06 March, 2023 05:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યામી ગૌતમ
યામી ગૌતમ ધર તમારું કામ જ તમારું બેસ્ટ પીઆર છે. આ વાત તેણે એટલા માટે કહી છે કે તાજેતરમાં સોશ્યલ મીડિયામાં તેને કોઈએ સલાહ આપી હતી કે તારા કામને પ્રમોટ કરવા માટે સારી પીઆર એજન્સી હાયર કર. યામીએ ‘વિકી ડોનર’, ‘ બદલાપુર’, ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’, ‘અ થર્સ ડે’ અને ‘દસવીં’માં કામ કર્યું છે. ટ્વિટર પર એક યુઝરે ટ્વીટ કર્યું કે ‘યામી ગૌતમ તારે સારી પીઆર એજન્સી હાયર કરવી જોઈએ. એનાથી તારી કરીઅર નિખરી જશે.’
એથી એ યુઝરને જવાબ આપતાં યામીએ ટ્વીટ કર્યું કે ‘હું પીઆરની ભારે ઍક્ટિવિટીઝ, સમીક્ષાઓ, પ્રવૃત્તિઓ, ધારણાઓ અને એની ઇમેજની તાકાતને જોઈ શકું છું જેના પર કલાકાર વિશ્વાસ કરે છે. હું કોઈને જજ નથી કરતી. જોકે મારો દૃઢ વિશ્વાસ છે કે તમારું કામ જ તમારો બેસ્ટ પીઆર છે. એ એક લાંબો માર્ગ છે, પરંતુ એ તમને યોગ્ય માર્ગે લઈ જાય છે.’