23 November, 2022 05:10 PM IST | Mumbai | Rachana Joshi
આરોહી પટેલ પિતા સંદીપ પટેલ સાથે (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)
અર્બન ગુજરાતી ફિલ્મોના રૉમેન્સના બાદશાહ એટલે કે ફિલ્મમેકર સંદીપ પટેલ (Saandeep Patel)નો આજે જન્મદિવસ છે. ફિલ્મમેકરના જન્મદિવસે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે તેમની દીકરી અને અભિનેત્રી આરોહી પટેલ (Aarohi Patel) સાથે વાતચીત કરી છે જેમાં તેમણે સ્પેશ્યલ બર્થ-ડે મેસેજ આપ્યો છે. ચાલો જાણીએ શું કહે છે અભિનેત્રી આરોહી પટેલ પપ્પા સંદીપ પટેલના બર્થ-ડે પર…
આરોહી પટેલ કહે છે કે, ‘ભલે મારા પપ્પા આજે ઉંમરમાં એક વર્ષ મોટા થયા હોય પણ ખરેખર તો તેઓ એક નાના બાળક જેવા છે. મને આ જ સ્વભાવ તેમનો બહુ ગમે છે. બાળક જેવો તેમનો સ્વભાવ કોઈને પણ વ્હાલો લાગી જાય. પપ્પા વ્યક્તિ એકદમ ઇનોસન્ટ અને ફિલ્લમેકર એકદમ પૅશનેટ છે. બસ તેવો હંમેશા આવા જ રહે એવી ઇચ્છા છે મારી. પૉઝિટિવિટી કિંગ મારા પપ્પાને બર્થ-ડેની બેસ્ટ વિશિઝ.’
જ્યારે આરોહીને પૂછવામાં આવ્યું કે એવી કોઈ વાત જે તમે તમારા પપ્પાને કહેવા માંગતા હોવ પણ ક્યારેય ન કહી હોય. ત્યારે અભિનેત્રી કહે છે કે, ‘હું અને મારા પપ્પા બેસ્ટ ફ્રેન્ડઝ છીએ. અમે બધી વાતો શૅર કરીએ છીએ. મારા મનમાં જે હોય એ હું હંમેશા તેમને કહી જ દઉં છું. હા, પણ એક વાત છે જે એમને ખબર જ નથી. સંદીપ પટેલ બેસ્ટ, બ્રિલિયન્ટ અને જીનિયસ ફિલ્મમેકર છે. પણ આ વાત તેઓ પોતે ક્યારેય સ્વીકારતા નથી. તેઓ હંમેશા પોતાને અન્ડર એસ્ટિમેટ અને અન્ડર વેલ્યૂ જ કરે છે. પોતાની ટેલેન્ટને તેઓ હંમેશા ઓછી આંકે છે. તો મારે તેમને એમ કહેવું છે, Pappa You are Best filmmaker but you don’t know that. (પપ્પા તમે બેસ્ટ ફિલ્મમેકર છો પણ તમને એ ખબર જ નથી)’
આજે સંદીપ પટેલ તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઓમ્ મંગલમ્ સિંગલમ્’ના પ્રમોશનમાં જ તેમનો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. નોંધનીય છે કે, સંદીપ પટેલ, દીકરી આરોહી અને તેમની પત્ની આરતી વ્યાસ બધાનો જન્મદિવસ નવેમ્બર મહિનામાં જ છે અને ત્રણેયે આ વર્ષે જન્મદિવસ ફિલ્મના પ્રમોશનમાં કે ટ્રાવેલ કરીને જ સેલિબ્રેટ કર્યો.
ફિલ્મમેકર સંદીપ પટેલે તેમનું જીવન ફિલ્મ નિર્માણની કળા માટે સમર્પિત કર્યું છે. તેમણે અત્યાર સુધી અનેક ટીવી સિરીઝ, ફીચર ફિલ્મો, એડ ફિલ્મો, મ્યુઝિક વિડીયો, શોર્ટ ફિલ્મો, ડોક્યુમેન્ટ્રી, શૈક્ષણિક કાર્યક્રમો અને વેબ સીરીઝનું નિર્દેશન કર્યું છે. વર્ષ ૧૯૮૯માં તેમણે પત્ની આરતી વ્યાસ સાથે મળીને ‘અક્ષર કમ્યુનિકેશન’ની સ્થાપના કરી છે. તેમણે દિગ્દર્શક તરીકે ઢોલિવૂડને ‘લવની ભવાઈ’ અને ‘ઓમ્ મંગલમ્ સિંગલમ્’ જેવી ઉત્કૃષ્ટ ફિલ્મો આપી છે.