ગુજરાતી ફિલ્મ ‘કમઠાણ’ શું કામ ચૂકવી ન જોઈએ?

27 August, 2023 11:38 AM IST  |  Mumbai | Bhavya Gandhi

કારણ કે એની સ્ટોરી જે નૉવેલ પર બેઝ્‍ડ છે એ નૉવેલ અશ્વિની ભટ્ટે લખી છે અને અશ્વિની ભટ્ટની નૉવેલ હોય એટલે તમારે એની સ્ટોરી, એના નરેશન અને એના લોકાઝ માટે વિચાર કરવાનો જ નહીં, એ સુપર્બ જ હોય

ભવ્ય ગાંધી

સંજય ગોરડિયાની હમણાં એક ફિલ્મ રિલીઝ થશે, નામ છે એનું ‘કમઠાણ’. ફિલ્મમાં તો સંજયસર સિવાય પણ ઘણા છે, પણ મારે વાત ‘કમઠાણ’ની જ કરવી છે. ફિલ્મ આવશે ત્યારે આપણે એ વિશે વધારે વાત કરીશું, પણ અત્યારે વાત કરીએ ‘કમઠાણ’ની. આ ફિલ્મની જે સ્ટોરી છે એ સ્ટોરી એટલે કે વાર્તા લખી છે આપણા ગુજરાતી ભાષાના બહુ પૉપ્યુલર એવા અશ્વિની ભટ્ટે. ઑનેસ્ટલી કહીશ કે મેં અશ્વિની ભટ્ટને બહુ વાંચ્યા નહોતા, પણ મારી મમ્મીના મોઢે મેં તેમની નૉવેલની બહુ વાતો સાંભળી અને એ પછી મને મન થયું કે હું એ બધી નૉવેલ વાંચું. શરૂઆતમાં મને એમ હતું કે હું ગુજરાતી નૉવેલ વાંચીશ તો મને મજા આવશે કે નહીં, મને ગમશે કે નહીં પણ સર, નૉવેલ વાંચવાની શરૂ કરી અને પછી જે રીતે હું એ નૉવેલમાં પકડાયો કે વાત જ ન પૂછો. નૉવેલ પૂરી ન થાય ત્યાં સુધી એ નૉવેલ મૂકવાનું મન જ ન થાય અને ધારો કે નૉવેલ પૂરી થઈ ગઈ હોય તો ત્યાર પછી તમને નૉવેલના વિચારો એટલા આવે કે તમારી ઊંઘ ઊડી જાય.
‘કમઠાણ’ ફિલ્મની મને ખબર પડી અને એ પછી મને જેવી ખબર પડી કે એ અશ્વિની ભટ્ટની નૉવેલ પર બેઝ્‍ડ છે કે મને તરત જ સુખદ અફસોસ થયો. સુખદ અફસોસ એટલા માટે કે મારે એ કામ કરવું હતું. મારે આપણા ગુજરાતી નૉવેલિસ્ટની સ્ટોરી પરથી પહેલી ફિલ્મ બનાવવી હતી અને એ કામ અભિષેક શાહે કર્યું. વાત આગળ વધારતાં પહેલાં એક વાત ક્લૅરિફાય કરી દઉં. સુખદ અફસોસની વાત કરી છે એટલે એમાં ક્યાંય મનમાં ઈર્ષ્યા નથી, પણ અફસોસ છે કે હું જે કરવા માગતો હતો એ કરવાની તક મારા હાથમાંથી ગઈ અને ખુશી એ વાતની છે કે એ કામ મારા જ એક ડિરેક્ટર-પ્રોડ્યુસર ભાઈએ કર્યું છે.

આપણી પાસે કેટલી બધી સરસ કહેવાય એવી નૉવેલ છે, કેટલા બધા સરસમજાના સાહિત્યકારોએ આપણને એકથી એક ચડિયાતી નૉવેલ આપી છે અને એ પછી પણ આપણે સ્ટોરી માટે હવાતિયાં મારતા ફરીએ છીએ અને એકબીજાની ચડસાચડસીમાં જ આપણે આગળ વધીએ છીએ. થોડા સમય પહેલાં મેં હરકિસન મહેતાની નૉવેલની ઇન્ક્વાયરી કરી હતી, પણ એ પછી મને ખબર પડી કે તેમની બધી નૉવેલના રાઇટ્સ ઑલરેડી વેચાઈ ગયા છે અને એમાંથી અમુક નૉવેલ પરથી વેબ-સિરીઝનું પ્લાનિંગ પણ શરૂ થઈ ગયું છે. હરકિસન મહેતાની મોટા ભાગની નૉવેલના રાઇટ્સ આપણા ગુજરાતી ડિરેક્ટર અને પ્રોડ્યુસર વિપુલ અમૃતલાલ શાહે લીધા છે. 

પૉપ્યુલર નૉવેલ લખવામાં અશ્વિની ભટ્ટ અને હરકિસન મહેતાની કમ્પેરિઝનમાં કોઈ ન આવે. એ બન્નેની કોઈ પણ નૉવેલ તમે ઊંચકીને વાંચવાનું શરૂ કરી દો, બેચાર પેજ વાંચશો ત્યાં જ તમને એ નૉવેલ એવી રીતે જકડી લેશે જાણે એમાં કોઈ અદ્ભુત જાદુ હોય. જાદુ છે જ એમાં, એના લખાણમાં જાદુ છે, એના નરેશનમાં જાદુ છે અને એના પ્રેઝન્ટેશનમાં જાદુ છે અને ખરું કહું તો આવી જ બીજી પણ કેટલીક બહુ સરસ કહેવાય એવી નૉવેલ આપણા ગુજરાતી લિટરેચર પાસે છે, જેને સ્ક્રીન પર આવવાનો પૂરો હક છે અને એ હક ત્યારે વધી જાય છે જ્યારે બહુ ફાલતુ કહેવાય એવા સબ્જેક્ટ્સ પર ફિલ્મ બનતી આપણે જોઈએ છીએ.

બંગાળી સિનેમા લિટરેચર બેઝ્‍ડ સિનેમા છે. ત્યાં નૉવેલ પરથી પુષ્કળ ફિલ્મો બની છે અને બને છે. હવે તો ત્યાં નૉવેલ પરથી વેબ-સિરીઝ પણ બનતી થઈ છે. બનતી એ ફિલ્મો અને વેબ-સિરીઝ સુપરહિટ થાય છે. મતલબ કે જે વાત વાંચવી ગમે છે એ વાત લોકોને જોવી ગમે જ છે, પણ જરૂર છે એક ચેન્જ લાવવાની. આપણે ત્યાં એ ચેન્જ લાવવાનું કામ અભિષેક શાહે કર્યું છે. અભિષેક શાહે અશ્વિનીસરની નૉવેલ ‘કમઠાણ’ પરથી ફિલ્મ બનાવી છે, જે આવતા એકાદ-બે મહિનામાં રિલીઝ થશે. મને તો ખાતરી છે કે ફિલ્મ બહુ ચાલશે, કારણ કે એ જેના પર આધારિત છે એ નૉવેલ લખનારા અશ્વિનીસર એક બેસ્ટ રાઇટર હતા અને કાયમ રહેશે.

જો તમે કોઈ નૉવેલ વાંચી હોય અને તમને એ વાંચતી વખતે એવું લાગ્યું હોય કે એના પરથી ફિલ્મ બનવી જોઈએ તો તમે નામ શૅર કરજો. શ્યૉરલી આપણે એના પર કશુંક વિચારીશું અને શક્ય બનશે તો નક્કર પગલાં લઈને આગળ વધીશું, કારણ કે જે વાંચવું ગમે એ દુનિયાને જોવું ગમે જ ગમે. 
એન્ટરટેઇનમેન્ટનો આ થમ્બ-રૂલ છે.

dhollywood news entertainment news gujarati film Bhavya Gandhi