યામીએ તેની મમ્મીને કંગનાની ‘ક્વીન’ જોવાની સલાહ આપી હતી

27 February, 2023 11:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યામી ગૌતમ ધરે તેની મમ્મીને સલાહ આપી હતી કે તે કંગના રનોટની ‘ક્વીન’ જુએ. યામીએ ૨૦૧૨માં ‘વિકી ડોનર’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી.

યામી ગૌતમ

યામી ગૌતમ ધરે તેની મમ્મીને સલાહ આપી હતી કે તે કંગના રનોટની ‘ક્વીન’ જુએ. યામીએ ૨૦૧૨માં ‘વિકી ડોનર’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેની બીજી ફિલ્મ ‘ટોટલ સિયપ્પા’ હતી. આ ​ફિલ્મ ૨૦૧૪ની ૭ માર્ચે રિલીઝ થઈ હતી. એ વખતે કંગનાની ‘ક્વીન’ પણ રિલીઝ થઈ હતી. યામીને કોઈએ કહ્યું હતું કે ‘ક્વીન’ ખૂબ સારી ફિલ્મ છે. એ વિશે યામીએ કહ્યું કે ‘મને આજે પણ યાદ છે કે ‘ટોટલ સિયપ્પા’ મારી બીજી ફિલ્મ હતી અને એ જ દિવસે ‘ક્વીન’ પણ રિલીઝ થઈ હતી. સાથે જ સૌથી મોટી ઍક્શન ફિલ્મ ‘300 : રાઇઝ ઑફ ઍન એમ્પાયર’ પણ એ વખતે રિલીઝ થઈ હતી. અનેક ચર્ચાઓ થતી હતી કે કઈ ફિલ્મને કેટલી સ્ક્રીન મળવાની છે. મારી ટીમ એ વખતે ખૂબ ખુશ થઈ હતી, કારણ કે અમારી ફિલ્મને વધુ સ્ક્રીન મળી હતી. મને એ વિશે વધુ માહિતી નહોતી એટલે હું ચૂપ રહેતી હતી. દરેક જણ પહેલા દિવસના કલેક્શનને લઈને ગણિત બેસાડતા હતા. આ ફિલ્મમાં કામ કરવાની મજા આવી અને મને એના પ્રત્યે ખૂબ સન્માન છે. મેં જ્યારે જોઈ તો મને એ ન ગમી. મેં પૂછ્યું કે કોઈએ ‘ક્વીન’ જોઈ છે? તો કોઈએ મને કહ્યું કે એ ખૂબ સારી ફિલ્મ છે. મેં મારી મમ્મીને કૉલ કરીને કહ્યું કે જો તારે મારી ફિલ્મ જોવી હોય તો એ તારી મરજી છે, પરંતુ વધુ એક ફિલ્મ રિલીઝ થઈ છે અને એ ખૂબ સારી છે.’

bollywood news entertainment news yami gautam kangana ranaut