11 October, 2021 07:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ડૉ. દર્શન અશ્વિન ત્રિવેદી
બાળકો વિશે બે ફિલ્મો બેક ટુ બેક આપ્યા બાદ ડૉ. દર્શન અશ્વિન ત્રિવેદી હવે પોતાની આગામી ફિલ્મ “લકીરો” પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મ એક રિલેશનશીપ ડ્રામા છે. આ ફિલ્મની વાર્તા મુંબઈ, બેંગ્લોર, પુણે અને અમદાવાદ એમ ચાર શહેરોની આસપાસ ફરે છે. મહત્ત્વનું છે કે ફિલ્મની વિશેષતા જેઝ મ્યુઝિક છે. આ પહેલીવાર છે કે કોઈપણ ગુજરાતી ફિલ્મમાં તેના તમામ પાંચ ગીત જેઝ મ્યુઝિકની આસપાસ બનેલા છે.
આ બાબતે ડૉ. દર્શને કહ્યું કે “જ્યારે મેં ફિલ્મની પટકથા લખી હતી, ત્યારે હું ફિલ્મમાં જેઝ સંગીત સાંભળી શકતો હતો. મેં કેટલીક નોંધ કરી હતી, કેટલાક સંદર્ભો સાંભળ્યા હતા. જ્યારે મેં ફિલ્મ માટે મ્યુઝિક ડિરેક્ટર પસંદ કરવાનું નક્કી કર્યું ત્યારે હું પાર્થ ભરત ઠક્કર સિવાય કોઈને વિચારી શકતો ન હતો. મેં એક ફોન કોલ પર તેને ફિલ્મની પટકથા સંભળાવી હતી અને તે તરત જ ફિલ્મ કરવા માટે સંમત થયો હતો. પાર્થે ફિલ્મના સંગીત પર શાનદાર કામ કર્યું છે.”
આ ફિલ્મનું પહેલું ગીત શ્રુતિ પાઠક અને પાર્થ ભરત ઠક્કર સાથે રેકોર્ડ થયું હતું જે અમદાવાદ સ્થિત કવિ તુષાર શુક્લાએ લખ્યું છે. આ ફિલ્મમાં વધુ ચાર જેઝ ટ્રેક છે અને તે તમામ ચિરાગ ત્રિપાઠીએ લખ્યા છે. ફિલ્મ લકીરોમાં રૌનાક કામદાર, દીક્ષા જોશી, નેત્રી ત્રિવેદી, વિશાલ શાહ અને શિવાની જોશી સ્ક્રીન પર દેખાશે. ફિલ્મ ટૂંક સમયમાં ફ્લોર પર જશે.
દર્શનની પ્રથમ ફિલ્મ મૃગતૃષ્ણની શિકાગો સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદગી થઈ છે. આ ઉપરાંત ફિલ્મને ઈરાનના 33મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ગોલ્ડન બટરફ્લાય એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મને મોસ્કો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલ, યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલ, સાઉથ એશિયાનો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, ટોરોન્ટો, ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ આલ્બર્ટા અને કેલિડોસ્કોપ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ બોસ્ટન તરફથી પણ સત્તાવાર પસંદગી મળી છે. દર્શનની બીજી ફિલ્મ મારા પપ્પા સુપરહીરોને સેન ડિગો ઇન્ટરનેશનલ કિડ્સ ફિલ્મ ફેસ્ટિવલ, કિડ્સ ફર્સ્ટ ફિલ્મ ફેસ્ટિવલ, લંડન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ, ડાયટાટોકો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ મીડિયા ફેસ્ટિવલ, યુક્રેન, ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન અને નોર્વેના બોલીવુડ ફિલ્મ ફેસ્ટિવલમાંથી સત્તાવાર પસંદગી મળી છે.
તેમની ફિલ્મ નિર્માણ યાત્રા વિશે દર્શન ઉમેરે છે “મને જણાવતા આનંદ થાય છે કે બંને ફિલ્મો આઠ જુદા જુદા દેશોમાં પંદરથી વધુ ફેસ્ટિવલમાં ગઈ છે. મને એ વાત પર ગર્વ છે કે ગુજરાતી સિનેમા આ નવા પ્રદેશો સુધી પહોંચી છે. હું હંમેશા વૈશ્વિક દર્શકોને ગુજરાતી વિષયવસ્તુ સાથે જોડાવા ઈચ્છતો હતો અને તે મને ખુશીનો અનુભવ કરાવે છે કે ફિલ્મ વૈશ્વિક સ્તરે સ્વીકારવામાં આવી છે.”