27 April, 2023 03:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય ઈન્સ્ટાગ્રામ
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક પછી એક ધમાકેદાર ફિલ્મો આપનાર હિતેન કુમાર (Hiten Kumar) હવે વધુ એક હૉરર ફિલ્મમાં જોવા મળવાના છે. વેલકમ પૂર્ણિમાનું પોસ્ટર, મોશન પોસ્ટર, ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદ આજે આ ફિલ્મનું ગીત જે લગ્નગીત છે જેની એક ઝલક તમને ટ્રેલરમાં પણ જોવા મળી ચૂકી છે તે આજે એટલે કે 27 એપ્રિલના રોજ રિલીઝ થઈ ચૂક્યું છે.
આ ફિલ્મ વિશે જ્યારે ફિલ્મના દિગ્દર્શક ઋષિલ જોષીએ ગુજરાતી મિડ ડે ડૉટ કૉમ સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે આ ફિલ્મ એક એવા લેખકના લગ્ન અને તેના પરિવારની વાર્તા છે જેમાં લેખકના પિતા મેરેજ બ્યૂરો ચલાવે છે પણ પોતાના દીકરાના લગ્ન કરાવી શકતા નથી. દીકરો લગ્ન માટે માનતો જ નથી. આ લેખક એક દિવસ પરિવાર સામે આવીને એવું કહે છે કે `મેં લગ્ન કરી લીધા છે પણ જેની સાથે મેં લગ્ન કર્યા છે તે તમને દેખાશે નહીં, સંભળાશે પણ નહીં પરિવારનો સરળ પ્રશ્ન તો કોની સાથે લગ્ન કર્યા છે ત્યારે હેમ સેવક જે આ ફિલ્મમાં લેખકનું પાત્ર ભજવે છે તે જવાબમાં આત્મા સાથે લગ્ન કર્યા છે એવું કહે છે.` આ આત્માનું નામ પૂર્ણિમા છે. આ લેખકની કલ્પના છે કે ખરેખર આત્મા છે તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.
અહીં જુઓ આજે રિલીઝ થયેલું ફિલ્મનું પહેલું `લગ્નગીત`
ફિલ્મનું શૂટ નડિયાદ અને આણંદના નાના ગામડાઓમાં કરવામાં આવ્યું છે. ફિલ્મમાં ગુજરાતી ઈન્ડસ્ટ્રી સહિત હિન્દી સિનેમાજગત સાથે જોડાયેલા અનેક જાણીતા લોકોએ કામ કર્યું છે. આ પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે જેમાં સંજય લીલા ભણસાલી સાથે કામ કરી ચૂકેલી વ્યક્તિએ કામ કર્યું હોય. આમ આ હૉરર કૉમેડી ફિલ્મમાં ડિરેક્ટર ઋષિલ જોશી જણાવે છે કે ફિલ્મમાં એ બધું જ છે જે દરેક વ્યક્તિને આ ફિલ્મ જોવા માટે આકર્ષે છે. ફિલ્મમાં માસ પણ છે અને ક્લાસ પણ છે. જે સિનેમેટોગ્રાફી અને ફિલ્મ કેવી બની છે તે જોવા જાય છે તેમને માટે પણ આ ફિલ્મમાંથી મસાલો મળી રહેશે તો સંપૂર્ણ ફેમિલી ડ્રામા પણ જોવા મળશે. વૃદ્ધો અને બાળકો તેમજ ટીનેજર દરેકને પસંદ પડે તેવી આ ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે ચાહકોને આ ફિલ્મ ગમે.
અહીં જુઓ ફિલ્મનું ટ્રેલર
ફિલ્મમાં પૂર્ણિમા એ માત્ર લેખકની કલ્પના છે કે પૂનમ સાથે પણ આનો કોઈક સંબંધ છે?
આ વિશે વાત કરતા ડિરેક્ટર ઋષિલ જોશી જણાવે છે કે પૂર્ણિમા અને પૂનમનો એક ખાસ સંબંધ છે. પૂર્ણિમા ક્યારે દેખાય છે અને પૂનમ ક્યારે છે આ બન્ને વચ્ચે એક ગાઢ નાતો છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે જેમાં પૂર્ણિમા કોણ છે, આત્મા કોણ છે, હિતેન કુમાર, હૉરર, કૉમેડી આ બધાની ઝલક ટ્રેલરમાં જોવા મળે છે. ટ્રેલરમાં આજે રિલીઝ થયેલું ગીત `વેલકમ પૂર્ણિમા`ની ઝલક પણ જોવા મળે છે.
આ પણ વાંચો : `Welcome Purnima`નું મોશન પોસ્ટર થયું રિલીઝ, હિતેન કુમારની આ ફિલ્મ કરશે અચંબિત
ફિલ્મના કલાકારો વિશે વાત કરીએ તો ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર હિતેન કુમાર છેલ્લે કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ `વશ`માં પોતાની ખલનાયકની ભૂમિકાથી દર્શકોમાં લોકપ્રિય બન્યા હતા. તેઓ હવે પોતાની આગામી ફિલ્મ `વેલકમ પૂર્ણિમા` દ્વારા ચાહકોમાં પોતાનો એક આગવો પ્રભાવ પાડવા માટે તૈયાર છે. આ ફિલ્મનું દિગ્દર્શન ઋષિલ જોશી દ્વાર કરવામાં આવ્યું છે, ફિલ્મમાં મલ્ટી સ્ટાર કાસ્ટ કરવામાં આવી છે જેમાં હેમ સેવક, માનસી રાચ્છ, હીના જયકિશન, `બિંદા રાવલ, મૌલિક ચૌહાણ, ચેતન ધાનાણી અને અન્યોનો સમાવેશ થાય છે. `વેલકમ પૂર્ણિમા` માટે વાર્તા, સ્ક્રિપ્ટ અને સંવાદ ચેતન દૈયાએ લખ્યા છે, જેઓ તાજેતરમાં `કર્મ`, અને `બાગડબિલા` જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.