24 May, 2021 06:38 PM IST | Mumbai | Rachana Joshi
જીમિત ત્રિવેદી
સુપરહીટ ગુજરાતી કૉમેડી ફિલ્મો ‘પોલમ પોલ’, ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’, ‘ગુજ્ભાઈ - મોસ્ટ વૉન્ટેડ’ અને હિન્દી ફિલ્મ ‘102 નૉટ આઉટ’ સહિત અઢળક ગુજરાતી અને હિન્દી નાટકોમાં કામ કરનાર ગુજરાતી અભિનેતા જીમિત ત્રીવેદી (Jimit Trivedi)ના ઑન સ્ક્રીન અભિનયના અને કૉમેડી ટાઈમિંગના સહુ કોઈ વખાણ કરે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, જીમિત ત્રિવેદી રિયલ લાઈફમાં સાવ જુદો છે. રિયલ લાઈફમાં અભિનેતા સિરિયસ છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે ગત લૉકડાઉન દરમિયાન થયેલા એક એક્સક્લુઝિવ ઇન્સ્ટા લાઇવમાં અભિનેતાએ અંગત જીવનની ઘણી અજાણી વાતો શૅર કરી હતી. એ વાતોને અને યાદોને આપણે ફરી યાદ કરીએ.
કોરોનાકાળ અને લૉકડાઉનનો સમય આખી દુનિયા માટે બહુ કપરો હતો. અનલૉક પ્રક્રિયામાં ધીમે-ધીમે બધુ શરુ થયું હતું પરંતુ ફિલ્મો-સિરિયલોના શુટિંગ અને થિયેટરો મોડા શરુ થયા હતા. આ દરમિયાન સેલેબ્ઝ સોશ્યલ મીડિયા દ્વારા બહુ કનેક્ટેડ રહેતા હતા. પરંતુ જીમિત ત્રિવેદીએ લૉકડાઉન દરમિયાન સોશ્યલ મીડિયામાંથી એક મહિનાનો બ્રેક લીધો હતો. આ વિશે જીમિતે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘આ વૈશ્વિક મહામારી લાંબો સમય ટકવાની છે તેવા સંકેત મળી ગયા હતા એટલે આ સમય દરમિયાન મેં પોતાની જાત સાથે કનેક્ટ થવાનું નક્કી કર્યું હતું અને એટલે જ સોશ્યલ મીડિયાથી દુર રહ્યો હતો. સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે, મને મારી માટે સમય મળતો નથી અને જ્યારે આવો સમય મળ્યો તો શા માટે તેને વેડફવો? તેથી મને લાગ્યું કે આ સમય શ્રેષ્ઠ છે પોતાના માટે સમય પસાર કરવા. સોશ્યલ મીડિયાના લીધે તમારો ‘મી’ ટાઈમ રહેતો નથી. તમે સતત એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મમાં અટવાયેલા રહો છો. આ દરમિયાન હું મેડિટેશન અને એક્સરસાઈઝ કરતો હતો. આ મહામારીના સમયમાં કામ ન હોય ત્યારે ડિપ્રેશન કે એન્ગ્ઝાઇટીનો ભોગ ન કરે તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ.’ લૉકડાઉન દરમિયાન અભિનેતાએ બહુ બધી ફિલ્મો અને વૅબ સિરીઝ જોઈને સમય પસાર કર્યો હતો. એવી ફિલ્મો જોઈ હતી. જેમાંથી જીવનમાં નવું શીખવા મળે.
હિન્દી ફિલ્મ ‘102 નૉટ આઉટ’ના રોલ વિશે અભિનેતાએ જણાવ્યું હતું કે, ‘આ ફિલ્મ નાટક પરથી બની છે. સૌમ્ય જોશીએ મને નાટકમાં કામ કરવાની પણ ઑફર કરી હતી. પરંતુ હું કોઈક કારણોસર નાટકમાં કામ નહોતો કરી શક્યો. હા, પણ મેં નાટક જોયું હતું. સાત વર્ષ પછી મને ફિલ્મી ઑપર આવી હતી. ‘ગુજ્ભાઈ - મોસ્ટ વૉન્ટેડ’નું અમદાવાદમાં શુટિંગ ચાલી રહ્યું હતું. ત્યારે જ મને ફિલ્મની ઑફર આવી હતી.’
ગુજરાતી ફિલ્મોમાં કડકડાટ ગુજરાતી બોલતા જીમિત ત્રિવેદીને ચોખ્ખું ગુજરાતી બોલતા જ નહોતું આવડતું તે બહુ ઓછા લોકો જાણે છે. ઇન્સ્ટા લાઈવમાં અભિનેતાએ કહ્યું હતું કે, ‘મેં ગુજરાતી નાટકમાં અભિનય કરવાની શરુઆત કરી ત્યારે મને ઉચ્ચ સ્તરની ગુજરાતી ભાષા સમજાતી નહોતી. પરેશ રાવલ અને મહેન્દ્ર જોશી દિગ્દર્શિત મારા બીજા નાટક ‘ખેલૈયા’ દરમિયાન મને એ વાતનો અહેસાસ થયો ને મને સમજાયુ કે હું ભાષામાં કાચો છું. પછી મારા સિનિયર્સની સલાહ લઈને મેં ભાષા પર કામ કરવાનું શરુ કર્યું. મેં વાંચન શરૂ કર્યુ અને ભાષા સુધારી. મને મનમાં થતું હતું કે જો હું ગુજરાતી નાટકમાં કામ કરતો હોવ અને મને ગુજરાતી મીડિયમમાં ભણ્યા પછી પણ સરખુ ગુજરાતી બોલતા ન આવડતુ હોય તો મારે ડુબી મરવું જોઈએ. હવે લોકો મને કહે છે કે, હુ બહુ ચોખ્ખુ ગુજરાતી બોલુ છું તો લોકોને હું રિપ્લાય આપુ છું કે હું ચોખ્ખુ ગુજરાતી નહીં પણ ગુજરાતી બોલુ છું. પછી મેં હિન્દી ભાષા પર પણ ધ્યાન આપ્યું. આપણે જે ‘બંબૈયા હિન્દી’ બોલીએ તે કઈ ફિલ્મોમાં ન ચાલે. હિન્દી પર પ્રભુત્વ મેળવવા મેં મોટા લેખક મોહન રાકેશના પુસ્તકો વાંચવાનું અને હિન્દી ન્યૂઝ ચેનલો જોવાનું શરુ કર્યું.’
‘બૉલિવૂડ બેકગ્રાન્ડમાંથી આવતા લોકો માટે ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લેવી બહુ સરળ છે. જોકે, મારું નસીબ સારું હતું કે મારા કામને જોયા પછી મને કામની ઑફર આવતી. કામને લીધે મને હંમેશા કામ મળ્યું છે. પડકારોનો સામનો કરીને પણ તમે ટેલેન્ટને કારણે જ આગળ વધી શકો છો. આ ઈન્ડસ્ટ્રીમાં ગ્લેમર વર્લ્ડની અસર સામાજિક જીવન પર બહુ જલદી પડતી હોય છે. દરેકની નજર હોય છે સેલેબ્ઝ પર. અનેકવાર તો એવું તઈ જાય કે તમે તમારા હિસાબે રહી જ ન શકો, સેલેબ્ઝની જેમ રજેવું પડે. તેથી ઘણી વખત ફ્રસ્ટ્રેશન પણ આવતુ હોય છે. ફેક વર્લ્ડમાં રિયલ રહેવું ખૂબ જ મુશ્કેલ છે. એટલે તમે તમારા હિસાબે રહો. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે જગ્ગુ દાદા (જેકી શ્રોફ),’ તેમ જીમિત ત્રિવેદીએ કહ્યું હતું.
મોટેભાગે કૉમેડી રોલ ભજવતા જીમિત ત્રિવેદીને સિરિયસ પાત્રો ભજવવાની પણ ઈચ્છા છે. કારણકે રિયલ લાઈફમાં તે બહુ જ સિરિયસ છે. સ્ક્રિન પર દેખાય છે તેવો બિલકુલ નથી. પોતાનામાં જ વ્યસ્ત ને મસ્ત રહે તેવો છે અભિનેતાનો સ્વભાવ. શિસ્તમાં રહેવું અને ફક્ત ખાસ મિત્રો સામે જ ઑપન થવું તેવો સ્વભાવ છે અભિનેતાનો. મ્યુઝિક સાંભળવુ, ડાન્સ કરવો, ફરવું અને ફિલ્મો જોવાનો શોખ છે જીમિત ત્રિવેદીને.
અભિનેતાને ફરી સ્ક્રીન પર જોવા માટે પ્રેક્ષકો હવે ઉતાવળા થયા છે.