18 November, 2023 03:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યામી ગૌતમ
યામી ગૌતમ ધરે તેની લાઇફની સૌથી અગત્યની ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લીધું છે. એની માહિતી તેણે ઇન્સ્ટાગ્રામ પર આપી હતી. યામીએ ‘વિકી ડોનર’, ‘બદલાપુર’, ‘કાબિલ’, ‘બાલા’, ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’, ‘ભૂત પોલીસ’ અને ‘OMG 2’માં કામ કર્યું છે. હાલમાં તેણે જે ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે એનું ટાઇટલ હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યું. ફિલ્મનું શૂટિંગ કાશ્મીરમાં ચાલી રહ્યું હતું. તેણે કાશ્મીરમાં આવેલા ખીર ભવાની મંદિરની પણ મુલાકાત લીધી હતી. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને યામીએ કૅપ્શન આપી હતી, ‘મારી કરીઅરની સૌથી અગત્યની ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. ડિરેક્શન, પ્રોડક્શન ટીમ અને આખા ક્રૂનો આભાર. સાથે જ કાશ્મીરના સ્થાનિક લોકો, સિક્યૉરિટી ફોર્સિસ અને પ્રશાસને આખા શેડ્યુલ દરમ્યાન જે પ્રકારે અમારી કાળજી લીધી એ માટે તેમનો આભાર. શ્રીનગરના ધ લલિત ગ્રૅન્ડ પૅલેસે અમને ઘર જેવો એહસાસ કરાવ્યો એ માટે ધન્યવાદ. સાથે જ અમને તુલમુલ્લામાં આવેલા ખીર ભવાની મંદિરમાં જઈને આશીર્વાદ લેવાનો લાભ મળ્યો હતો. આશા છે કે આ ફિલ્મ દ્વારા અમે દર્શકોને પૂરું મનોરંજન આપી શકીશું. જલદી જ જાહેરાત કરીશું.’