16 September, 2020 08:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
આવનારા દિવસોમાં તહેવારોની મોસમ છે. પરંતુ દેશમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે આ તહેવારોની ઉજવણી કઈ રીતે થશે તે સહુથી મોટો પ્રશ્ન છે. સેલેબ્ઝ હોય કે સામાન્ય માણસ સહુને આ પ્રશ્ન સતાવે છે કે, તહેવારોની ઉજવણી કઈ રીતે થશે. યુવાન હોય કે વૃદ્ધ સહુના મનપસંદ તહેવાર નવરાત્રીને હવે થોડાક જ દિવસો બાકી છે, ત્યારે લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે, આ વર્ષે નવરાત્રી થશે કે નહીં? આ જ પ્રશ્ન ગાયક જીગરદાન ગઢવી (Jigardan Gadhvi)ના મનમાં પણ છે. ગાયકે ફૅન્સે પુછયું છે કે, શું નવરાત્રી થવી જોઈએ કે નહી? સાથે જ મહેણું મારતા હોય તેવા અંદાજમાં લખ્યું કે, 'કલા ક્યાં આવશ્યક વસ્તુઓમાં આવે છે.'
ગરદાન ગઢવીએ તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી છે. જેમાં લખ્યું છે કે, 'મારું તો એમ કહેવું છે કે ફક્ત નવરાત્રી જ નહીં જીવન જરૂરી સિવાય કંઈ જ ન થવું જોઈએ હમણા (હમણા જે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને!). મેડિકલ-ગ્રોસરી-ડેરી સિવાય કોઈ સેક્ટર ચાલુ ન હોવા જોઈએ. મહામારીનો અર્થ છે કે, જેની પાસે ચાર વસ્તુ છે તે જેને જરૂરી છે તેને એક વસ્તુ વહેચે. આમ ભુખે જીવના બાળો કોઈનો! અથવા.... જો આમ ન થાય તો જે પણ આર્ટિસ્ટ છે તે મારા સહિત માર્કેટમાં મુખ્ય સ્થળે જઈને એકાદ એમ્પલિફાયર અને ગિટાર કે હાર્મોનિયમ અથવા જે તે વાદ્યો સાથે પર્ફોમ કરે, જેમ બહાર વિદેશમાં સાવ સામાન્ય છે - સ્ટ્રીટ પર્ફોમન્સ. જેને જે આપવું હશે તે ડોનેટના બોર્ડ પાસે બનેલા બોક્સમાં ડોનેટ કરે. જેને આપવું હોય એ આપે, ના આપવુ હોય એ ના આપે. બાકી આમ તમારા પગાર ધંધા ચાલુ હોય અને બીજાને સલાહો દેતા ન ફરો. આમેય કલા ક્યારેય આવશ્યકમાં નથી રહી. પણ એની મજા બહુ લીધી છે લોકોએ અને લેતા રહેશે. #hypocrisy તમારું શું કહેવું છે?'
ગાયકની આ વાત સાથે મોટા ભાગના યુઝર્સ સહમત થયા છે. એક યુઝરે કહ્યું હતું કે, 'મહામારીને લીધે આ વખતે ડિજીટલ નવરાત્રી થવી જોઈએ'. તો અન્ય યુઝરે કહ્યું કે, 'જે લોકો મ્યુઝિક લવર્સ છે તે તો સ્ટ્રીટ પર પણ આવશે જ'. તો કોઈક યુઝર કહી રહ્યાં છે કે, 'આ તહેવારો ઉજવવાની નહીં પણ ફરી લૉકડાઉન કરવાની પરિસ્થિતિ છે'.