02 July, 2023 02:05 PM IST | Mumbai | Nirali Kalani
તસવીર ડિઝાઈન: સોહમ દવે
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એ તબક્કો...જેને જુનો કે વીતેલા સમય તરીકે ઉલ્લેખ કરવા કરતા એવા અવસર તરીકે નોંધવો ગમશે કે જે ગાળામાં દર્શકોને પ્રેમ અને પારિવારિક વિષય વસ્તુ સાથે સીધી હ્રદય સુધી પહોંચી એવી ફિલ્મ્સ મળી છે. આશરે આજથી વીસેક વર્ષ પહેલાની ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર નજર કરશો તો આ શબ્દો કદાચ સાચા લાગશે. ખેર,આજે આપણો વિષય ફિલ્મ જગત નહીં પરંતુ એ સમય દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ધબકતી રાખી એવા કલાકાર છે. ઈદ કા ચાંદ સમાન આ અભિનેતા કે અભિનેત્રીઓ પડદાથી ભલે થોડા દૂર છે પરંતુ ચાહકોમાં હજી તેમની ઝંખના ભરપૂર છે. ફિલ્મ ઉદ્યોગના અનેક જાણીતા ચહેરાઓના જીવન વિશે જાણવા દર્શકો આજે પણ આતુર છે. આ કલાકારના જીવનની સફર વિશે જણાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારા માટે "ડોકિયું" શ્રેણી લઈને આવ્યું છે. જેમાં તમને અભિનેતાની જિંદગીના દરેક તબક્કા અને પાસાઓથી રૂબરુ કરાવવામાં આવશે. આજે આપણે `ડોકિયું` કરીશું એ અભિનેત્રીના જીવનમાં જેમણે "દિકરીનો માંડવો" થી ડેબ્યુ કર્યુ અને પહેલી જ ફિલ્મમાં દર્શકોના દિલ જીતી લીધા.
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક શાનદાર અભનેત્રી કહો, હિતુ કનોડિયાના પત્ની કહો કો પછી કહો નરેશ કનોડિયાના ઘરની વહુ, મોના થીબાએ રિલની લાઈફની સાથે સાથે રિયલ લાઈફમાં પણ તેના જીવનના તમામ રોલ પ્રામાણિક અને સુંદર રીતે ભજવ્યા છે અને ભજવી રહ્યાં છે. `દીકરીનો માંડવો`, `પીયરીયાથી વહાલું મારું સાસરીયુ`, `ગગો કે દાડાનો પૈણું પૈણું કરતો તો`, `ઘરમાં સ્વર્ગ ઘરમાં નર્ક`, `મહિયર મારું લાખનું સાસરીયું સવા લાખનું`, `માવતર`, `કંકુ પૂર્યું માં અંબા ના ચોકમાં`, `ચુંદડી ઓઢી તારા નામની`, `ખોડીયાર છે જોગમાયા` અને `રજવાડી બાપુને રંગ છ` સહિત અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરી દર્શકોના દિલ સુધી પહોંચ્યા છે મોના થીબા. અભિનેત્રીનો ફિલ્મ ક્ષેત્ર સાથેનો નાતો આજ કાલથી નથી ગળથૂથી જ રહ્યો છે. તેમના પિતા બાબુભાઈ થીબા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાઈન પ્રોડ્યુસર હતા. આજ કારણે તેમના ઘરમાં પહેલેથી જ ફિલ્મનો માહોલ હતો.
કેવી રીતે મળી પ્રથમ ફિલ્મ
મુંબઈમાં જન્મેલા મોના થીબાને બાળપણથી જ અભિનયમાં રસ હતો. પરંતુ તેમના પિતાનો સ્વભાવ થોડો કડક હતો. તેમનું માનવું હતું કે પહેલા અભ્યાસ અને પછી અભિનય. એકવાર બન્યું એવું કે તેના પિતાના મિત્ર મુકુંદ ભાઈ તેમના ઘરે ગયા. મોના થીબાએ દરવાજો ખોલ્યો. પિતા ઘરે ન હોવાથી તેણીએ વાતચીત કરી. આ દરમિયાન તેમણે મોના થીબાને જોતા જ પૂછ્યું કે અભિનયમાં રસ ખરો. મોના થીબાને જોઈતુ હતું એ મળી ગયું. પરંતુ આ વાતની જાણ જ્યારે તેણીના પિતાને થઈ તો તેમણે કહ્યું તે હજી નાની છે, હમણાં આ બધું કરવાની જરૂર નથી. પરંતુ મોના થીબાને અભિનયમાં ખુબ જ રુચિ હોવાથી અંતે તેના પિતા માની ગયા અને મુકુંદ ભાઈએ ઓફર કરેલો પ્રોજેક્ટ કરવાની મંજૂરી આપી. આમ, મોના થીબાને પહેલી ગુજરાતી ફિલ્મ `કોયલ ટહુકે આંબા ડાળે` મળી. આ સમયે મોના થીબા આશરે 18 વર્ષના હતાં.
પિતાની એ સલાહ જેને હંમેશાં વળગી રહ્યા
પોતાની જર્ની સંદર્ભે વાત કરતા મોના જણાવે છે કે "જ્યારે હું આ ફિલ્ડમાં પગલા માંડી રહી હતી ત્યારે મારા પપ્પાએ એક સલાહ આપી હતી. તેમણે કહ્યું કે કદાચ એક્ટિંગ `ઉન્નીસ બીસ` થાય તો ચાલે પણ એક વ્યક્તિ તરીકેના મુલ્યો સાથે ક્યારેય સમાધાન ન કરતી. તેમની આ સલાહનું હજી પણ હું પાલન કરું છું." સેટ પર સમયસર પહોંચવું, સેટ પર એકાબીજાનું સન્માન જાળવવું, ખોટા નખરાં નહીં કરવા આ બધી બાબતોનું આજ સુધી પાલન કરતા આવ્યાં છે મોના થીબા. જ્યારે અભિનેત્રી તેમની પહેલી ફિલ્મ કરી રહ્યાં હતાં તે દરમિયાન જ તેણીને ફિલ્મના અન્ય પ્રોજેક્ટ મળવા લાગ્યાં હતાં. શરૂઆતનો સમય એવો હતો કે કોઈ પણ બ્રેક વગર તે સતત એક પછી એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં હતા.
દીકરાના ઉછેર માટે એક્ટિંગથી રહ્યા દૂર
મોના થીબા પરિવાર સાથે મુંબઈમાં રહેતા હતા અને શૂટિંગ માટે તેમને ગુજરાત જવું પડતું હતું. ફિલ્મો પણ એટલી મળી રહી હતી તે ગુજરાતના વિવિધ સ્થળો પર શૂટિંગમાં ખુબ જ વ્યસ્ત રહતાં. ઉંમર પણ એટલી નહોતી. તેમ છતાં તે શૂટિંગ પર એકલા જતાં અને બધી બાબતો સાથે પોતે જાતે જ ડીલ કરતાં. આ બધી જ કઠિનતાઓએ તેમને મજબુત બનાવ્યા. એક અભિનય તરીકે પણ અને એક વ્યક્તિ તરીકે પણ. સમયની સાથે સાથે અભિનત્રીએ અનેક ફિલ્મો કરી અને દર્શકોના દિલમાં ખાસ સ્થાન મેળવ્યું. અભિનય ક્ષેત્રે તે ખુબ જ પ્રગતિ કરી રહ્યાં હતા, પરંતુ આ વસ્તુને અંગત જીવનમાં સમયસર જરૂરી નિર્ણય લેવામાં આડે ન આવવા દીધી. વર્ષ 2014માં મોના થીબા નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયા સાથે લગ્નના બંધનમાં બંધાયા. રિલ લાઈફની જેમ રિયલ લાઈફમાં પણ દરેક ભૂમિકાને નિભાવવા તે કટિબદ્ધ રહે છે. લગ્ન બાદ મોના થીબાએ માતૃત્વ અપનાવ્યુ અને દીકરાને જન્મ આપ્યો. પત્ની, વહુ અને માતા તરીકે જવાબદારી સાથે કોઈ બાંધછોડ ન કરવા માંગતા મોના થીબા તે સમયે અભિનય દૂર રહ્યાં.
મોના થીબા અને હિતુ કનોડિયાને 8 વર્ષનો દીકરો છે. જેનું નામ રાજવીર છે. મોના થીબા જાણાવે છે કે `હું મારા દીકરાનું યોગ્ય ઘડતર કરી શકું. તેને પુરતો સમય આપી શકું તેથી મેં મારી મરજીથી થોડા સમય માટે અભિનયથી બ્રેક લેવાનું વિચાર્યુ. જોકે રાજવીર 2 વર્ષનો ત્યારે મારા સસરા નરશે કનોડિયાએ ફિલ્મ કરવા માટે મને ઘણી પ્રોત્સાહિત કરી પણ મારા પુત્રના ઉછેર સાથે હું કોઈ સમાધાન કરવા ઈચ્છતી નહોતી. હવે એ મોટો થઈ ગયો છે અને સમજદાર પણ. તેથી હવે હું ફરી મારા કરિયર તરફ વળીશ.`
સંબંધે સસરા પણ લાગણીની દ્રષ્ટિએ પિતા કરતા પણ વિશેષ એવા નરેશ કનોડિયાનો ઉલ્લેખ કરતા મોના થીબા જણાવે છે કે "તેમણે હંમેશાં મને એક દીકરી જેમ રાખી છે. સ્વભાવે ખુશમિજાજ હોવાથી તે જ્યારે પણ ઘરમાં હોય ઘરમાં અલગ જ રોનક હોય. રાજવીર સાથે તેઓ ખુબ જ રમતાં હતા. માતા બન્યા બાદ ફરી અભિનય તરફ વળવા માટે પણ તેઓ મને ખુબ પ્રોત્સાહિત કરતાં હતા. તેમની સાથેના સંસ્મરણો અતિ મુલ્યવાન છે. મારા માટે."
કાસ્ટિંગ કાઉચ વિશે કરી વાત
કાસ્ટિંગ કાઉચ શબ્દ બૉલિવૂડમાં સામાન્ય છે. પરંતુ શું આવું ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ થાય છે એવું પૂછવામાં આવ્યું તો મોના થીબા જણાવે છે કે " કાસ્ટિંગ કાઉસ જેવો મારો કોઈ અંગત અનુભવ રહ્યો નથી. પરંતુ કેટલાક લોકો પાસેથી મેં આના વિશે સાંભળ્યું છે. મારું માનવું છે કે અંતે આપણા હાથમાં હોય છે કે મારે આ રસ્તે જાઉં છે કે નહીં. કોઈ પણ કામ માટે ક્યારેય શોર્ટ કટ રસ્તો ન અપનાવો જોઈએ. હાર્ડ વર્ક અને પ્રમાણિકતાને સાથે રહીને ચાલીએ એટલે કામ સામેથી આપણી પાસ આવે છે."
વર્તમાન ગુજરાતી સિનેમા પર અભિપ્રાય
મોના થીબા હાલમાં ઈન્ડસ્ટ્રીમાં એટલા શક્ય નથી પરંતુ તેમના પતિ, ધારાસભ્ય અને ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર હિતુ કનોડિયા એક પછી એક ફિલ્મ દર્શકો માટે લાવી રહ્યાં છે. અભિનેત્રી જણાવે છે કે "ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી આગળ વધી રહી છે. વિવિધ વિષયો સાથે નવી નવી ફિલ્મો આવી રહી છે. `વશ` ફિલ્મ પરથી બૉલિવૂડમાં ફિલ્મ બની રહી છે, એ આપણી ઈન્ડસ્ટ્રી માટે ખુબ જ મહત્વની વાત છે. હિતુએ જે પાત્ર ભજવ્યું હતું એ ભૂમિકા અજય દેવગણ ભજવશે. આનાથી મોટી વાત શું હોય શકે." ભૂતકાળમાં હિટ ફિલ્મ આપનાર કેટલાક કલાકારો સાઈડલાઈન થઈ રહ્યાં છે. આ મુદ્દે તેમનું શું માનવું છે તેવો સવાલ કરતાં અભિનેત્રી મોના થીબા જણાવે છે કે " દરેક કલાકારનો એક સમય હોય છે. તેમનો એ સમય હતો. આજે નવી પેઢીના કલાકારનો છે."
અનેક ગુજરાતી ફિલ્મોની સાથે સાથે મોના થીબાએ હિન્દી ફિલ્મમાં પણ કામ કર્યુ છે.`હિમ્મતવાલા`માં તેમણે અજય દેવગણ સાથે સ્ક્રીન શેર કરી હતી.મોના થીબા છેલ્લે ઓહો પર આવેલી `હેપીલી નેવર આફ્ટર` વેબ સીરિઝમાં જોવા મળ્યા હતાં. આ સિરીઝમાં મોના થીબા અને હિતુ કનોડિયા મહત્વની ભૂમિકામાં છે. હવે તેમનો દીકરો મોટો થઈ ગયો હોવાથી તે ફરી ફિલ્મોમાં પણ કમબૅક કરશે. બની શકે કે ખુબ જ ટૂંક સમયમાં મોના થીબા ફરી મોટા પડદા પર જોવા મળે.