07 March, 2020 01:36 PM IST | Mumbai Desk
ભારત ભાગ્ય વિધાતા
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ૧૫૦મી જન્મ જયંતી વર્ષની ઉજવણીનો માહોલ આખા વિશ્વમાં છે ત્યારે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરનાં સંસ્થાપક ગુરૂદેવ રાકેશભાઇની પ્રેરણાથી મહાત્મા ગાંધીને નાટ્ય સ્વરૂપે અંજલી આપવાનું કાર્ય હાથ ધરાયું છે. ‘ભારત ભાગ્ય વિધાતા’ આ નાટકનું નિર્માણ સંગીત નાટક અકાદમી, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના સહકારથી કરાયું છે. દેશભરમાં હિંદી અને ગુજરાતી એમ બે ભાષામાં રજૂ થનારા આ નાટકને દર્શકોનો ભવ્ય પ્રતિસાદ મળ્યો છે. ગુજરાતનાં દરેક જિલ્લામાં આ નાટકનાં ૧૫૦ પ્રયોગ કરાયા છે અને ટૂંક સમયમાં જ ૫૦થી વધુ શહેરોમાં તેનાં ૯૦થી વધુ સફળ નાટ્ય પ્રયોગો રજૂ થઇ ચૂક્યા છે.
આ નાટક ગાંધીજીનાં અંતરાત્મા સુધી પહોંચવાનો એક પ્રયાસ છે. એક કૃશકાય વ્યક્તિએ માત્ર મનોબળથી જ દેશને આઝાદ કરાવ્યો તેનો આત્મા કયા સ્તરે હશે તે જાણવનો પ્રયાસ આ નાટકમાં કરાયો છે. ગાંધી બાપુનું મનોમંથન આ નાટકમાં આબેહૂબ રજુ કરાયું છે. આ નાટક વધુ પ્રભાવી બને છે તેના લેખનને કારણે, બાજીરાવ મસ્તાની, પદ્માવત, બ્લૅક જેવી ફિલ્મોનાં લેખ પ્રકાશ કાપડિયાની કલમે ગાંધીજીની આ કથા લખાઇ છે તો તેનું દિગ્દર્શન રાજેશ જોષીએ દ્વારા થયું છે અને સુત્રધાર તરીકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડાયરેક્ટર ધર્મેશ મહેતાએ સૂકાન સંભાળ્યું છે.
૬ માર્ચે અમદાવાદમાં ગુરુદેવ રાકેશભાઇ સહિત ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અન્ય મંત્રીઓની સમક્ષ તેનું ભવ્ય પ્રિમિયર યોજાયું. ગુજરાતના રાજ્યપાલ ઓ પી કોહલીએ પણ નાટકનાં કલાકારોને બિરદાવ્યા. ગયા વર્ષે આ નાટકનું મંચન દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવના દ્વારા કરાયું જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત અનેક બ્યુરોક્રેટ્સ, સચિવો તથા ગાંધીજીનાં જીવને સમજવા માગતા રસિકજન હાજર રહ્યા હતા.
શ્રીમદ્ રાજચંદ્ર સહિત અનેક ચિંતકો, ધર્મગુરુઓ, લેખકો અને ફિલસુફોનો પ્રભાવ ગાંધીજીના જીવન પર રહ્યો છે. નાટકના સર્જકોના મતે ગાંધીજી શ્રીમદ્ રાજચંદ્રના ઘેરા પ્રભાવમાં હતા અને કરુણા, સત્ય, અહિંસા જેવા મૂલ્યો તેણે પોતાની પ્રકૃતિમાં ઉમેર્યા અને મક્કમ કર્યા તેની પાછળ પણ શ્રીમદ્ રાજચંદ્ર એક કારણ હતા.