શરમ નથી આવતી તને, તેં એ લોકો સાથે એક પણ ફોટો પડાવ્યો નહીં?

26 October, 2024 02:08 PM IST  |  Mumbai | Rashmin Shah

જવાબમાં રાજે એમ જ કહી દીધું હતું કે ચિંતા શું કામ કરે છે, બને કે ફ્યુચરમાં હું એ શોમાં કામ કરતો હોઉં ને રોજ એ લોકોને મળતો હોઉં... અને એવું જ બન્યું

જે પોર્ટફોલિયો બનાવવા માટે મમ્મીએ પોતાની સેવિંગ્સ ખર્ચી નાખી એ પોર્ટફોલિયોમાંથી એક ફોટો. (જમણે)

ટપુના ભાઈબંધના રોલની ઑફર આવી ત્યારે રાજ અનડકટ ઑડિશન માટે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર ગયો હતો. ત્યાં તેને શોની આખી સ્ટારકાસ્ટ મળી પણ રાજે એક પણ ફોટો પાડ્યો નહીં એટલે તેની મમ્મીએ દેકારો કરતાં કહ્યું હતું... શરમ નથી આવતી તને, તેં એ લોકો સાથે એક પણ ફોટો પડાવ્યો નહીં?

અને બોલો એવું જ થયું. મને એક દિવસ ટપુના રોલ માટે જ ઑફર આવી અને પછી મેં એ જ બધા લોકો સાથે રોજ કામ કર્યું જેમની સાથે મેં ફોટો નહોતો પડાવ્યો.’ પોતાના હેક્ટિક શેડ્યુલ વચ્ચે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં રાજ કહે છે, ‘ફોટો નહીં પડાવવાનું કોઈ રીઝન નહોતું પણ એ લોકો કામમાં હતા અને મને ફોટોનું કહેવામાં સહેજ સંકોચ થતો હતો એટલે મારું ઑડિશન આપી હું નીકળી ગયો.’

અફસોસ કરતાં રાજને આવડતું નથી. રાજ કહે છે, ‘એ મારો સ્વભાવ જ નથી અને એનો મને બહુ બેનિફિટ પણ થયો છે. જે રોલ માટે હું ઑડિશન આપવા ગયો હતો એ ટપુના ફ્રેન્ડનો બે એપિસોડનો રોલ હતો અને હું એમાં રિજેક્ટ થયો. એ સમયે મને કોઈ અફસોસ નહોતો. ઑડિશન આપીને હું ઘરે પાછો આવ્યો ત્યારે મમ્મી મારા પર રીતસર ચિલ્લાઈ કે જેઠાલાલ, ચંપકકાકા, મહેતાસાહેબ, પોપટલાલ અને બીજા બધા હાજર હતા તો પણ તેં એ લોકો સાથે એક ફોટો પડાવ્યો નહીં, તને શરમ ન આવી? અને મેં હસતાં-હસતાં મમ્મીને કહ્યું કે તું ટેન્શન નહીં કર, કદાચ એવું બને કે એક દિવસ હું એ લોકો સાથે રોજ કામ કરતો હોઉં અને અમે બધા ફ્રેન્ડ્સ હોઈએ. ડેસ્ટિની. એવું જ બન્યું. જો મેં ફોટો પડાવ્યો હોત તો મમ્મીએ કમ્પ્લેઇન્ટ ન કરી હોત ને જો તેણે કમ્પ્લેઇન્ટ ન કરી હોત તો હું પેલી વાત બોલ્યો ન હોત. હું બોલ્યો અને એવું જ થયું. ઍન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટરી...’

મારી, તમારી, આપણી વાત

ઈઝી-ગો લકી ટાઇપની માનસિકતા ધરાવતો રાજ કોઈ ભાર લઈને ફરતો નથી અને એ પછી પણ ઇન્ટરવ્યુ આપવાની વાત આવે તો રાજ તરત બૅકફુટ થાય અને કહે, ‘મારા વિશે જેટલી વાતો કરવી હોય એટલી કરીશું પણ મારી ફૅમિલીને આ બધાથી દૂર રાખો. મારા પેરન્ટ્સને એ ગમતું નથી એટલે હું તેમની ઇચ્છાનો રિસ્પેક્ટ કરું છું.’

રાજના પપ્પા હવે રિટાયર્ડ છે પણ પહેલાં તે ફૂડ-ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા. અનેક ફૂડ-આઇટમનો તેમનો હોલસેલનો બિઝનેસ હતો. રાજ ગોરેગામમાં રહે છે અને રાજનાં મમ્મી હાઉસવાઇફ છે તો રાજની સિસ્ટર સોનુ ડિજિટલ ક્રીએટર છે. એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં રાજને લઈ આવવાનું કામ તેનાં મમ્મીએ કર્યું છે. રાજ કહે છે, ‘જો મમ્મી ન હોત તો હું કદાચ આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો જ ન હોત. તમને એક મસ્ત વાત કહું, મારાં મમ્મીને બહુ એવું કે મારો દીકરો ટીવીમાં આવે પણ અમારા ઘરનું બૅકગ્રાઉન્ડ તો સાવ સિમ્પલ એટલે મમ્મીને ખબર પડે નહીં કે કેવી રીતે મારે દીકરાને આ લાઇનમાં મોકલવો. લકીલી મમ્મીને એક વાર બસમાં એક ઍક્ટર મળી ગયો જે બાલાજીની કોઈ સિરિયલમાં નાનોએવો રોલ કરતો હતો. મમ્મી તેને ઓળખી ગઈ એટલે મમ્મી તો તેની સાથે વાતોએ લાગી ગઈ. વાત-વાતમાં તેણે કહ્યું કે મારી ઇચ્છા છે કે મારો દીકરો આ ફીલ્ડમાં આવે, તેના માટે કોઈ રોલ હોય તો કહેજો. પેલા ઍક્ટરે તેને કહ્યું કે એવી રીતે ન હોય, તમારે કાસ્ટિંગ એજન્સીમાં રજિસ્ટ્રેશન કરાવવું પડે.’

રાજનાં મમ્મી માટે તો એ બધી પ્રક્રિયા સાવ અજાણી અને એમ છતાં તેમણે પેલા ઍક્ટર પાસેથી એક કાસ્ટિંગ એજન્સીનું નામ અને નંબર લીધા. રાજ કહે છે, ‘મને હજી પણ યાદ છે કે એ નામ-નંબર મમ્મીએ દસ રૂપિયાની નોટ પર લખી લીધા હતા.’

બીજા દિવસે મમ્મી તો રાજને લઈને કાસ્ટિંગ એજન્સીમાં ગયાં. એ સમયે રાજની ઉંમર ૧૦ વર્ષ. રાજને આજે પણ એ આખી વાત યાદ છે. રાજ કહે છે, ‘એજન્સીમાં નામના રજિસ્ટ્રેશન માટે પંદરસો રૂપિયા ભરવાના હતા અને અમારા માટે તો એ પંદરસો રૂપિયા બહુ મોટા હતા પણ મમ્મીએ પોતાના સેવિંગ્સમાંથી પંદરસો રૂપિયા કાઢી ત્યાં ભર્યા. પછી વાત આવી ફોટોગ્રાફ્સની એટલે મમ્મીએ ઘરમાં આપણે પાડતા હોઈએ એવા રૂટીન ફોટોગ્રાફ્સ પેલા કો-ઑર્ડિનેટરને આપ્યા. પેલો કહે કે બહેન, આવા ફોટો નહીં; પ્રૉપર પોર્ટફોલિયો જોઈએ અને ન હોય તો એ તૈયાર કરવો પડે. મારી પાસે પોર્ટફોલિયો હતો નહીં એટલે પેલા ભાઈએ જુહુમાં ઇસ્કૉન મંદિરની સામે આવેલા સ્ટુડિયો 90નું ઍડ્રેસ આપ્યું. ત્યાં પોર્ટફોલિયોના એક હજાર થયા અને મમ્મીએ એ પૈસા પણ ભર્યા અને પછી મમ્મી સાવ ખાલચુ. આ બધું થયું ત્યાં સુધી મમ્મીએ પપ્પાને કંઈ કહ્યું નહોતું.’

મળી પહેલી ટીવી-ઍડ

કાસ્ટિંગ એજન્સીમાંથી ઑડિશન માટે ફોન આવતા રહેતા અને રાજ મમ્મી સાથે ઑડિશન માટે પહોંચી જતો. ચારથી પાંચ ઑડિશન પછી રાજનું પહેલું સિલેક્શન થયું એક ટીવી-ઍડમાં. રાજ કહે છે, ‘ટાઇડ વૉશિંગ પાઉડરની ઍડ હતી જેમાં ગાર્ડનમાં રમતાં બાળકો સાથે મારે રમવાનું હતું. એ ઍડ-ફિલ્મનું પહેલું પેમેન્ટ આવ્યું પંદરસો રૂપિયા અને પપ્પાને પહેલી વાર ખબર પડી કે મમ્મીએ આવું બધું કર્યું છે. પપ્પા એ દિવસ બહુ ભડકી ગયા કે તમે લોકો આ શું કરો છો, તમને ખબર નથી પડતી ઍન્ડ બ્લા બ્લા બ્લા...’

રાજે પચીસથી પણ વધારે ઍડ-ફિલ્મ કરી છે તો ટીવી-સિરિયલમાં પણ નાના રોલ કર્યા. આવા જ એક રોલ માટે રાજ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ ગયો હતો, જેની વાત આગળ કરી. જોકે એમાં રાજનું સિલેક્શન થયું નહીં અને પછી ભવ્ય ગાંધીએ શો છોડતાં સામેથી જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપુના રિપ્લેસમેન્ટનો રોલ મળ્યો. પાંચ વર્ષ અને અંદાજે અગિયારસો એપિસોડ કર્યા પછી રાજે ડેવલપમેન્ટ માટે શો છોડ્યો. રાજ અત્યારે કલર્સ ગુજરાતીની ‘યુનાઇટેડ સ્ટેટ ઑફ ગુજરાત’ કરે છે. રાજ કહે છે, ‘અગાઉ મેં બે હિન્દી શો પણ કર્યા અને એ પછી આ ગુજરાતી શો આવ્યો. કલર્સ ગુજરાતી ચૅનલ આખું કલેવર બદલતી હતી અને મોટા ફલક પર એ જતી હતી એટલે મેં આ શો લીધો. ઘરમાં અમારી બોલચાલની ભાષા ગુજરાતી છે પણ બમ્બૈયા ગુજરાતી છે, આ શોમાં મારી ટન્ગ કાઠિયાવાડી છે. મને સાંભળીને કોઈ કહી ન શકે કે હું કાઠિયાવાડી નથી.’

એક આડવાત, રાજ અનડકટ મૂળ રાજકોટનો છે. આજે પણ તેના મોટા ભાગના રિલેટિવ્સ રાજકોટમાં રહે છે.

મમ્મીનો લાફો અને બધા ભેગા

હું નાનો હતો ત્યારે બહુ તોફાની હતો એમ જણાવતાં રાજ એક કિસ્સો શૅર કરે છે, ‘ત્યારે મારી એજ કદાચ સાત-આઠ વર્ષની હશે. હું મારી બહેનની મસ્તી કરતો હતો અને તેણે જઈને મમ્મીને ફરિયાદ કરી. બપોરે ઊંઘમાંથી મમ્મીએ જાગવું પડ્યું એટલે કે પછી બીજું કોઈ રીઝન હશે, મમ્મીએ આવીને મને લાફો મારી દીધો અને મેં જે ભેંકડો તાણ્યો. માય ગૉડ... આખી સોસાયટી ગજવી મારી. આખી સોસાયટી ભેગી થઈ ગઈ અને બધા મને શાંત પાડે પણ બીજાને જોઈને તો મને રડવાનું લિટરલી વધારે શૂરાતન ચડતું ગયું.’

નાનપણનો આ કિસ્સો આજે પણ રાજને પેટ પકડીને હસાવે છે. રાજ કહે છે, ‘છેલ્લાં દસ-પંદર વર્ષથી તો મેં માર ખાધો હોય એવું યાદ નથી પણ હા, ખિજાય હજી પણ અને મારે ચૂપચાપ સાંભળી પણ લેવું પડે.’

મલાડની એન. એલ. કૉલેજમાંથી માસ કમ્યુનિકેશનમાં ગ્રૅજ્યુએટ થનારા રાજની ઇચ્છા ક્રિકેટર બનવાની હતી અને એ માટે રાજ ઑલરેડી ક્રિકેટ-કો​ચિંગ માટે જતો. કૅમ્પનો એ બહુ સારો પ્લેયર પણ હતો પણ મમ્મીના કારણે રાજે ક્રિકેટ છોડ્યું. રાજ હસતાં-હસતાં કહે છે, ‘થયું એવું કે હું નાનપણથી એકદમ ગોરો પણ ક્રિકેટને લીધે ગ્રાઉન્ડ પર રહેવું પડે, એમાં હું જરા ટૅન થયો. એક દિવસ મમ્મીએ મને ધ્યાનથી જોયો અને પછી તેણે ઑર્ડર કરી દીધો, આપણે ક્યાંય તડકામાં જવાનું નથી. બસ, આપણી ક્રિકેટ કરીઅર પૂરી.’

અલબત્ત, એ સમયે લીધેલું બૅટ આજે પણ રાજે સાચવ્યું છે.

 
મમ્મીનું ચાલે તો... મૅરેજની વાત નીકળે કે તરત રાજ કહે છે કે પહેલાં કરીઅર પર ફોકસ કરવાનું છે પણ હા, રાજ સ્વીકારે છે કે જો તેની મમ્મીનું ચાલે તો તે સો ટકા મારા માટે સ્વયંવર ગોઠવે 
અને એમાંથી છોકરી પસંદ કરે.

હાઇટ અને વૉટર, નો વે... 
ઊંચાઈ અને પાણીનો રાજને જબરદસ્ત ફોબિયા છે. રાજ કહે છે, ‘નૉર્મલ હાઇટ કે પાણીથી પ્રૉબ્લેમ ન થાય પણ એ જેમ-જેમ વધવા માંડે એમ-એમ આપણી ફાટવા માંડે. મને યાદ છે, સિંગાપોરમાં તો મારે હાઇટ પર જઈ ત્યાંથી જમ્પ મારવાનો સીન કરવાનો હતો. હું ઉપર ગયો પણ ત્યાં જઈને મને ખબર પડી કે આ આપણું કામ નહીં. હું ઉપરથી જોરજોરથી ચિલ્લાઉં અને નીચે બધા એમ સમજે કે હું એક્સાઇટ થઈ ગયો છું. માંડ એ લોકોને મેસેજ કન્વે થયો કે હું ના પાડું છું.’ પાણીમાં પણ એવું જ, ચારે તરફ પાણી હોય તો રાજને પરસેવો છૂટી જાય.

નો મસાલા કાઇન્ડ ઑફ ફૂડ
ખાવાની બાબતમાં રાજનાં બહાર કોઈ નાટક નથી હોતાં પણ ઘરમાં તેની થોડી પચપચ ખરી. રાજને દાળ-શાકમાં હળદર, ધાણાજીરું કે લીમડો-કોથમીર જેવું કંઈ ન જોઈએ. રાજ કહે છે, ‘તમે કહો કે સિમ્પલ મીઠું અને મિર્ચી પાઉડર નાખીને જ મારા માટે સબ્ઝી-દાલ બનાવવાનાં.’ મીઠીબાઈ કૉલેજની સામે મળતાં વડાપાંઉ રાજનાં મોસ્ટ ફેવરિટ વડાપાંઉ છે. રાજ કહે છે, ‘ત્યાંથી નીકળવાનું બને એટલે ત્યાં બ્રેક મારવાની જ અને વડાપાંઉ ખાવાનાં જ.’

taarak mehta ka ooltah chashmah television news indian television columnists entertainment news