19 August, 2019 03:37 PM IST | અમદાવાદ
Image Courtesy: Timesofindia.com
ગુજરાતી ફિલ્મ હેલ્લારો નેશનલ એવોર્ડ જીતનારી પહેલી ગુજરાતી ફિલ્મ બની છે. ગુજરાતી ફિલ્મોના ઇતિહાસની આ સુવર્ણ ક્ષણ છે, કે આપણી ભાષાની ફિલ્મને રાષ્ટ્રીય કક્ષાએ સન્માન મળ્યું છે. ફિલ્મફેર, આઈફા એવોર્ડ્ ભલે ગમે તેટલા જીતી લેવાય પરંતુ દરેક એક્ટર ડિરેક્ટરને નેશનલ એવોર્ડ જીતવાની ઝંખના હોય છે. અને હેલ્લારોની ટીમ અને ડિરેક્ટર અભિષેક શાહે પોતાની પહેલી જ ફિલ્મથી નેશનલ એવોર્ડ જીતીને ઈતિહાસ રચી દીધો છે.
અભિષેક શાહ આમ તો ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે વધુ જાણીતા છે, પરંતુ તેમણે હેલ્લારોથી ફિલ્મ ડિરેક્ટ કરવામાં ડેબ્યુ કર્યો અને પહેલી જ ફિલ્મમાં પોતાની ક્ષમતા બતાવી દીધી. હેલ્લારો એટલા માટે ખાસ છે કે દેશની તમામ ભાષાની ફિલ્મો, બોલીવુડની ફિલ્મોને પાછળ છોડીને આ ફિલ્મ રાષ્ટ્રીય પુરસ્કાર જીતી લાવી છે. હેલ્લારો એટલા માટે ખાસ છે કારણ કે તેમાં સ્ત્રીઓની વાત છે. હેલ્લારો એટલા માટે ખાસ છે કારણ કે તે ગુજરાતનું ખાસ કરીને કચ્છની પરંપરા, કચ્છી સંસ્કૃતિ દર્શાવે છે. અને આ ફિલ્મે રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાડાવી છે.
નેશનલ એવોર્ડ મળ્યા બાદ હેલ્લારોની ટીમની અને એક્ટર્સની ચારે તરફ વાહ વાહ થઈ રહી છે. ફિલ્મના એક્ટર્સ અને ખાસ કરીને ડિરેક્ટર અભિષેક શાહ સતત મીડિયામાં વ્યસ્ત રહ્યા છે. ત્યારે અભિષેક શાહ પોતાની ટીમ સાથે રેડિયો સિટી અમદાવાદની ઓફિસે પહોંચ્યાં જ્યાં RJ હર્ષિલ સાથે ફિલ્મ વિશે ઘણી વાતો કરી. ફિલ્મ કેવી રીતે શૂટ થઈ, સેટ કેવી રીતે તૈયાર થયો. ફિલ્મના સ્ટાર્સ કોણ છે, સ્ટોરી શું છે. આ બધી જ વાતો સાંભળો નીચે ક્લિક કરીને RJ હર્ષિલ સાથેના ઈન્ટરવ્યુમાં
ઉલ્લેખનીય છે કે ફિલ્મ હેલ્લારોની વાર્તા અભિષેક શાહે જ લખી છે અને ડિરેક્ટ પણ તેમણે કરી છે. એડિશનલ સ્ક્રીન પ્લે જાણીતા ડિરેક્ટર એક્ટર સૌમ્ય જોશીએ લખ્યો છે. તો ફિલ્મમાં લીડ રોલમાં જયેશ મોરે, શ્રદ્ધા ડાંગર અને આર્જવ ત્રિવેદી છે. આ ફિલ્મ ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે.