યશ ચોપરાના પત્ની પામેલા ચોપરાનું નિધન, ૭૪ વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

20 April, 2023 11:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

છેલ્લા ૧૫ દિવસથી હૉસ્પિટલમાં હતા પામેલા ચોપરા

પામેલા ચોપરા પતિ યશ ચોપરા સાથે

બોલિવૂડના જાણીતા દિગ્દર્શક યશ ચોપરા (Yash Chopra)ના પત્ની, બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી (Rani Mukerji)ના સાસુ અને આદિત્ય ચોપરા (Pamela Chopra)ના માતા પામેલા ચોપરા (Aditya Chopra)નું નિધન થયું છે. પામેલા ચોપરાએ ૭૪ વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ છેલ્લા કેટલાક દિવસથી લીલાવતી હૉસ્પિટલ (Lilavati Hospital)માં દાખલ હતા.

પામેલા ચોપરાના નિધનના સત્તાવાર સમાચાર યશ રાજ ફિલ્મસ – વાયઆરએફ (Yash Raj Films – YRF)ના સોશ્યલ મીડિયા હેન્ડલ દ્વારા આપવામાં આવ્યા છે. પોસ્ટમાં લખ્યું છે કે, ‘ભારે હૃદય સાથે ચોપરા પરિવાર જણાવે છે કે, આજે સવારે ૭૪ વર્ષની ઉંમરે પામેલા ચોપરાનું નિધન થયું છે. આજે સવારે ૧૧ વાગે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તમારી પ્રાર્થનાઓના અમે આભારી છીએ. પરિવાર દુઃખની આ ક્ષણમાં ગોપનીયતા માટે વિનંતી કરે છે.’

પામેલા ચોપરા એક પ્રખ્યાત પ્લેબેક સિંગર હતા. તેઓ ફિલ્મ લેખિકા અને નિર્માતા પણ હતા. છેલ્લા ૧૫ દિવસથી પામેલા ચોપરા મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ હતા. ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર પર રાખ્યા હતા પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો અને આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અહેવાલો મુજબ, પામેલા ચોપરાનું ન્યુમોનિયા, શ્વાસ લેવામાં તકલીફ અને મલ્ટીઓર્ગન ફેલ્યરનાં કારણે આજે સવારે નિધન થયું હતું.

પામેલાની ઓળખ લેખિકા અને ગાયિકા તરીકે પણ હતી તેમણે કેટલીક ફિલ્મોમાં ગીતો પણ ગાયા હતા. જેમાં ‘કભી કભી’, ‘નૂરી’, ‘ચાંદની’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘મુઝસે દોસ્તી કરોગી’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. યશ રાજની ફિલ્મોમાં નિર્માતા તરીકે ભૂમિકા પણ ભજવી છે પામેલા ચોપરાએ.

વર્ષ ૧૯૭૦માં પામેલાએ યશ ચોપરા સાથે લગ્ન કર્યા હતા. પામેલા યશ ચોપરાની બીજી પત્ની હતા. તેમને અને યશને બે પુત્રો છે - આદિત્ય ચોપરા (Aditya Chopra) અને ઉદય ચોપરા (Uday Chopra).

પામેલા ચોપરા છેલ્લે યશ રાજ ફિલ્મસ – વાયઆરએફ (Yash Raj Films – YRF)ની ડોક્યુમેન્ટ્રી `ધ રોમેન્ટિક્સ`માં જોવા મળ્યા હતા. આ ડોક્યુમેન્ટ્રીમાં તેમણે તેમના પતિ યશ ચોપરા અને તેમની સફર વિશે વાત કરી હતી. `ધ રોમેન્ટિક્સ` માત્ર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં યશ ચોપરાના યોગદાન પર જ નહીં પરંતુ પામેલાના યોગદાન પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. શોમાં પામેલાએ એ દિવસોને યાદ કર્યા હતા, જ્યારે નિર્માતા તરીકેની તેમની પ્રથમ ફિલ્મ ‘દાગ’ વર્ષ ૧૯૭૩માં તેની રિલીઝ પહેલા દિગ્દર્શકે ઘણી મુશ્કેલ રાતો વિતાવી હતી.

પામેલા ચોપરાના મૃત્યુથી બોલિવૂડને મોટો ઝટકો લાગ્યો છે.

entertainment news bollywood bollywood news celebrity death yash chopra aditya chopra rani mukerji uday chopra