‘હું અને તું’ Review : પારિવારિક ગુજરાતી નાટક સ્ટાઇલ કૉમેડી, સિદ્ધાર્થ રાંદેરિયાના ફેન્સ માટે જલસો

17 September, 2023 04:00 PM IST  |  Mumbai | Rachana Joshi

ફિલ્મનો હીરો યુવા અભિનેતા પરીક્ષિત તમાલિયા દર્શકોને સીટ પર જકડી રાખવામાં સફળ

‘હું અને તું’નું પોસ્ટર (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

ફિલ્મ : હું અને તું

કાસ્ટ : સિદ્ધાર્થ રાંદેરિયા, સોનાલી લેલે દેસાઈ, પૂજા જોષી, પરીક્ષિત તમાલિયા

લેખક : વિનોદ સરવૈયા

દિગ્દર્શક : મનન સાગર

રેટિંગ : ૨.૫/૫

પ્લસ પોઇન્ટ : સ્ટારકાસ્ટ, અભિનય, સિનેમેટોગ્રાફી

માઇનસ પોઇન્ટ : બિનજરુરી સીન, લંબાઈ, સ્ટોરી ડૅવલપમેન્ટ

ફિલ્મની વાર્તા

ફિલ્મની વાર્તા પિતા-પુત્રના લગ્નની આસપાસ ફરે છે. ઉમેશ ગણાત્રા (સિદ્ધાર્થ રાંદેરિયા)ની પત્ની વર્ષો પહેલાં મૃત્યુ પામી હોય છે. તે દીકરા તેજસ (પરીક્ષિત તમાલિયા)ને એકલે હાથે મોટો કરે છે. તેજસ સ્ટેન્ડઅપ કૉમેડિયન છે. જેને રેવા (પૂજા જોષી) સાથે પ્રેમ થાય છે અને તેની સાથે તે લગ્ન કરવાનું નક્કી કરે છે. આ દરમિયાન ઉમેશની કોલેજ ક્રશ કેતકી (સોનાલી લેલે દેસાઈ) સાથે મુલાકાત થાય છે અને તેની સાથે લગ્ન કરીને બાકીને જીંદગી પસાર કરવાનું નક્કી કરે છે. બાપ-દિકરાના લગ્ન એક જ મંડપમાં થવાના સપનાં સેવાય છે પરંતુ એ પહેલા એવી પરિસ્થિતિ ઉભી થાય છે કે, બન્ને વચ્ચે લગ્ન કરવાની અને ન કરવાની હરિફાઈ જામે છે. લગ્ન કોના, ક્યારે, કોની સાથે અને કેવી પરિસ્થિતિમાં થાય છે તેની આસપાસ ફિલ્મની વાર્તા ફરે છે.

પરફોર્મન્સ

‘હું અને તું’ની સ્ટાર કાસ્ટ જ ફિલ્મનું મજબૂત પાસુ છે. સિદ્ધાર્થ રાંદેરિયા હંમેશ મુજબ તેમના આગવા મિજાજમાં જોવા મળે છે. જોકે, કંઈક નવું જોવાની ફેન્સની આશા પુર્ણ નથી થતી. સોનાલી લેલે દેસાઈએ તેમના પાત્રને પુરો ન્યાય આપ્યો છે. અભિનેત્રી પૂજા જોષી ફિલ્મમાં ખુબ જ સુંદર લાગે છે અને પાત્રમાં એકદમ પર્ફેક્ટ લાગે છે.

અહીં એક પાત્ર અને કલાકારની પ્રશંસા કરવી જ રહી અને તે છે યુવા અભિનેતા પરીક્ષિત તમાલિયા. ફિલ્મમાં તેણે તેજસ પાત્ર ખુબ જ દિલી નિભાવ્યું છે. પરીક્ષિતનો અભિનય અને ગુજરાતી ભાષા બન્ને પર પકડ સારી છે. તેમાં તેની સ્ટાઇલ અને ગ્લેમર ફિલ્મમાં હૉટનેસ ઉમેરે છે. ફિલ્મનાં કુલ સ્ટારમાંથી અડધો સ્ટાર પરીક્ષિત તમાલિયા અને તેની હૉટનેસ માટે જ છે.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન

ફિલ્મની વાર્તા, સ્ક્રિનપ્લે અને ડાયલોગ વિનોદ સરવૈયાએ લખ્યાં છે. શરુઆતથી જ વાર્તા લાંબી લાગે છે. થોડી ધીમી શરુઆત બાદ ફિલ્મ જામે છે પરંતુ આખી ફિલ્મ દરમિયાન ઘણા બીનજરુરી દ્રશ્યો છે જેને કારણે દર્શકોની પકડ છુટી જાય છે. તો ફિલ્મની શરુઆતમાં જે સીનને જ્યાં સમય અપાવો પડે ત્યાં સમય નથી આપવામાં આવ્યો. તો બીજી તરફ ન જોઈતા અને બીનજરુરી સીન્સને ઘણા લંબાવવામાં આવ્યા છે. સિદ્ધાર્થ રાંદેરિયા પાસેથી દર્શકોને જે અપેક્ષા હોય તે થોડીક બાકી રહી ગઈ હોય તેવું જણાય છે અને તેમના પાત્ર તેમજ ડાગ્લોગ્સમાં ખાસ નવીનતા નથી જોવા મળતી. જેથી ગુજરાતી નાટક જોતાં હોય તેવો જ અનુભવ થાય છે. કારણકે રજુઆત પણ કંઈલ એવી જ કરવામાં આવી છે.

દિગ્દર્શનની વાત કરીએ તો, મનન સાગરે ડિરેક્શન કર્યું છે. સિનેમેટોગ્રાફી અને કૅમેરા વર્ક સારું છે છતાં દિગ્દર્શનમાં કંઈક ખુટતું હોય તેવું લાગે છે.

મ્યુઝિક

ફિલ્મમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક કેદાર – ભાર્ગવનું છે. જે દરેક સીનને પુરતો ન્યાય આપે છે. ફિલ્મમાં ચાર ગીતો છે પરંતુ ફિલ્મ જોયા પછી ભાગ્યે જ યાદ રહે તેવા છે. એકાદ ગીતને બાદ કરતાં બીજા બધા ગીતો જાણે બંધબેસતા અને ફિલ્મની લંબાઈ વધારતા હોય તેવું લાગે છે. ગીતોનું પ્લેસમેન્ટ યોગ્ય જગ્યાએ ન થયું હોય તેવો અનુભવ ફિલ્મ દરમ્યાન થાય છે.

ફિલ્મ જોવી કે નહીં?

સિદ્ધાર્થ રાંદેરિયાના ફેન્સે થિયેટર સુધી ફિલ્મ જોવા જવું જોઈએ. આ સિવાય ગુજરાતી ફિલ્મમાં હૉટનેસ અને ગ્લેમર જોવા હોય તો ચોક્કસ આ ફિલ્મ જોવી.

siddharth randeria puja joshi film review gujarati film dhollywood news rachana joshi