18 January, 2020 02:16 PM IST | Mumbai
United State of પાડાની પોળ
નાઇન લાઇવ્સ એન્ટરટેઇનમેન્ટ નિર્મિત અને સૌમ્ય જોષી લિખિત-દિગ્દર્શિત ‘United State of પાડાની પોળ’ના મુખ્ય કલાકારો પ્રેમ ગઢવી અને જિજ્ઞા વ્યાસ-જોષી છે. જેમ મુંબઈની ચાલ આજે પણ લોકોને યાદ છે એવું જ અમદાવાદની પોળનું છે.
અમદાવાદમાં પોળ આજે પણ હયાત છે અને એ કલ્ચરમાં મોટા થયેલા લોકો આજે પણ પોતાની પોળને મિસ કરે છે. નાટ્યકાર સૌમ્ય જોષી અમદાવાદના પોળ-કલ્ચરને સ્ટેજ પર ઉજાગર કરે છે અને પોળના યુનિક કહેવાય એવાં કૅરૅક્ટર, તેમની જીવનશૈલી, તેમની બોલચાલની રીત, તેમની ફિલસૂફી, નાની વાતમાં આવતી તેમની શ્રદ્ધા અને ભાવનાઓ, તેમના સંગીતથી માંડીને તેમની ભાતભાતની કહેવાય એવી વિચિત્ર ગાળનું પણ એક કલ્ચર છે અને એ બધું સૌમ્ય જોષી પ્રેમ ગઢવી અને જિજ્ઞા વ્યાસ દ્વારા સ્ટેજ પર લાવ્યા છે. સૌમ્ય જોષી કહે છે, ‘આ નાટકને કોઈ એક વાર્તાની જેમ વર્ણવી ન શકાય, આનો અનુભવ થઈ શકે અને એ અનુભવ જ એનો આનંદ છે.’
પ્રેમ ગઢવી અને જિજ્ઞા વ્યાસે આ નાટક આત્મસાત્ કરી લીધું છે. એક પાત્રમાંથી બીજા પાત્રમાં સરી જવાની જે રીત આ કલાકારો દર્શાવે છે એ અદ્ભુત અને અવર્ણનીય છે.
આજે જ્યારે જીવન ફાસ્ટ બની ગયું છે, એકમેકના સંબંધો પણ દુનિયાએ જ્યારે યાદ કરાવવા પડે છે ત્યારે પોળમાં વસતા લોકો કેવી રીતે એકબીજાના સ્વજન બનીને ઊભા રહે છે એ વાત નાટક દ્વારા દર્શાવવામાં આવી છે.
નાટકનો શુભારંભ આજે રાતે ૮ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે જ્યારે એનો બીજા પ્રયોગ રવિવારે રાતે ૮ અને અને ૯.૪પ વાગ્યે પ્રબોધન ઠાકરેમાં થશે.