18 January, 2024 01:51 PM IST | Mumbai | Nirali Kalani
રૌનક કામદાર અને શ્રદ્ધા ડાંગર
Kasoombo: ગુજરાતી સિનેમામાં વર્ષ 2024ની શરૂઆત "ડેની જીગર" ફિલ્મ સાથે થઈ છે. એના પછી "ઈટ્ટા કિટ્ટા", "મારા પપ્પા સુપરહીરો", "કસુંબો", "કમઠાણ" અને "નાસુર" જેવી ફિલ્મ્સ એક પછી એક લાઈનમાં જ છે. આ તમામ ફિલ્મ્સ હાલમાં ચર્ચામાં છે. બધી ફિલ્મોના વિષયમાં વિવિધતા જોવા મળે છે. પરંતુ આ તમામ ફિલ્મમાંથી અત્યારે આપણે વાત કરીશું કસુંબો ફિલ્મની. `કસુંબો` એ એક ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ છે. રોનક કામદાર, ધર્મેન્દ્ર ગોહિલ, મોનલ ગજ્જર, શ્રદ્ધા ડાંગર સહિતની જબરદસ્ત બહોળી સ્ટાર કાસ્ટ સાથે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના જાણીતા નિર્દેશક વિજયગીરી બાવા આ ફિલ્મને લઈને આવી રહ્યાં છે.
વર્ષ 2024માં વિવિધ જૉનરની અનેક ફિલ્મો પડદા પર રજૂ થવાની છે. જેમાંની એક વિજયગીરી ફિલ્મોસની `કસુંબો` ફિલ્મ છે. વીર શૌર્યની ગાથા દર્શાવતી આ ઐતિહાસિક ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. બહોળા કલાકારો અભિનિત આ ફિલ્મ ફેબ્રુઆરીમાં રિલીઝ થવાની છે. એ જ સમયની આસપાસ ઈટ્ટા કિટ્ટા અને મારા પપ્પા સુપરહીરો પણ રિલીઝ થવાની છે. જોકે, આ બંને ફિલ્મ્સ જાન્યુઆરીમાં રિલીઝ થશે જ્યારે કસુંબો ફેબ્રુઆરીમાં થિયેટરમાં રજૂ થશે. ઈટ્ટા કિટ્ટામાં અભિનેતા રોનક કામદાર અને અભિનેત્રી માનસી પારેખ છે, જ્યારે મારા પપ્પા સુપરહીરોમાં શ્રદ્ધા ડાંગર છે. સૌથી મહત્વની વાત એ કે રોનક કામદાર અને શ્રદ્ધા ડાંગર બંને કસુંબો ફિલ્મમાં પણ છે.
`કસુંબો` રિલીઝ થાય એ પહેલા રોનક અને શ્રદ્ધાની અલગ અલગ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. એવી સ્થિતિમાં ચાહકોને આ કલાકારોના અલગ અલગ અંદાજ જોવા મળે છે. રોનક કામદાર ઈટ્ટા કિટ્ટામાં ફેમિલ મેનના પાત્રમાં જોવા મળશે. જ્યારે કસુંબોમાં તેનો આ પાત્રથી વિપરિત અંદાજ અને રુતબો દેખાશે. એવી જ રીતે શ્રદ્ધા ડાંગર પણ મારા પપ્પા સુપરહિરો ફિલ્મ કરતાં અલગ અવતારમાં જોવા મળશે. આમ, દર્શકોને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં અનોખી વાર્તા સાથે કેટલીક નવીનતમ ફિલ્મ તો જોવા મળશે જ, સાથે સાથે તેના પસંદીદા કલાકાર રોનક કામદાર અને શ્રદ્ધા ડાંગર પણ કેટલાક નવાં રૂપ અભિનય થકી માણવાં મળશે.
`ઈટ્ટા કીટ્ટા` અને `મારા પપ્પા સુપરહીરો` બંને ફિલ્મ એક જ દિવસે 19 જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ રહી છે, તો ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ "કસુંબો" 16 ફેબ્રુઆરીના રોજ પડદા પર રજૂ થશે.
જો ફિલ્મ વિશે વધુ વાત કરીએ તો, ફિલ્મના શૂટિંગ માટે અમદાવાદમાં 16 વીઘાંના ખેતરમાં સેટ ઊભો કરવામાં આવ્યો હતો. કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા આ સેટમાં પાટણની ગલીઓથી માંડીને, રાજમહેલ, શેત્રુંજી નદી અને આદિપુર ગામ આબેહૂબ ઊભા કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત ફિલ્મનું ટાઇટલ રિલીઝ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સંત, શુરા અને શૌર્યભર્યો સુવર્ણ ઈતિહાસ ધરાવતી ભૂમિ શેંત્રુજયની તળેટીમાંથી ફિલ્મના કલાકાર અને કસબીઓની હાજરીમાં ફિલ્મનું ટાઈટલ રિલીઝ કરવામાં આવ્યું હતું.