05 November, 2023 10:42 AM IST | Mumbai | Bhavya Gandhi
ભવ્ય ગાંધી
વાત આગળ વધારતાં પહેલાં કહી દઉં કે તમે ક્વૉલિટીથી માંડીને મેકિંગ અને પ્રોડક્શન વૅલ્યુ કમ્પેર કરી નથી શકવાના. હિન્દી ફિલ્મ પાસે ૧૦૦ કરોડનું બજેટ હવે કોઈ મોટી વાત નથી અને એની સામે જો કોઈ પાંચ કરોડની ગુજરાતી ફિલ્મ બનાવે તો ઓહોહોહો થઈ જાય. બીજું કૅલ્ક્યુલેશન પણ જોઈ લો. હિન્દી ફિલ્મને ઑલમોસ્ટ ૧૦૦ કરોડથી વધારે ઑડિયન્સ મળે છે, તો વર્લ્ડવાઇડ ગણીએ તો એની પાસે દોઢસો કરોડથી પણ વધારે મોટી ઑડિયન્સ છે. આ ઑડિયન્સ કૅલ્ક્યુલેશનમાં ક્યાંય સાઉથ ભારતની ઑડિયન્સને કાઉન્ટ નથી કરી એ સહેજ તમારી જાણ ખાતર.
આની સામે તમે ગુજરાતી ફિલ્મની ગણતરી કરો એટલે એ સાત કરોડ પર વાત અટકી જાય. ક્યાં સો કરોડ અને ક્યાં પાંચ કરોડ. ક્યાં દોઢસો કરોડ અને ક્યાં સાત કરોડ? કોઈ અભણને પણ સમજાઈ જાય એવી વાત છે એવા સમયે આ જ વાત ટિકિટના રેટમાં કેમ લાગુ ન પડી શકે? કેમ એ દિશામાં કોઈ વિચારી ન શકે?
એક સમયે સિંગલ સ્ક્રીન હતાં પણ હવે રહ્યાં નથી એટલે મલ્ટિપ્લેક્સ સિવાય કોઈ ઑપ્શન નથી અને મલ્ટિપ્લેક્સમાં ટિકિટના રેટ એવા હોય છે કે ગુજરાતી ફિલ્મ જોવા જવું ખરેખર પોસાઈ નહીં. આ યોગ્ય નથી. ગુજરાતી ફિલ્મ છે, રીજનલ ઑડિયન્સ છે, જે ખરેખર લિમિટેડ છે ત્યારે તમે એની ટિકિટના રેટ હિન્દી અને ઇંગ્લિશ ફિલ્મની સાથે રાખો તો નૅચરલી ફિલ્મને એનો સીધો માર પડવાનો છે. મહેનત કરીને, કરોડના ઇન્વેસ્ટમેન્ટ સાથે ફિલ્મ બનાવવામાં આવી હોય, ફિલ્મ ખરેખર સરસ બની હોય, જેણે જોઈ હોય તે સરસ રિસ્પૉન્સ આપતા હોય એ પછી માત્ર ટિકિટના રેટને લીધે ફિલ્મને ઑડિયન્સ ન મળે તો એ ગેરવાજબી છે.
સાઉથમાં જઈને તમે જુઓ તો તમને સમજાશે કે એ ઇન્ડસ્ટ્રીને ટકાવી રાખવા અને છે એનાથી પણ વધારે સ્ટ્રૉન્ગ બનાવવાનું કામ ત્યાંની ગવર્નમેન્ટ સુધ્ધાં કરે છે. રીજનલ ફિલ્મને શો આપવાનું અને એ શો પ્રાઇમ ટાઇમમાં આપવાનું ત્યાં કમ્પલ્સરી છે. આ ઉપરાંત ત્યાં રીજનલ ફિલ્મની ટિકિટના રેટ પણ રીઝનેબલ છે. પંચોતેર અને સો રૂપિયામાં રીજનલ ફિલ્મની ટિકિટ વેચવાની એવો ત્યાંનો નિયમ છે એને કારણે ઑડિયન્સ પણ સરળતા સાથે પોતાની ફિલ્મ જોવા જાય છે.
પ્રાઇમ ટાઇમનું કમ્પલ્શન અને રિઝનેબલ રેટ. આ કૉમ્બોને લીધે ઑડિયન્સ ઊભી થશે તો આપોઆપ પ્રોડ્યુસરમાં પણ નવું જોર આવશે. નવા સબ્જેક્ટ પર ફિલ્મ બનશે અને સાથોસાથ નવા પ્રોડ્યુસર પણ સામે આવશે. જેનો સીધો ફાયદો ઇન્ડસ્ટ્રીને થશે અને ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે તો એનો સીધો બેનિફિટ ગુજરાત ગવર્નમેન્ટ અને એની સાથે સંલગ્ન હોય એવા બીજા ડિપાર્ટમેન્ટને પણ થશે.
આજે જે પ્રકારના ટિકિટના રેટ છે એ હિન્દી ફિલ્મોને પણ નડે છે. તમે જોયું હશે કે ‘પઠાન’ ફિલ્મ રિલીઝ થઈ એ સમયે વાત આવી હતી કે ટિકિટના રેટ ઑડિયન્સ લાવવામાં નડતર બને છે. જો સાડાચારસો કરોડના ખર્ચે બનેલી ફિલ્મને પણ રિલીઝ સમયે ટિકિટના રેટનો ડર લાગતો હોય તો તમે વિચાર કરો કે એ બજેટમાં તો આપણી ગુજરાતી ૨૦૦ ફિલ્મ બની જાય! એમ છતાં તે એ જ ટિકિટના ભાવ સામે લડત આપે જે આવી જાયન્ટ બજેટની ફિલ્મ આપતી હોય. ખરેખર આ બાબતમાં ગુજરાત સરકારે વિચારવું જોઈએ. હું તો કહીશ કે મહારાષ્ટ્ર સરકારે પણ એના વિશે વિચારવું જોઈએ. કારણ કે ગુજરાતીઓ જે રીતે મહારાષ્ટ્ર માટે અગત્યની કમ્યુનિટી છે અને એ વાત બીજેપી સૌથી સારી રીતે જાણે છે. બીજેપી માટે ગુજરાત ગુમાવવું પોસાય એમ નથી એવી જ રીતે મહારાષ્ટ્ર કે મુંબઈ માટે પણ ગુજરાતીઓ નારાજ થાય એ પોસાય એમ નથી તો પછી જે ગુજરાતી તમારા આટલા મોટા ટૅક્સ-પેયર છે તેમને ગમતા મનોરંજન માટે તમે શું કામ સજાગ થઈને જરૂરી સ્ટેપ ન લઈ શકો?
જો મહારાષ્ટ્રમાં મરાઠી ફિલ્મોની સાથોસાથ ગુજરાતી ફિલ્મોને સ્થાન આપવામાં આવશે તો એ મહારાષ્ટ્રમાં રહેલા ગુજરાતીઓ ખરેખર ગવર્નમેન્ટની આભારી રહેશે, પણ એને માટે, ઍટ લીસ્ટ ઇન્ડસ્ટ્રી માટે વિચારવું પડશે. યાદ રહે કે આખી દુનિયામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી એકમાત્ર એવી ઇન્ડસ્ટ્રી છે જે સતત કમ્યુનલી હાર્મની દર્શાવતી રહે છે. આ ઇન્ડસ્ટ્રીમાં તમામ પ્રાંતના, તમામ કમ્યુનિટીના લોકો સાથે મળીને પૂરેપૂરી હાર્મની સાથે કામ કરે છે. એ જ ઇન્ડસ્ટ્રીએ સર્વાઇવ થવા માટે રિક્વેસ્ટ કરવી પડે એ ખરેખર તો દુઃખની વાત કહેવાય, પણ હશે, વાત ધ્યાન બહાર રહી ગઈ હશે એવું ધારીને ફરીથી એ જ કહેવાનું, રીજનલ ફિલ્મો માટે ટિકિટના રેટને રિઝનેબલ કરવા વિશે કોઈ એવો નિયમ બનવો જોઈએ જેથી ગ્રો થતી ઇન્ડસ્ટ્રીને નવું જોમ મળે.