર્ગ વૈદ્યને આપી શકાય. ફિલ્મના વિષયને અનુરુપ દરેક સીનનું જે રીતે ફિલ્માંકન થયું છે તે નોંધનીય છે.    

મ્યુઝિક

ફિલ્મમાં સંગીત પાર્થ ભરત ઠક્કરે આપ્યું છે. સંગીત એ ફિલ્મનું અન્ય એક મનોરંજક પાંસુ સાબિત થઈ શકે છે. `વ્હાલીડા` અને `ચલ તાળી આપ ` બંને ગીત કર્ણપ્રિય બને તેવાં છે. વ્હાલીડા ગીતમાં ભૂમિ ત્રિવેદી અને કિર્તીદાન ગઢવીએ અવાજ આપ્યો છે. જ્યારે  `ચલ તાળી આપ` એ અરમાન મલિક અને આદિત્ય ગઢવીએ ગાયું છે. આ સિવાય "ગમતી ગમતી રે... જયારે તું મલકી રે.." સલિમ મર્ચન્ટના અવાજમાં સાંભળવાની મજા આવે એવું છે.

ફિલ્મ જોવી કે નહીં?

ક્રિસમસ પર પરિવાર સાથે બેસીને એક નવા વિષયની ગુજરાતી ફિલ્મ માણવાં ઈચ્છતાં હોય તો આ ફિલ્મ સારો વિકલ્પ છે.  

 

dhollywood news gujarati film film review siddharth randeria entertainment news nirali kalani