ડોકિયું: ઈન્દોરના આનંદી કેવી રીતે રાતોરાત બન્યા ગુજરાતી સિનેમાનો જાણીતો ચહેરો, હાલમાં શું કરે છે અભિનેત્રી?

18 June, 2023 08:36 AM IST  |  Mumbai | Nirali Kalani

સુપરહિટ ગુજરાતી ફિલ્મ `મૈયરમાં મનડું નથી લાગતું` ફેમ નૉન ગુજરાતી અભિનેત્રી આનંદી ત્રિપાઠીની ગુજરાતી ફિલ્મ જગતમાં સફર કેવી રહી અને હાલ તેઓ શું કરી રહ્યાં છે તે જાણો અહીં....

તસવીર ડિઝાઈન: સોહમ દવે

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એ તબક્કો...જેને જુનો કે વીતેલા સમય તરીકે ઉલ્લેખ કરવા કરતા એવા અવસર તરીકે નોંધવો ગમશે કે જે ગાળામાં દર્શકોને પ્રેમ અને પારિવારિક વિષય વસ્તુ સાથે સીધી હ્રદય સુધી પહોંચી એવી ફિલ્મ્સ મળી છે. આશરે આજથી વીસેક વર્ષ પહેલાની ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર નજર કરશો તો આ શબ્દો કદાચ સાચા લાગશે. ખેર,આજે આપણો વિષય ફિલ્મ જગત નહીં પરંતુ એ સમય દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ધબકતી રાખી એવા કલાકાર છે. ઈદ કા ચાંદ સમાન આ અભિનેતા કે અભિનેત્રીઓ પડદાથી ભલે થોડા દૂર છે પરંતુ ચાહકોમાં હજી તેમની ઝંખના ભરપૂર છે. ફિલ્મ ઉદ્યોગના અનેક જાણીતા ચહેરાઓના જીવન વિશે જાણવા દર્શકો આજે પણ આતુર છે. આ કલાકારના જીવનની સફર વિશે જણાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારા માટે "ડોકિયું" શ્રેણી લઈને આવ્યું છે. જેમાં તમને અભિનેતાની જિંદગીના દરેક તબક્કા અને પાસાઓથી રૂબરુ કરાવવામાં આવશે. આજે આપણે `ડોકિયું` કરીશું એ અભિનેત્રીના જીવનમાં જેણે `રતન` બની રાતોરાત લોકપ્રિયતા મેળવી અને સૌને ઘેલા કર્યા હતાં.....

`ઓ દાદીમાં મૈયરમાં મનડું નથી લાગતું....` ગુજરાતી ફિલ્મના રસિયા હોય કે ના હોય આ શબ્દો લગભગ બધાના કાને પડ્યા જ હશે. `મૈયરમાં મનડું નથી લાગતું` ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરનાર આનંદી ત્રિપાઠી હાલ ફિલ્મ જગતથી થોડા દૂર છે. પણ એક સમય એવો હતો જ્યારે તેમની બોલબાલા હતી. મધ્ય પ્રદેશના આનંદી ત્રિપાઠીએ સોળ જેટલી ગુજરાતી ફિલ્મ, એડ ફિલ્મ, કન્નડ ફિલ્મ અને હિન્દી ટીવી સિરીયલોમાં કામ કર્યુ છે. ઢોલીવૂડમાં તેમના કરિયરની વાત કરીએ તો તેમણે મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મમાં રતનના પાત્રથી ભારે લોકપ્રિયતા મેળવી છે. આ રતનને ચાહકો હજી પણ યાદ કરે છે. મધ્ય પ્રદેશની નૉન ગુજરાતી યુવતીએ ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં કેવી રીતે એન્ટ્રી કરી અને તેમની જર્ની કેવી રહી તે રસપ્રદ છે.

ઈન્ડસ્ટ્રી તરફ પહેલું પગલું

નૉન ગુજરાતી પણ ગુજરાતી ફિલ્મ જગત સાથે અતૂટ નાતો રહ્યો છે એવા અભિનેત્રી આનંદી ત્રિપાઠીનો જન્મ ઈન્દોરમાં થયો. તેમનો ઉછેર અને અભ્યાસ પણ ત્યાં જ થયો. મધ્ય પ્રદેશની યુવતી ગુજરાતી કલા જગત સુધી કેવી રીતે પહોંચી અને રાતોરાત કેવી રીતે તે ફિલ્મ ઉદ્યોગનો જાણીતો ચહેરો બની એ ખુબ જ રસપ્રદ વાત છે. તો શરૂઆત થાય છે કે એક ફેશન ઈન્સ્ટિટ્યુટથી. આ કડીમાં વાતને આગળ ધપાવતાં આનંદી ત્રિપાઠી જણાવે છે કે "ફેશન ઈન્સ્ટીટ્યુટમાં જોડાવું એ એકટિંગ માટે પહેલું પગલું હતું મારું. ફેશન સંસ્થા સાથે જોડાયા બાદ તરત એક શૉનું આયોજન થયું અને ઇત્તેફાકથી મને એ શૉમાં પર્ફોમ કરવાની તક પણ મળી.આ એ સમયની વાત છે જ્યારે છોકરીઓનો ઝુકાવ આના તરફ બહું ઓછો હતો. અને જો રસ પણ હોય તો સમાજ અને પરિવારને કારણે છોકરીઓ પીછેહઠ કરી દેતી હતી. મેં શૉમાં ભાગ લેવાનું મન બનાવી લીધું હતું પણ મને રેમ્પ વૉક કરતા પણ નહોતું આવડતું. મને રેમ્પ વૉકની ટ્રેનિંગ આપવામાં આવી હતી. શૉમાં અમારું પર્ફોમન્સ જજ તરીકે આવેલા કલેક્ટરને ખુબ જ પસંદ આવ્યું અને તેમણે અમારી ખુબ જ પ્રશંસા અને સરાહના કરી. આ મારો પહેલો સ્ટેજ અનુભવ હતો."


એરહોસ્ટેસ બનવાનું હતું સપનું

આનંદી ત્રિપાઠીની હજી આ શરૂઆત હતી, મંજિલ તો ઘણી દૂર હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જવાનું તેમનું સપનું નહોતું, તે એરહોસ્ટેસ બનવા માંગતા હતાં. ફેશન ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા બાદ ગ્લેમર ક્ષેત્રે તેમના માટે અનેક દરવાજા ખુલ્યા. ખોળામાં આવતી સારી તકને વધાવી લેવાય એવું વિચારીને આનંદી ત્રિપાઠી આગળ વધતા ગયા. `મૈયરમાં મનડું નથી લાગતું`ની રતન આગળ જણાવે છે કે "જેવો શૉ પુરો થયો કલેક્ટર સાહેબ અમને બૅક સ્ટેજ મળવા આવ્યા અને ઇન્સ્ટિટ્યૂટના મેડમને કહ્યું કે ઈન્દોર તરફથી મિસ ઈન્ડિયામાં મને મોકલવામાં આવે. આ સાંભળી હું સ્તબ્ધ થઈ ગઈ. હું નાની હતી. ઉપરાંત મને યોગ્ય વાત કરતા પણ નહોતું આવડતું તો ડર પણ હતો. હું વધારે પારિવારિક હતી. દુનિયા વિશે સમજ ઓછી હતી. પણ ઉત્સાહ અને ઉમંગ ઘણો હતો. મારા મેડમે મને પૂછ્યા વગર જ ફોર્મ ભરી દીધું હતું. મને એક ટેલિગ્રામ મળ્યો, જેમાં લખ્યું હતું કે મિસ ઈન્ડિયામાં ટૉપ હન્ડ્રેડમાં મારી પસંદગી થઈ છે. પછી તો શું! બૅગ પેક કરી અને હું પહોંચી ગઈ મુંબઈ"  મુંબઈમાં આવ્યા બાદ ફેશન શૉના વિવિધ રાઉન્ડો શરૂ થયા. પરંતુ આંનદી ત્રિપાઠી હાઈટને કારણે અડધે જ અટકી ગયા. જોકે, તેમનું કહેવું છે કે ભલે તે મિસ ઈન્ડિયાની સ્પર્ધામાં આગળ ન વધી શક્યા પણ એ સમય તેમના માટે સારો લર્નિંગ અનુભવ રહ્યો હતો.  

પ્રથમ ફિલ્મમાં કેવી રીતે બ્રેક મળ્યો

કહેવાય છે ને કે `અંત હી આરંભ હૈ`, આવું જ કંઈક અભિનેત્રી આનંદી ત્રિપાઠી સાથે બને છે. મિસ ઈન્ડિયા માટે તેમની સાથે તેમના પિતા પણ મુંબઈ આવ્યા હતાં. તેમના પિતા ધરમ ચોપરાના મિત્ર હતાં. આનંદી અને તેના પિતા ધરમ ચોપરાને મળવા તેમના ઓફિસે ગયા. ધરમ ચોપરા ઉપસ્થિત ન હોવાથી તેમની મુલાકાત બીઆર ચોપરા સાથે થઈ. બસ, આ મુલાકાત બાદ આનંદી ત્રિપાઠી માટે અભિનયના દ્વાર ખુલી ગયા. સુંદર તો ખરાં જ સાથે ટેલેન્ટેડ પણ એવા આનંદીને બીઆર ચોપરા તરફથી પહેલી એડ ફિલ્મ મળી. જે પાકિસ્તાનમાં રિલીઝ થઈ હતી. ત્યાર બાદ બીઆર ચોપરાનો બીજો પ્રોજેક્ટ પણ તેમને મળી શકે એમ હતો પણ તેમાં તેઓ ફિટ નહોતા થયાં. અને પછી તે ઈન્દોર પરત ફર્યા. આ સંદર્ભે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું કે "આ દરમિયાન હું નાની હતી અને મમ્મી ઈચ્છતી હતી કે હું પહેલા મારું ભણવાનું પૂર્ણ કરું અને પછી ઈન્ડસ્ટ્રી તરફ આગળ વધું. હું મુંબઈ ગઈ ત્યારે રાજશ્રી પ્રોડક્શનમાં પણ મુલાકાત માટે ગઈ હતી. ઈન્દોર પરત ફર્યાના થોડાક દિવસો બાદ મને એક ક્ન્નડ ફિલ્મ માટે ત્યાંથી ફોન આવ્યો. આ રીતે મને પહેલી કન્નડ ફિલ્મમાં પહેલો બ્રેક મળ્યો. અહીંથી મારી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની શરૂઆત થઈ."

પિતાએ રાખી હતી આ શરતો

જમાનો એવો હતો કે સ્વાભાવિક છે ગ્લેમર ક્ષેત્રમાં કામ કરવા માટે પરિવારના નિયમોને અનુસરવા પડતાં. આનંદી ત્રિપાઠીએ કહ્યું કે મારા પેરેન્ટ્સ સિવાય કુટુંબમાં કોઈને ખબર નહોતી કે મેં કન્નડ ફિલ્મ કરી છે. તે બધાને પછીથી આ અંગે જાણ કરી હતી અને તેઓ જાણીને ખુશ થયા હતાં. અભિનેત્રીએ જ્યારે ઈન્ડસ્ટ્રીમાં જવાનો નિર્ણય કર્યો ત્યારે તેમના પિતાએ તેમના સમક્ષ ત્રણ શરતો રાખી હતી. એક તો હંમેશા સેટ પર સમયસર પહોંચવું, બીજુ મિત્રો સાથે વધારે આઉટિંગ નહીં કરવાનું અને ત્રીજું દસ વર્ષ સુધી બૉયફ્રેન્ડ નહીં બનાવવાનો. આ સમયે આનંદી ત્રિપાઠી કુમળ વયના હતાં. અભિનેત્રીના જણાવ્યા મુજબ આ શરતોને આધીન જ તેમને ફિલ્મ ઈન્ડસ્ટ્ર્રીમાં કામ કરવાની પરવાનગી મળી હતી. કન્નડ ફિલ્મ કરી ત્યારે અભિનેત્રી 17 વર્ષના હતાં. 

 ઈન્દોરથી ગુજરાતનું ખેડાણ કેવી રીતે?

કન્નડ ફિલ્મ કર્યા બાદ આનંદી ત્રિપાઠી છ મહિના માટે મુંબઈ શિફ્ટ થયાં. ત્યારે તેમને થોડો સંઘર્ષ કરવો પડ્યો હતો. આ દરમિયાન આનંદીને હૉકીની એક એડ મળી હતી. આ એડ ફિલ્મ દરમિયાન તેમના મેકઅપ દાદાએ તેમને ગુજરાતી ફિલ્મ માટે સૂચન કર્યુ. તેમણે કહ્યું કે ગુજરાતી ડિરેક્ટર મુખ્ય પાત્ર માટે હિરોઈન શોધી રહ્યા છે તમારે ત્યાં ટ્રાય કરવી જોઈએ. જે ફિલ્મના રતનના પાત્રથી તેમને આખું ગુજરાત આળખે છે એ ફિલ્મ `મૈયરમાં મનડું નથી લાગતું` માં કામ કેવી રીતે મળ્યુ તે અંગે વાત કરતા આનંદી ત્રિપાઠી કહે છે કે " કેમેરામેન રફીક સરના માધ્યમથી ડિરેક્ટર જસવંત ગંગાણી સાથે મુલાકાતની યોજના બની. ત્યારે થયું એવું કે એ સમયે જ મને ગોવિંદાને મળવાની પણ તક મળી હતી. હું તેમની મોટી ચાહક હોવાથી જસવંત ગંગાણી સાથે ઉડતી મુલાકાત કરી અને પછી ઑડિશન આપ્યું. ગુજરાતી ભાષા જાણતી ન હોવાથી તેમણે શરત મુકી કે તે બે ત્રણ દિવસ મારું કામ જોશે અને જો પસંદ આવશે તો જ આ ફિલ્મમાં કામ કરવા મળશે. પરંતુ સેટ પર સહકલાકારના સપોર્ટથી અને આસિસ્ટન્ટની મદદથી સ્ક્રિપ્ટ તૈયાર કરવી સરળ બની ગયું હતું. આમ `મૈયરમાં મનડું નથી લાગતું` ફિલ્મ મળી અને રતનના પાત્રને ન્યાય આપવાનો મેં પુરો પ્રયાસ કર્યો."

વર્ષ 2001માં આવેલી `મૈયરમાં મનડું નથી લાગતું` ફિલ્મ આનંદી ત્રિપાઠીની પહેલી ગુજરાતી ફિલ્મ છે. જે તે સમયે આ ફિલ્મ સુપરહિટ રહી હતી. પારિવારિક વિષય પર બનેલી ફિલ્મમાં રતનના પાત્રથી આનંદી ત્રિપાઠી અને રામની ભૂમિકામાં હિતેન કુમારની જોડીએ સિનેમામાં ધુમ મચાવી હતી. દર્શકોને તેમની કેમેસ્ટ્રી ખુબ જ પસંદ આવી હતી. જોકે આનંદી ત્રિપાઠીના પિતાનો જન્મ ગુજરાતના આણંદમાં થયો હોવાથી ગુજરાત સાથે કનેક્શન રહ્યું. પરંતુ ગુજરાતી ભાષા બોલવી અઘરી હતી તેમના માટે. રતન જણાવે છે કે "મૈયરમાં મનડું નથી લાગતું" ફિલ્મ બાદ મને લોકોનો ખુબ જ પ્રેમ મળ્યો હતો. મહિલાઓ, છોકરીઓ, યુવાનો દરેક વય અને જુથના લોકોએ મારા કામની પ્રશંસા કરી હતી. `મૈયરમાં મનડું નથી લાગતુ પાર્ટ 2`માં પણ અમને લોકોનો અપાર પ્રેમ મળ્યો. ચાહકોનો સ્નેહ અને સન્માન એટલું મળ્યુ કે આ બે ફિલ્મ બાદ હું ફિલ્મની પસંદગી કરવામાં ચૂઝી બની ગઈ."

સોળ ફિલ્મ કર્યા બાદ જીવનમાં આવ્યો વળાંક

`મૈયરમાં મનડું નથી લાગતું` બાદ `માંડવા રોપાવો મારા રાજ`, `સોહાગણ શોભે સાસરીયે` અને `મારા રુદિયે રંગાણા તમે સાજણા`, `મને લઈ દે નવરંગ ચુંદડી`, `કર્મભૂમિ` સહિત સોળ જેટલી ગુજરાતી ફિલ્મોમાં આનંદી ત્રિપાઠીએ અભિનય કર્યો અને ગુજરાતી ફિલ્મ જગતમાં છવાઈ ગયા. વર્ષ 2007 સુધી તેમણે હિટ ફિલ્મો કરી અને બધું સરસ ચાલી રહ્યું હતું. પરંતુ તેમના જીવનમાં વળાંક આવ્યો વર્ષ 2007થી. 2007માં પર્સનલ પ્રોબલ્મને કારણે નિરાશ હતા, ઉપરાંત જોઈએ એવા રોલ પણ નહોતાં મળતાં. આ બંને બાબતોએ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને તેમની વચ્ચે અંતર ઉભું કર્યુ. જોકે ત્યાર બાદ તેમણે ફિલ્મ્સ કરી પણ લાંબા સમયના ગેપમાં કરી. છેલ્લે વર્ષ 2021 `હલકી ફુલકી` ફિલ્મથી ફરી કમબેક કર્યુ. જોકે આ દરમિયાન તેમણે હિન્દી સીરિયલોમાં કામ કર્યુ હતું. જેમાં `વો અપના સા` અને `યે તેરી ગલિયાં` સીરિયલો સામેલ છે. 

નૉન ગુજરાતી હોવાથી ક્યારેય ભેદભાવ થયો છે?

કરિશ્મા કપૂર સાથે પણ આનંદી ત્રિપાઠીએ કામ કર્યુ છે. અભિનેત્રી તેના જીવનમાં થયેલા કેટલાક ફેરફારનો ઉલ્લેખ કરતાં જણાવે છે કે "એક નૉન ગુજરાતી તરીકે અત્યાર સુધી ક્યારેય ભેદભાવ થયો હોવાનો અનુભવ થયો નથી. પરંતુ હવે થોડા અંશે એવું અનુભવાઈ છે. પહેલાના સમયમાં ફેન્સ સાથે સીધા કનેક્ટ થવાનો કોઈ વિકલ્પ નહોતો. જોકે હવે સોશિયલ મીડિયાથી એ અવરોધ દૂર થયો છે. તેમજ તે સમયના ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ પણ ખાસ સંપર્કમાં નથી.હવે ઈન્ડસ્ટ્રીમાં નવા જે કલાકારો અને નિર્દેશકો આવ્યા તેમની સાથે પણ ઓછો સંપર્ક છે. બની શકે તેમણે મારી ફિલ્મો જોઈ હોય પરંતુ નવા કલાકારો સાથે બહુ મુલાકાત થઈ શકી નથી.પરંતુ હા, મને જો તેમની સાથે કામ કરવાનો મોકો મળશે તો હું ચોકક્સ તે તકને વધાવીશ."

હતાશ અને નિરાશાનો તબક્કો

જીવન એક સિક્કાની બે બાજું છે. સુખ અને દુ:ખ તો આવ્યા કરે, પણ તેમની સામે લડવું ક્યારેક મુશ્કેલ બની જાય છે. દરેકની જેમ અભિનેત્રીના જીવનમાં પણ નિરાશાનો તબક્કો આવ્યો હતો. આનંદી ત્રિપાઠીએ કહ્યું કે મારા જીવનમાં પણ એ સમય હતો જ્યારે હું ખુબ હતાશ અને દુ:ખી હતી. આવા સંકટના સમયે હું ઓવરઈટિંગ કરતી હતી. ક્યારેક તમે કંઈ જ કરી શકતા નથી. તમે અથાગ પ્રયાસો કરો તેમ છતાં ગાડી પાટા પર ન ચડે. આવી સ્થિતિમાં બધું સમય પર છોડી દેવું જોઈએ. સમય જતાં બધુ ઠીક થઈ જાય છે. મારી દાદી અને નાની એક વસ્તુ શીખવી હતી કે જીવનમાં ક્યારેય હાર ન માનવી જોઈએ, બસ હું એ જ વાક્યને વળગી રહી અને ભગવદ્ ગીતા વાંચવાનું શરૂ કર્યુ. જ્યાં મને મારા અનેક સવાલના જવાબ મળ્યા. 


વર્તમાન ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પ્રતિક્રિયા

ગુજરાતી ફિલ્મ જગતની ઘણી હસ્તીઓ એવી છે જેમનો ઈન્ડસ્ટ્રીમાં સિંહફાળો રહ્યો છે. જેમના પ્રયાસથી ઈન્ડસ્ટ્રી ઉભી થઈ છે. આનંદી ત્રિપાઠીનું કહેવું છે કે ક્યારેક ક્યારેક એવું લાગે તેમના યોગદાનનો ઓછો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. આજના સમયમાં વિવિધ વિષયો પર ઘણી ગુજરાતી ફિલ્મ બની રહી છે. નવા કોન્સેપ્ટ સાથે પ્રયાસો થઈ રહ્યાં છે જેની સરાહના કરવી જ જોઈએ, પરંતુ તેમ છતાં કેટલીક ફિલ્મોમાં કઈંક ખુટતું હોય એવુ લાગે છે. પહેલાની ફિલ્મો હ્રદય સ્પર્શી હતી.દરેક વાર્તા સાથે દર્શક પોતાને જોડી શકતો હતો. આજે પણ ઘણી ફિલ્મો એવી બની છે,જે તમારું દિલ જીતી લે એવી છે. પરંતુ જો હજુ આગામી સમયમાં ગુજરાતી સાહિત્ય, સંસ્કૃતિ અને ગુજરાતના જ લોકોની વાર્તા ફિલ્મમાં ચિત્રિત થશે તો દર્શકોનો અણધાર્યો પ્રતિભાવ મળશે. ફિલ્મ મેકર્સે દરેક વર્ગના લોકોને ધ્યાને રાખી વિષયની પસંદગી કરવી જોઈએ.  

છેલ્લે આનંદી ત્રિપાઠીએ 2021માં `હલકી ફુલકી` ગુજરાતી ફિલ્મ કરી હતી. હાલમાં તેઓ મુંબઈમાં છે. તેમણે જણાવ્યું હતું હું મારા ચાહકોનું મનોરંજન કરવા ખુબ આતુર છું, બસ યોગ્ય કામ અને પાત્રની શોધમાં છું. ગુજરાતી ફિલ્મ જગતની આ રતન જલદી પડદા પર જોવા મળે તેવી ચાહકોને આશા છે. 

gujarati film dhollywood news entertainment news hiten kumar indore nirali kalani