સાઉથ-હિન્દી અને ઍક્શનનો દબદબો

31 December, 2023 07:06 AM IST  |  Mumbai | Harsh Desai

આ વર્ષે બે ઇન્ડસ્ટ્રીએ સાથે મળીને જે ફિલ્મો બનાવી છે એ બૉક્સ-ઑફિસ પર ખૂબ હિટ રહી છે અને દર્શકો પણ એજ્યુકેશન કરતાં ઍક્શનના એન્ટરટેઇનમેન્ટને વધુ પ્રિફર કરી રહ્યા છે : સેન્સર બોર્ડની કન્ટ્રોવર્સી ચર્ચામાં રહી હતી અને ‘આદિપુરુષ’નાં વિઝ્‍‍યુઅલ્સને પણ..

સાઉથ-હિન્દી અને ઍક્શનનો દબદબો


આજનો દિવસ વર્ષનો છેલ્લો દિવસ છે, પરંતુ આ વર્ષ હજી પૂરું નથી થયું. આ વર્ષે બૉલીવુડમાં ઘણી ઘટના બની છે જેને કારણે એ સતત ચર્ચામાં રહ્યું છે. ઐશ્વર્યા રાય બચ્ચને થોડા સમય પહેલાં જયા બચ્ચનનો ફોટો ક્રૉપ કરીને સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હોય કે તે અમિતાભ બચ્ચનનું ઘર છોડીને અન્ય જગ્યાએ રહેવા જતી રહીથી લઈને અનન્યા પાન્ડે અને આદિત્ય રૉય કપૂરની રિલેશનશિપથી લઈને બૉક્સ-ઑફિસ અને ફિલ્મોની ટક્કર દરેક વસ્તુ ખૂબ ચર્ચામાં રહી છે. જોકે આ વર્ષે કેટલાક ન્યુઝ એવા પણ આવ્યા છે જે આ વર્ષની હાઇલાઇટ બની ગયા છે.
હમ સાથ સાથ હૈં

છેલ્લા કેટલાક સમયથી હિન્દી ભાષાને લઈને ભારતમાં ઘણો વિવાદ થયો હતો. આ વિવાદ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વચ્ચે થઈ રહ્યો હતો. જોકે એ વિવાદ ઘણા સમય સુધી નહોતો ટક્યો અને તરત જ બન્ને ઇન્ડસ્ટ્રીએ સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું છે. આ કેસમાં સલમાન ખાનનો પણ સમાવેશ છે. તેણે ગયા વર્ષે ચિરંજીવીની ‘ગૉડફાધર’માં મહેમાન ભૂમિકા ભજવી હતી, તો તેની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં રામ ચરણે એક સૉન્ગમાં ડાન્સ કર્યો હતો. આ ફિલ્મમાં વેન્કટેશ અને પૂજા હેગડે પણ જોવા મળી હતી, એટલું જ નહીં, સલમાને એ ફિલ્મમાં પંજાબી સિંગર-ઍક્ટર જસ્સી ગિલને પણ લીધો હતો. સલમાને ક્રૉસ કલ્ચર કામ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ તેની ફિલ્મ ફ્લૉપ ગઈ હતી. સાઉથ-હિન્દી ફિલ્મે સાથે મળીને કામ કર્યું હોય અને એનું રિઝલ્ટ ખૂબ સારું આવ્યું હોય તો એ ફિલ્મો છે ‘જવાન’ અને ‘ઍનિમલ’. ‘જવાન’એ બૉક્સ-ઑફિસ પર તમામ રેકૉર્ડ તોડ્યા હતા. ઍટલી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં નયનતારા અને પ્રિયમણિએ પણ કામ કર્યું હતું અને ફિલ્મે ખૂબ સારો બિઝનેસ કર્યો હતો. આ સાથે જ પહેલી ડિસેમ્બરે રિલીઝ થયેલી સંદીપ રેડ્ડી વાન્ગાની ‘ઍનિમલ’માં રણબીર કપૂરે કામ કર્યું હતું. આ ફિલ્મે પણ ખૂબ સારો બિઝનેસ કર્યો છે અને એનું હિન્દી વર્ઝન ૫૦૦ કરોડની ક્લબમાં એન્ટર થવામાં ફક્ત ૧૦ કરોડ પાછળ છે. જોકે દરેક ભાષાનો બિઝનેસ મળીને આ ફિલ્મે ખૂબ સારો બિઝનેસ કર્યો છે અને દુનિયાભરમાં એની ખૂબ વાહવાહી થઈ રહી છે. આ ફિલ્મને ભલે કેટલાક લોકોએ ટૉક્સિક અથવા મિસોજોનિસ્ટ અથવા તો કંઈ પણ કહ્યું હોય, પરંતુ દર્શકોએ એને પસંદ જરૂર કરી છે. સાઉથ અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે મળીને કામ કરે તો શું પરિણામ લાવી શકે છે એને માટે આ બે ફિલ્મો ઉત્તમ ઉદાહરણ છે.

સેન્સરની કાતર
આ વર્ષે બૉલીવુડમાં સેન્સર બોર્ડ ખૂબ ચર્ચામાં રહ્યું છે. ફિલ્મને સેન્સર કરવાને કારણે હોય કે પબ્લિક પ્રેશરને કારણે હોય, પણ આ સરકારી બૉડી ખૂબ ચર્ચામાં રહી છે. સેન્સર બોર્ડ શાહરુખ ખાનની ‘પઠાન’ને લઈને ખૂબ ચર્ચામાં હતું. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણે ભગવા રંગની બિકિની પહેરી હોવાથી એને માટે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. દીપિકાની બિકિની નૅશનલ ઇશ્યુ બની ગઈ હતી. આ દૃશ્યને ફિલ્મમાંથી કાઢી નાખવા અને ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ ન આપવા વગેરે જેવી બાબતો ચર્ચાનો ઇશ્યુ બની હતી. પૉલિટિશ્યનો આ વિશે ડિબેટ કરતા જોવા મળ્યા હતા. જોકે બિકિની બાદ સીધા ભગવાન ચર્ચાનો વિષય બન્યા હતા. અક્ષયકુમારની ‘ઓહ માય ગૉડ 2’ને સેન્સર સર્ટિફિકેટ આપવામાં નહોતું આવી રહ્યું. આ ફિલ્મને સેક્સ એજ્યુકેશન પર બનાવવામાં આવી હતી. ફિલ્મમાં અશ્લીલ દૃશ્યો છે એવું કહેવામાં આવી રહ્યું હતું તેમ જ સ્કૂલમાં એક છોકરાનો વિડિયો વાઇરલ થયો હોય છે એને પણ કટ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ઘણા ડાયલૉગ અને દૃશ્યોને મૉડિફાય કરવામાં આવ્યાં હતાં. આ કન્ટ્રોવર્સીને કારણે ફિલ્મને સર્ટિફિકેટ ઘણું મોડું આપવામાં આવ્યું હતું. 

તામિલ સુપરસ્ટાર વિશાલે સેન્સર બોર્ડ પર આરોપ મૂક્યો હતો કે તેની ‘માર્ક ઍન્થની’ના હિન્દી ડબ વર્ઝનને સર્ટિફિકેટ આપવા માટે તેની પાસે ૬.૫ લાખ રૂપિયા માગવામાં આવ્યા હતા. એ માટે વિશાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આની તપાસ કરવા માટે વિનંતી કરી હતી. ત્યાર બાદ ઇન્ફર્મેશન અને બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટર અનુરાગ ઠાકુરે તપાસનો આદેશ આપ્યો હતો અને એની તપાસ હવે સીબીઆઇ કરી રહી છે.

‘ઍનિમલ’ને લઈને પણ સેન્સર બોર્ડમાં ઘણી ઊથલપાથલ થઈ હોવાની વાતો બહાર આવી હતી. એ ફિલ્મમાં ખૂબ મારધાડ હતી અને એ સાથે જ મિસોજોનિસ્ટ કમેન્ટ પણ હતી. આ ફિલ્મને ઍડલ્ટ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. જોકે ફિલ્મ જોયા બાદ એની ઘણી ટીકા કરવામાં આવી હતી. સેન્સર બોર્ડના સીઈઓ રવિન્દર બાકેરને હાલમાં તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. એ માટે ‘ઍનિમલ’માં જે હિંસાને તેમણે પાસ કરી હતી એને જવાબદાર ગણવામાં આવી રહી છે. જોકે આને વિશે ઑફિશ્યલ કોઈ જાહેરાત થઈ નથી.

મર્યાદાપુરુષોત્તમની મજાક
પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’ આ વર્ષે રિલીઝ થઈ હતી. એ ફિલ્મમાં તેણે રાઘવ એટલે કે રામનું પાત્ર ભજવ્યું હતું. સીતાના પાત્રમાં ક્રિતી સૅનન અને રાવણના પાત્રમાં સૈફ અલી ખાને કામ કર્યું હતું. એ ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી હતી. સૈફ અને ઓમે અગાઉ ‘તાન્હાજી’માં કામ કર્યું હતું. એ ફિલ્મ હિટ રહી હતી, પરંતુ આ ફિલ્મ એટલી જ બકવાસ હતી. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું ત્યારથી જ ફિલ્મની ટીકા કરવામાં આવી હતી. વિઝ્‍‍યુઅલ ઇફેક્ટ્સથી લઈને લુક અને સ્ટોરીને જે રીતે દેખાડવામાં આવી હતી એ દરેક વસ્તુ ખૂબ ખરાબ રીતે દેખાડવામાં આવી હતી. આ ફિલ્મમાં મર્યાદાપુરુષોત્તમ રામની ખરેખર મજાક ઉડાડવામાં આવી હતી. એ ફિલ્મને લઈને લોકોએ તેમની ખૂબ ટીકા કરી હતી. આ ફિલ્મને સેન્સર બોર્ડમાંથી પાસ કઈ રીતે કરવામાં આવી એવું પણ કહેવામાં આવી રહ્યું હતું. એ ઉપરાંત એને એટલી બધી ટ્રોલ કરવામાં આવી હતી કે ફિલ્મના ડાયલૉગ-રાઇટર મનોજ મુંતશીરે માફી માગવી પડી હતી.

અતિશય ઍક્શન
બૉલીવુડમાં હાલમાં ઍક્શન ફિલ્મોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ‘પઠાન’ હોય કે ‘ગદર 2’ બન્ને ઍક્શન ફિલ્મો હતી. ‘ગદર 2’માં વધુ પડતાં હિંસક દૃશ્યો દેખાડવામાં આવ્યાં હતાં. ‘પઠાન’ પણ ઍક્શન ફિલ્મ હતી, પરંતુ એની ઍક્શનને સ્ટાઇલિશ અને ક્લીન રાખવામાં આવી હતી. જોકે હાલમાં અતિશય ઍક્શનનો ટ્રેન્ડ જોરદાર ચાલી રહ્યો છે. શાહરુખ ખાનની ‘જવાન’ હોય કે રણબીર કપૂરની ‘ઍનિમલ’ કે પ્રભાસની ‘સલાર’ કેમ ન હોય, એ ત્રણેય ફિલ્મમાં ઍક્શનને નેક્સ્ટ લેવલ દેખાડવામાં આવી છે. આ એવી ઍક્શન છે કે અમુક દૃશ્યોને જોઈને તો આંખો જ બંધ થઈ જાય. દર્શકોની નજર સિનેમાના પડદાના જે ખૂણામાં પડે છે ત્યાં ફક્ત લોહી જ જોવા મળે છે એટલી ઍક્શન આ ફિલ્મમાં દેખાડવામાં આવી છે. દર્શકોને પણ આવી ફિલ્મો ગમી રહી છે અને એ બૉક્સ-ઑફિસના કલેક્શન પરથી જોઈ શકાય છે. દર્શકોને પણ ખબર છે કે આ ફિલ્મમાં જે દેખાડવામાં આવે છે એ ફક્ત ફિલ્મો પૂરતું જ મર્યાદિત છે. આજના દર્શકો હવે વધુ ઇન્ટેલિજન્ટ થઈ ગયા છે. તેમને હવે એજ્યુકેશન માટે ફિલ્મોની જરૂર નથી પડતી. તેમને હવે ફિલ્મોમાં ફક્ત એન્ટરટેઇનમેન્ટ, એન્ટરટેઇનમેન્ટ અને એન્ટરટેઇનમેન્ટ જ જોઈએ છે.

bollywood news entertainment news animal Year Ender jawan adipurush