‘ઝૂંપડપટ્ટી’ દ્વારા સિંગર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે હેમાંગ દવે

12 September, 2023 05:53 PM IST  |  Mumbai | Harsh Desai

તેનું કહેવું છે કે આ વિમેન સેન્ટ્રિક ફિલ્મમાં તેણે એક મોટિવેશનલ સૉન્ગ ગાયું છે અને તે સુખવિન્દર સિંહને સંભળાવવામાં આવતાં તેને પણ ખૂબ જ પસંદ પડ્યું હતું

ફિલ્મ ઝૂંપડપટ્ટી

ગુજરાતી ફિલ્મ ‘ઝૂંપડપટ્ટી’નું ટીઝર ગઈ કાલે શૅર કરવામાં આવ્યું હતું. આ ફિલ્મની સ્ટોરી ટ્રૂ-ટુ-લાઇફ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ફિલ્મના ટીઝરમાં ઝૂંપડપટ્ટીની લાઇફનાં વિઝ્યુઅલ દેખાડવામાં આવ્યાં છે. તેમ જ જોરદાર બૅકગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યું છે. ફિલ્મની સ્ટોરી, સ્ક્રીનપ્લે, એડિટિંગ અને ડિરેક્શન પાર્થ વાય. ભટ્ટનાં છે. ફિલ્મને પ્રજ્ઞેશ માલી દ્વારા પ્રોડ્યુસ અને દીપલ શેઠ દ્વારા કો-પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મનું મ્યુઝિક મૌલિક મહેતા અને અનવર શેખ દ્વારા આપવામાં આવ્યું છે અને બૅકગ્રાઉન્ડ સ્કોર પાર્થ ઠક્કર દ્વારા આપવામાં આવ્યો છે. આ ફિલ્મનાં ગીત ઉમેશ બારોટ, તૃષા રામી, હેમાંગ દવે અને હિરલ બ્રહ્મભટ્ટે ગાયાં છે. હેમાંગ દવે આ ફિલ્મ દ્વારા સિંગર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે, પરંતુ તેણે ફિલ્મમાં ઍક્ટિંગ પણ કરી છે. આ ફિલ્મમાં તેની સાથે ભાવિની ગાંધી, ભાવિની જાની, આકાશ ઝાલા, નિશિત ભ્રહ્મભટ્ટ અને નદીમ વઢવાણિયાએ પણ કામ કર્યું છે. ફિલ્મની સ્ટોરી વિમેન સેન્ટ્રિક છે અને વિમેન એમ્પાવરમેન્ટની વાત કરે છે. સ્લમમાં રહેતા લોકોને કેવી ચૅલેન્જિસ આવે છે એના પર ફિલ્મ છે. આ વિશે ઍક્ટર અને સિંગર તરીકે ડેબ્યુ કરી રહેલા હેમાંગ દવેએ કહ્યું કે ‘આ મારી પહેલી ફિલ્મ છે ઝૂંપડપટ્ટી, જેમાં હું પ્લેબૅક સિંગર તરીકે કામ કરી રહ્યો છું. હું એમાં ઍક્ટર પણ છુ. આ માટે હું પાર્થ વાય. ભટ્ટ અને પ્રજ્ઞેશ મલિકનો આભાર માનું છું. તેમણે મને સૉન્ગ માટે અપ્રોચ કર્યો અને મને ચાન્સ પણ આપ્યો. આ એક મોટિવેશનલ સૉન્ગ છે. પાર્થે આ ગીત બની ગયા બાદ સુખવિન્દર સિંહને સંભળાવ્યું હતું અને તેમણે આ ગીતને ખૂબ જ ઍપ્રિશિયેટ કર્યું અને તેમની સાથે મેં પણ વાત કરી હતી. તેમને ખૂબ જ મજા પડી હતી. આશા રાખું છું કે આ ફિલ્મ રિલીઝ થયા બાદ મને સિંગર તરીકે બીજી ફિલ્મ માટે પણ અપ્રોચ કરવામાં આવે.’

dhollywood news entertainment news