11 April, 2023 03:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન અને શાહરુખ ખાન
સલમાન ખાન અને શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘ટાઇગર વર્સસ પઠાન’માં તેમને ફી નહીં મળે, પરંતુ તેમને પ્રૉફિટનો ૪૦-૪૦ ટકા ભાગ આપવામાં આવશે. યશરાજ ફિલ્મ્સ આ ફિલ્મ બનાવી રહ્યા છે. તેઓ પ્રૉફિટનો માત્ર વીસ ટકા ભાગ જ પોતાની પાસે રાખશે એવી ચર્ચા છે. શાહરુખે ચાર વર્ષ બાદ ‘પઠાન’ દ્વારા કમબૅક કર્યું હતું. આ ફિલ્મે દેશ-વિદેશમાં ખૂબ ધૂમ મચાવી છે. ‘પઠાન’માં ટાઇગર બનીને સલમાને એન્ટ્રી કરી હતી. તો હવે સલમાનની ‘ટાઇગર 3’માં શાહરુખ પઠાન બનીને આવવાનો છે. હવે આ બન્નેની ‘ટાઇગર વર્સસ પઠાન’ની જ્યારથી ચર્ચા ચાલી રહી છે ત્યારથી જ તેમના ફૅન્સમાં આતુરતા આ ફિલ્મને લઈને વધી ગઈ છે. આ ફિલ્મને ભવ્ય બનાવવાનું મેકર્સે નક્કી કર્યું છે. આ ફિલ્મ માટે ૩૦૦ કરોડનું બજેટ ફાળવવામાં આવશે એવી ચર્ચા છે. યશરાજ ફિલ્મ્સના આદિત્ય ચોપડા, શાહરુખ અને સલમાને પ્રૉફિટ-શૅરીંગ રીત અપનાવવાનું નક્કી કર્યું છે. ઇન્ડસ્ટ્રીમાં આ વસ્તુ સામાન્ય છે કે જેમાં ઍક્ટર્સ ફીને બદલે પ્રૉફિટમાં ભાગીદારી લેવાનું નક્કી કરે છે. મોટા ભાગે ઍક્ટર્સ ૬૦ કાં તો પછી ૭૦ ટકા પ્રૉફિટનો ભાગ લે છે. જોકે ‘ટાઇગર વર્સસ પઠાન’ એક અનોખો કેસ હશે જેમાં બન્ને ફેમસ ઍક્ટર્સે પ્રૉફિટ-શૅરિંગની ટકાવારી ખૂબ ઓછી રાખી છે. જોકે આ કેસમાં પણ મેકર્સ પાસે તો પ્રૉફિટના ફક્ત ૨૦ ટકા જ આવશે.