24 February, 2020 06:00 PM IST |
28 ફેબ્રુઆરીથી સિનેમાઘરોમાં રીલીઝ થનારી વિરલ શાહ દિગ્દર્શિત ફિલ્મ 'ગોળકેરી' ફક્ત 24 દિવસમાં શુટ થઈ છે. પરંતુ આ સમય દરમિયાન ફિલ્મના કલાકારો માનસી પારેખ, મલ્હાર ઠાકર, વંદના પાઠક, સચિન ખેડેકર અને દિગ્દર્શક વિરલ શાહ વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ છે અને તેમની વચ્ચે આટલી સારી મિત્રતા થવાનું મુખ્ય કારણ છે 'FOOD'
મુંબઈની ફાસ્ટ લાઇફ સાથે ખભેથી ખભો મેળવીને દોડતી માનસી પારેખને આમદવાદની શાંતિ અને ત્યાનાં લોકોની સરળતા ગમે છે. તેનું કહેવું છે કે, અહીંના લોકો શાંતિપ્રિય છે. કોઈ જ કામની ઉતાવળ નથી હોતી છતા પણ બધુ જ કામ સ્ટ્રેસ-ફ્રી ચાલતુ હોય છે. સેટ પર લોકો 2-3 વાગે આવે ત્યારે પણ જમવાનું સાથે લાવતા હોય છે. મેં જોયું છે કે લોકોને સાચ્ચે જ એકબીજાની ચિંતા હોય છે અને મદદરૂપ પણ થાય છે. તેમજ વિનમ્ર પણ હોય છે. જ્યારે મુંબઈમાં લોકો પોતાની જ જીન્દગીમાં બહુ વ્યસ્ત હોય છે. કદાચ તેમને કોઈકની ચિંતા હશે તો પણ તેઓ દેખાડતા નથી. જો કોઈક કામ સમયસર ન થાય તો હું ટેન્શનમાં આવી જતી અને સ્ટ્રેસ લેતી તો ક્રૂના સભ્યો મારા પર હસતાં અને કહેતા કે ખોટો લોડ નહીં લેવાનો બધુ જ ટીમે પર થઈ જશે.
ફિલ્મના સેટ પર દરરોજ ઘરગથ્થું ગુજરાતી ભોજનનું ટિફિન આવતું. જેની બધા આતુરતાથી રાહ જોતાં, એમ સચિન ખેડેકરે કહ્યું હતું. ટિફિન સિવાય પણ સેટ પર નાસ્તો અને ખાવા-પીવાનું ચાલુ જ રહેતું. તેમાય મલ્હાર તો ખાવાનો બહુ જ શોખીન. સચિનની વાત સાથે વંદના પાઠક પણ સહમત થયા હતા.
આ પણ વાંચો : ગોળકેરીના આ ગીતને એક દિવસમાં મળ્યા 40 હજાર કરતાં વધારે વ્યૂઝ
શૂટિંગની એક યાદ તાજી કરતાં માનસીએ કહ્યું હતું કે, મલ્હાર ખાવાનો શોખીન છે એ મને પહેલેથી જ ખબર હતી પણ એને ખાવાનું બનાવતા પણ આવડે છે એ મને ત્યારે ખબર પડી જ્યારે એણે ખિચડી કઈ રીતે બને આ સમજાવ્યું. અમે ઇમોશનલ સીનનું શૂટિંગ કરી રહ્યા હતા અને બ્રેક દરમિયાન તેને ખિચડી ખાવાનું મન થયું અને તેણે ખિચડી કઈ રીતે બને તેનું ઉત્સાહથી વર્ણન કર્યું હતું.