13 January, 2025 08:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહવશ અને તેમના મિત્રો સાથે રિલૅક્સ થઈને મજા માણતો યુઝવેન્દ્ર ચહલ
ધનશ્રી વર્મા સાથેના સેપરેશનની અફવા વચ્ચે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની લેટેસ્ટ તસવીરે તે રેડિયો-જૉકી (RJ) મહવશને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા શરૂ કરી દીધી છે. તાજેતરમાં ચહલનો એક ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો જેમાં તે મહવશ અને તેમના મિત્રો સાથે રિલૅક્સ થઈને મજા માણતો જોવા મળ્યો હતો. મહવશે તેના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર ફોટો શૅર કર્યો હતો, પરંતુ કમેન્ટ સેક્શન ડિસેબલ કરી નાખ્યું હતું. આ પોસ્ટની કૅપ્શનમાં મહવશે યુઝવેન્દ્રને પરિવાર ગણાવ્યો હતો. એ પોસ્ટ પછી યુઝવેન્દ્ર મહવશને ડેટ કરી રહ્યો હોવાની ચકચાર જાગી છે. જોકે એ વાત અલગ છે કે મહવશે ઇન્સ્ટાસ્ટોરી પર પોસ્ટ કરીને આ વાતને રદિયો આપ્યો છે અને આડકતરી રીતે આ ખોટા સમાચાર પાછળ કોઈ પીઆર-ટીમ હોવાનો આક્ષેપ કર્યો છે.
મહવશ એક પ્રખ્યાત RJ છે અને તે ફૅશન, ટ્રાવેલ અને ફિટનેસ પર વિડિયો બનાવવા માટે જાણીતી છે. તેની પ્રૅન્ક રીલ્સ અવારનવાર સોશ્યલ મીડિયા પર વાઇરલ થાય છે. મહવશ તેના આકર્ષક અવાજ અને રેડિયો પર લાઇવ પ્રેઝન્સ માટે પણ જાણીતી છે. તેણે વિવિધ રેડિયો-સ્ટેશનો પર શો હોસ્ટ કરવા માટે ઓળખ મેળવી છે અને પોતાની સ્કિલથી દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે.
તેના ઇન્સ્ટાગ્રામ પર ૧.૪ મિલ્યનથી વધુ ફૉલોઅર્સ છે અને તેની સત્તાવાર યુટ્યુબ ચૅનલ પર ૭૮૭ હજારથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. મહવશે પ્રોડક્શનમાં પણ હાથ અજમાવ્યો છે. જાન્યુઆરી ૨૦૨૪માં તેણે ખુલાસો કર્યો હતો કે મેં નવાઝુદ્દીન સિદ્દીકીની ‘સેક્શન 108’નું નિર્માણ કર્યું છે. એ ઉપરાંત તેણે જાહેરાત કરી હતી કે તેને ઍમૅઝૉન મિની સિરીઝમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે પસંદ કરવામાં આવી છે. જોકે એ શોની વિગતો હજી જાહેર કરવામાં નથી આવી.