22 October, 2024 12:03 AM IST | Mumbai | Shilpa Bhanushali
ત્રંબક ત્રણ બાયડીવાળો નાટકનું વિવાદિત પોસ્ટર
નારી અસ્તિત્વ અને ઓળખની જ્યાં દેશ-વિદેશમાં વાતો થાય છે ત્યારે આજે ગુજરાત તેમજ મુંબઈની કેટલીક મહિલા આગેવાનોએ પોતાના સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ કરી છે જેને કારણે ગુજરાતી નાટ્યજગત સફાળું જાગી ઉઠે તેવી શક્યતાઓ છે. લેખિકાઓ તેમજ મહિલા આગેવાનોએ સોશિયલ મીડિયા પર પોતાનો તીવ્ર આક્રોશ ઠાલવ્યો છે. તેમનો આ આક્રોશ સંજય ગોરડિયાના આગામી નાટક `ત્રંબક ત્રણ બાયડીવાળો`ના પોસ્ટર સામે છે. આ નાટકનું જે પોસ્ટર તૈયાર કરવામાં આવ્યું છે તેમાં સંજય ગોરડિયા ત્રણ મહિલાઓના ચોટલા પકડીને ઉભા છે અને જાણે કે તે પશુઓને હંકારતા હોય તેવું દેખાઈ રહ્યું છે.
લેખિકા અને ભૂતપૂર્વ રેડિયો એનાઉન્સર કુસુમ પટેલે તેમના સોશિયલ મીડિયા ઉપર લખ્યું છે, "જો તમે સ્ત્રીને આદરભાવ આપતા હોવ તો તમને આ નાટકના પોસ્ટર સામે વાંધો હોવો જ જોઈએ. નાટક પ્રસ્તુત થાય ત્યારે આવા નાટકોને પ્રોત્સાહન આપવું કે નહિ એ પણ જવાબદારી પૂર્વક નક્કી કરવું પડે.
આડ વાત ....
એક ગુજરાતી પ્રેક્ષક તરીકે આપણું સ્તર ક્યાં ગયું ?
છેલ્લા કેટલાક દશકના નાટકો પર નજર નાખીએ તો ગણ્યાગાંઠ્યા નાટકોને બાદ કરી બાકી બધે એકનું એક જ ભજવાય છે.
આપણી ગુજરાતી પ્રજાને ફાફડા-જલેબી- થેપલા , પતિ પત્નીના હલકા વોટ્સએપ જોક પર ગલગલિયાં થાય ત્યાં સુધી હસવા સિવાય બીજું કંઈ જોવું નથી ?
વળી કોઈ નાટકના એક શ્વાસે બોલાતા લાંબાલચક ડાયલોગ અથવા કોઈ ફિલ્મી ગીત પર કઢંગો નાચ જોઈ આપણે વન્સમોર કરાવશું!!
આ બધા વચ્ચે એક સજ્જ પ્રેક્ષક તરીકે આપણી કિંમત કેટલી ?
જો જો આ નાટકના પણ શો ફૂલ થશે બધા સોશિયલ ગ્રુપના આયોજકો એક પછી એક આના શો પોતાના ગ્રુપ માટે ગોઠવશે અને એ પણ ડિનર સાથે અને આપણે ઉલળી ઉલળીને ભરેલા પૈસા વસૂલ કરવા દોડી જશું. શો હાઉસફૂલ :-(
આપણે જોઈએ છીએ એટલે આવા નાટકો ભજવાય છે.
પ્રેક્ષક તરીકે આપણે બદલાશું તો નાટકો બદલાશે."
ત્યાર બાદ જાણીતાં લેખિકા, કવયિત્રી, તેમજ કટાર લેખિકા રાજુલ ભાનુશાલીએ પણ સોશિયલ મીડિયા પર પોતાનો ઉગ્ર પ્રતિભાવ આપ્યો છે, તેમણે લખ્યું છે કે, "નાટક લખનાર અને બનાવનાર કરતા આ ત્રણ મહિલા કલાકારો તરફ વધુ અણગમો થાય છે.
ગુજરાતી નાટકોની જે માઠી દશા બેઠી હતી એ જો આવું જ રહેશે તો ક્યારેય ઉતરશે નહીં. મનોરંજનના નામે સાવ આવું કરવાનું!
જોવા જનારનો પણ વાંક તો ખરો." અહીં જુઓ આખી પોસ્ટ
નાટક લખનાર અને બનાવનાર કરતા આ ત્રણ મહિલા કલાકારો તરફ વધુ અણગમો થાય છે. ગુજરાતી નાટકોની જે માઠી દશા બેઠી હતી એ જો આવું જ...
Posted by Rajul Bhanushali on Sunday, October 20, 2024
અગ્રણી મહિલા લેખિકા મમતા પટેલે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પ્રશ્ન ઉઠાવ્યો છે કે, "ક્યાં સુધી સ્ત્રીઓ પોતાને જ અપમાનિત કરતાં જોક્સ, રીલ્સ અને નાટકોના સંવાદો પર હસતી રહેશે?"
ક્રિએટિવ રાઈટર અને મહિલા આગેવાન લેખિકા વંદના ભટ્ટે સ્ત્રીઓમાં જાગૃકતા આવે તે માટે આ પોસ્ટ કરી છે જે તમે અહીં જોઈ શકો છો.
આ સિવાય સુરતનાં દીના રાયચુરાએ પણ પોતાની રજૂઆત કરતાં લખ્યું છે કે, "જાવ ગુજરાતીઓ જાવ.. બુદ્ધિ વગરના અને વલ્ગર સંવાદો પર અને ભદ્દી શારીરિક હિલચાલ (જેને અભિનય કહીને હું અભિનય શબ્દનું અપમાન કરવા નથી માગતી ) પર ખિખિયાટા કરવા.
પોસ્ટર જ એટલું બેહુદું છે કે નાટકની કક્ષા કેવી હશે એ સમજ પડી જાય છે.
આ ત્રણ અભિનેત્રીઓ, એમને આ પોઝ આપવો ગમ્યો હશે? એ લોકોએ કેવી રીતે કબૂલ રાખ્યું હશે પોતાને આવી રીતે પ્રેઝન્ટ કરવાનું?"
દીના રાયચુરાએ વધુ એક પોસ્ટ પણ મૂકી છે જે આ પ્રમાણે છે....
મીનાક્ષી વખારિયાએ પોતાની વાત સંજય ગોરડિયા સુધી પહોંચાડીને તેમની પાસેથી મળેલો પ્રતિભાવ રજૂ કર્યો છે સાથે જ પોતે પોસ્ટ ડિલીટ કરી છે તે પણ જણાવ્યું છે.
આ દરેક પોસ્ટ જોયા બાદ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમએ સંજય ગોરડિયાનો સંપર્ક કર્યો અને તેમને આ વિશે પૂછ્યું ત્યારે સંજય ગોરડિયાએ કહ્યું કે, "એક તો આ વાતને ઊંધી રીતે લેવામાં આવી છે, પોસ્ટરનો અમારો જે કૉન્સેપ્ટ હતો તે હું રથ પર બેઠો છું એ પ્રકારનો હતો, પણ આ પોસ્ટર ખોટી રીતે ટ્રાન્સલેટ થયું હોય, પણ અમે અમારી એ ભૂલ સ્વીકારી છે અને તરત જ મેં અને મારી ટીમે પોસ્ટર ડિલીટ કરી દીધા છે. હું એવું માનું છું કે અહીં વાતનો અંત આવી જવો જોઈએ."
આની સાથે જ બુક માય શૉ પર સંજય ગોરડિયાના આ નાટકનું હવે નવું પોસ્ટર જોવા મળી રહ્યું છે જે આ પ્રકારે છે.