Aagantuk Review: સસલું, કાચિંડો અને ગરુડની કથામાં એક્ટિંગનો બૂસ્ટર શૉટ

16 February, 2023 09:12 PM IST  |  Mumbai | Shilpa Bhanushali

સાપુતારાના સુંદર દ્રશ્યો અને લૉન્ગ ડ્રાઈવ - સસલું, કાચિંડો અને ગરુડ કઈ રીતે થયા ભેગા તે ઘટનાક્રમની કથા એટલે આગંતુક

આગંતુકનું પોસ્ટર

ફિલ્મ : આગંતુક

કાસ્ટ : ઉત્સવ નાઇક, હિતેન કુમાર, નેત્રી ત્રિવેદી, સોનાલી લેલે દેસાઈ, શ્રિયા તિવારી, રિષી વ્યાસ

લેખક : નૈતિક રાવલ

ડિરેક્ટર :  નૈતિક રાવલ

રેટિંગ : 1.5/5

પ્લસ પોઈન્ટ : એક્ટિંગ, કાસ્ટ, અને મ્યૂઝિક, દ્રશ્યો

માઈનસ પૉઈન્ટ : સ્ક્રિપ્ટ, ડિરેક્શન, લંબાઈ, વાર્તા, એડિટિંગ

ફિલ્મની વાર્તા : સસલું, કાચિંડો અને ગરુડની આ કથા કઈ રીતે જોડાય છે, અને ફિલ્મમાં કોણે, કયું પાત્ર ભજવ્યું છે તે તો સમજાઈ જ જાય છે પણ ફિલ્મની વાર્તા કુલ 4 પ્રકરણમાં રજૂ થઈ છે જેમાં ત્રણ પ્રકરણ મુખ્ય પાત્રો એટલે કે નેત્રી, હિતેન કુમાર અને ઉત્સવના છે અને ચોથું પ્રકરણ આ ફિલ્મનું મૂળ કારણ દર્શાવે છે. શરૂઆતમાં દાનિશ, મનસ્વીને કૉફી ટેબલ પર પોતાની મિત્ર પર ગુસ્સે થતી જુએ છે, તેને કારમાં લિફ્ટ માટે પૂછે છે, મનસ્વી (નેત્રી ત્રિવેદી) લિફ્ટ માટે આનાકાની કરતાં અંતે માની જાય છે, ત્યાર બાદ કટ ટુ શુક્લાજી (હિતેનકુમાર)ને દાનિશ (ઉત્સવ નાઇક) લિફ્ટ આપે છે અને તેમની સફર શરૂ થાય છે. હવે એકાએક ગાડીની ડિકીમાંથી અવાજ આવે છે અને આગળ શું થાય છે તે તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે કે કોણ છે સસલું, કોણ છે કાચિંડો અને કોણ છે ગરુડ. અહીં કોણે કોનો શિકાર કર્યો છે અને કોણ શિકાર બને છે તે ફિલ્મના અંતે ચોક્કસ જોવા મળશે. 

પરફૉર્મન્સ : હિતેન કુમાર, ઉત્સવ નાઇક અને નેત્રી ત્રિવેદી તરીકે પોતાના પાત્રને ખૂબ જ સુંદર રીતે ભજવે છે પણ નબળી સ્ક્રિપ્ટ એક્ટિંગને વધારે તિક્ષ્ણ બનાવતી અટકાવે છે. હિતેન કુમાર અને ઉત્સવને પોતાની અભિનય કળા દર્શાવવાની ખૂબ જ સુંદર તક મળી છે જ્યારે નેત્રી ત્રિવેદી, સોનાલી દેસાઈ, શ્રિયા તિવારી અને ઋષિ વ્યાસને સ્ક્રીન પર પૂરતો સમય તેમજ પૂરતું અટેન્શન મળ્યું નથી તેમ છતાં તેમનો અભિનય નોંધપાત્ર તો ખરો જ.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન : ફિલ્મનું રાઈટિંગ અને ડિરેક્શન નૈતિક રાવલે કર્યું છે. આ તેમની ચોથી ફિલ્મ છે. આ ફિલ્મનો વિષય વસ્તુ થોડોક નબળો હોવાથી ડિરેક્શનમાં પણ એ ખામી જોવા મળે છે. ફિલ્મની વાર્તા જ્યારે નબળી હોય ત્યારે ફિલ્મને અસરકારક રીતે રજૂ કરવા માટે ડિરેક્શન પર ખૂબ જ વધારે મહેનત કરવી પડે છે જેને માટે નૈતિક રાવલે પુષ્કળ પ્રયત્નો કર્યા છે. ફિલ્મના મોટા ભાગના દ્રશ્યો કારની અંદરના છે દાનિશના પાત્રને ખૂબ જ સરસ રીતે ખીલવાની તક મળી છે પરંતુ ઘટનાઓ વચ્ચેનું જોડાણ શું તે સમજવું થોડુંક મુશ્કેલ બને છે. 

કાચિંડાનો રંગ બદલવાનો સ્વભાવ, સસલાંની ચંચળતા અને ભોળપણ અને ગરુડની ચતુરાઇ બતાવવાનો ડિરેક્ટર તરીકે નૈતિક રાવલનો પ્રયત્ન સરાહનીય છે પણ ફિલ્માંકનની દ્રષ્ટિએ આ વાતને રજૂ કરવામાં કચાશ અનુભવાઈ છે. ફિલ્મની લંબાઈ દર્શકોને થોડી નિરાશા તરફ લઈ જઈ શકે છે. ફિલ્મના અંતે દાનિશનું પાત્ર આવું કેમ છે તેની પાછળનું કારણ તો સમજાય છે પાત્ર આવું વર્તન કરતું થયું તે બતાવવાની પણ જરૂર વર્તાય છે. જો કે, એક દાનિશના પાત્રની આવી માનસિકતા રજૂ કરવાની જે રીત છે તે ખરેખર વખાણવા યોગ્ય તો છે જ. 

ફિલ્મનો ફર્સ્ટ હાફ ખૂબ જ ધીમો છે, શું થઈ રહ્યું છે તે જ નથી સમજાતું, જેના પછી સેકેન્ડ હાફમાં જ જાણે આખી ફિલ્મ રજૂ થઈ છે તેથી જો તમે ફિલ્મ જોવાનું નક્કી કરો છો તો પહેલા ભાગને જોઈને ફિલ્મને જજ કરવું ખોટું ગણાશે અને ફિલ્મનો સેકેન્ડ હાફ મિસ કરવા જેવો નથી એ તો ચોક્કસ કહી શકાય.

મ્યૂઝિક : ફિલ્મમાં એક્ટિંગ સિવાય જો કંઈક સારું હોય એ કહેવું હોય તો બૅકગ્રાઉન્ડ મ્યૂઝિક ઘણી જગ્યાએ ખૂબ જ સુંદર રીતે વપરાયું છે. ફિલ્મના અંતે આગંતુકનું જે ટાઈટલ ગીત છે તે પણ ખૂબ જ સારું છે પણ પ્રેઝેન્ટેશન ફરી એકવાર એવું કહી જાય છે કે ગીત સરસ છે પણ આની જરૂર શું છે અહીં? આ ગીત તમે ફિલ્મમાંથી બહાર નીકળ્યા બાદ ગણગણતા તો ચોક્કસ થઈ જ જશો.

આ પણ વાંચો : Vash Review: અનપ્રેડિક્ટેબલ અંત સાથે, સસ્પેન્સ થ્રિલરનો આનંદ આપતી ફિલ્મ 

ફિલ્મ જોવી કે નહીં?
અજાણી વ્યક્તિ સાથે ખૂબ જ સરળતાથી ભળી જવું કેટલું ઘાતક બની શકે છે તે સમજવું હોય તો આ ફિલ્મ જોઈ શકાય.

dhollywood news entertainment news film review movie review gujarati film shilpa bhanushali