20 August, 2022 06:56 PM IST | Mumbai | Rachana Joshi
‘ફકત મહિલાઓ માટે’નું પોસ્ટર
ફિલ્મ : ફકત મહિલાઓ માટે
કાસ્ટ : અમિતાભ બચ્ચન, યશ સોની, દીક્ષા જોશી, તર્જની ભાડલા, ભાવિની જાની, કલ્પના ગાગડેકર, ચેતન દૈયા, વૈશાખ રાઠોડ, દીપ વૈદ્ય, ઓમ ભટ્ટ
લેખક : જય બોડસ
ડિરેક્ટર : જય બોડસ
પ્રોડ્યુસર : આનંદ પંડિત, વૈશલ શાહ
રેટિંગ : ૪/૫
પ્લસ પોઇન્ટ : વાર્તા, કૉમિક ટાઇમિંગ, અભિનય, શૂટિંગ લોકેશન, કૉસ્ચ્યૂમ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક
માઇનસ પોઇન્ટ : વીએફએક્સ
અંગ્રેજી ફિલ્મ અને મરાઠી ફિલ્મના કનસેપ્ટનું કૉમ્બિનેશન એટલે ગુજરાતી ફિલ્મ ‘ફકત મહિલાઓ માટે’. જો તમે વર્ષ ૨૦૦૦માં આવેલી અંગ્રેજી ફિલ્મ ‘વૉટ વિમન વૉન્ટ’ અને વર્ષ ૨૦૦૪માં આવેલી મરાઠી ફિલ્મ ‘અગં બાઇ અરેચ્ચા’ જોઈ હશે તે આ ફિલ્મ સાથે તરત જ કનેક્ટ થઈ જશે. ના ના…આ ફિલ્મ કંઈ તેની રીમેક નથી. બસ કનસેપ્ટ જ છે.
ફિલ્મની વાર્તા
અમદાવાદની પોળમાં રહેતા ૨૮ વર્ષના ચિંતન પરીખ અને તેના મધ્યમવર્ગીય પરિવારની આ વાર્તા છે. ચિંતન તેના જીવનમાં સતત મહિલાઓથી ઘેરાયેલો અને પરેશાન રહે છે. તે એક દિવસ અંબાજી મંદિરે દર્શન કરવા જાય છે ત્યારે તે માતાજી પાસે એવી શક્તિ માંગે છે કે તે સ્ત્રીઓના મનની વાતો સમજી શકે તેવો પાવર આપે અને માતાજી તેની આ ઇચ્છા પુર્ણ કરે છે. પણ પછી તેના જીવનમાં એવી ઘટનાઓ ઘટે છે કે પાવર તેના માટે પેઇનફુલ બની જાય છે. સાથે જ તેની લવ લાઈફના લોચા તો ખરા જ.
પરફોર્મન્સ
પરફોર્મન્સમાં ક્યાંય ખામી શોધવી મુશ્કેલ છે. ફિલ્મના મુખ્ય કલાકારોથી માંડીને નાનકડી ભૂમિકા ભજવતા કલાકારોએ પણ પાત્રને સંપુર્ણ ન્યાય આપ્યો છે.
ચિંતન પરીખના પાત્રમાં યશ સોની ઘરની સ્ત્રીઓ વચ્ચે પિસાતા મધ્યમવર્ગના છોકરાના પાત્રમાં પર્ફેક્ટ ઉતર્યો છે. ઘરની સ્ત્રીઓ વચ્ચે પિસાતો હોય કે ગર્લફ્રેન્ડને પ્રેમ કરતો યશ અભિનયમાં દિલ જીતી લે છે. ચિંતનની બાની ભૂમિકામાં ભાવિની જાનીને જોઈને તમને એમ જ લાગશે કે મધ્યમવર્ગના સંયુક્ત કુટુંબમાં આવા સ્વભાવના બા ચોક્કસ હોય જ છે. વિધવા માતાના રોલમાં કલ્પના ગાગડેકર ઈમોશનને સારી રીતે પાર પાડે છે. બહેનના રોલમાં તર્જની ભાડલા બબલી, મહત્ત્ત્વાકાંક્ષી અને ઘરની પરિસ્થિતિ સમજતી દેખાડી છે. તો ગર્લફ્રેન્ડ દીક્ષા જોશી પર્ફેક્ટ વાઇફ મટિરિયલ છે. ગુસ્સો હોય કે પ્રેમ અભિનેત્રી દરેક ઇમોશનને બહુ ન્યાય આપ્યો છે.
બે કલાકારોના અભિનયને ચોક્કસ દાદ દેવી પડે. કૉમેડિયન દીપ વૈદ્ય અને ઓમ ભટ્ટ તેમના પાત્રોમાં ઉભરીને આવે છે. દીપે ચિંતનના બેસ્ટ ફ્રેન્ડની ભૂમિકા બહુ સરસ ભજવી છે. જ્યારે ઓમ પર્ફેક્ટ પાડોશી છે. તેને જોઈને ચોક્કસ અહેસાસ થાય કે, હા યાર આવા પાડોશી દરેક પોળમાં હોય જ છે. કૉમેડી હોય કે ડાયલોગ ડિલિવરી બધાના ટાઇમિંગ બહુ સરસ છે. તેમજ ફરી એકવાર પાડોશીના નાના પાત્રમાં પણ ચેતન દૈયા છાપ છોડી જાય છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
લેખક કરણ ભાનુશાલી, હુમાયુ મકરાણી અને જય બોડસે સ્ક્રિપ્ટ સારી લખી છે. છતા અમુક મુખ્ય સીનમાં સ્ક્રિપ્ટ શા માટે આવો વળાંક લે છે તે સમજવવું થોડુંક મુશ્કેલ છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ ખુબ જ સરસ અને ટાઇટ છે. પરંતુ બીજા હાફમાં સ્ટોરી પરથી થોડીક પકડ છૂટી જતી હોય તેવું લાગે છે. ચિંતનને મળેલ સુપર પાવર તે ચોક્કસ સમય સુધી બહુ વ્યવસ્થિત રીતે વાપરે છે પરંતુ અચાનક તે તેનો દુરઉપયોગ કરવા માંડે છે. દારુની લત કે પછી ઈગોમાં તેના પાવરનો મુખ્ય હેતુ જરાક ભટકતો હોય તેવું લાગે છે. પણ તે આવું શા માટે કરે છે એ સમજાતું નથી. પરંતુ ઓવરઍલ વાર્તા સરસ છે. ઑડિયન્સને જકડી રાખે છે. સ્ટૉરીમાં મુકેલા પંચ બહુ જ સારા છે અને એક્ટર્સે પણ એ કૉમિક ટાઇમિંગ બહુ સારી રીતે સાચવ્યા છે.
ડિરેક્શનની વાત કરીએ તો અમદાવાદની પોળમાં ડિરેક્ટર જય બોડસની ટૅલેન્ટ દેખાઈ આવે છે. પરંતુ કેટલીક જગ્યાએ બહુ જ નજીવી બાબતમાં ડિટેઇલિંગ અને કન્ટિન્યુટિ મિસિંગ લાગે છે. જોકે, બધા જ પ્લસ પોઇન્ટને જોતા આ ઇગ્નોર કરીએ તો એકવાર માટે ચાલી જાય. ફિલ્મના એક મહત્વના સીનને થોડોક વધુ નાટ્યાત્મક બનાવી શકાયો હોત તો વધુ મજા આવત. અમુક મહત્વના સીનમાં વીએફએક્સ વાપરવામાં આવ્યા છે. પરંતુ તે રિયલ લાગતા નથી.
એક મહત્વની વાત, ફિલ્મમાં કલાકારોના કૉસ્ટ્યૂમ બહુ જ સરસ છે.
સ્ત્રીઓને સાંભળવા અને સમજવામાં કેટલો ફરક છે તે બાબત ફિલ્મમાં સારી રીતે દર્શાવી છે.
મ્યુઝિક
ફિલ્મમાં બે ગીતો છે. ટાઇટલ ગીતના શબ્દો ભાર્ગવ પુરોહિતના છે. નક્ષ અઝિઝે ગાયેલું ગીત ફિલ્મની વાર્તાને સાર્થક કરે છે. સંગીત ડૉક્ટર કેદાર અને ભાર્ગવ પુરોહિતનું છે.
ફિલ્મનું સુપરહીટ ગીત એટલે ગરબો એટલે ‘બોલ મારી અંબે’. કિર્તિદાન ગઢવીના અવાજમાં ગવાયેલો ગરબો ભાર્ગવ પુરોહિતે લખ્યો છે. કેદાર ઉપાધ્યાય અને ભાર્ગવ પુરોહિતનું સંગીત આ નવરાત્રીમાં ચોક્કસ ધુમ મચાવશે.
તે સિવાય ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ સુંદર છે.
ફિલ્મ જોવી કે નહીં?
મનોરંજન સાથે મેસેજ પણ મળે અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને ગુજરાતી બોલતા જોવાનો લ્હાવો લેવા માટે ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ. અર્બન ગુજરાતી ફિલ્મોમાં આવી રહેલા નવા વિષય અને નવી વાર્તાનું એક સરસ ઉદાહરણ એટલે ‘ફકત મહિલાઓ માટે’.