06 December, 2022 02:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
અક્ષય કુમાર (Akshay Kumar) ફિલ્મ `હેરા ફેરી 3` (Hera Pheri 3)માં સામેલ થશે તેવી અટકળો જોર પકડયું છે. કેટલાક મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે ફિલ્મના નિર્માતાઓ અક્ષય કુમારને ઘણી વખત મળ્યા હતા, જેથી તમામ મતભેદો દૂર થઈ શકે. જો કે, હવે અક્ષયના નજીકના મિત્રએ ખુલાસો કર્યો છે કે તે ફિલ્મમાં પરત ફરે તેવી કોઈ શક્યતા નથી.
અક્ષયને હેરાફેરીમાં કામ કરવામાં કોઈ રસ નથી
E-Times સાથે વાત કરતા, અક્ષયના નજીકના સહયોગીએ કહ્યું કે, “આ વાતો એવા લોકો દ્વારા ફેલાવવામાં આવી રહી છે, જે હેરાફેરી 3ને વાસ્તવિકતા કરતાં વધુ મોટી બનાવવા માગે છે. અક્ષય આ ફિલ્મના પ્રોડ્યુસરને મળ્યો નથી. તેણે હેરાફેરીમાં કામ કરવામાં કોઈ રસ દાખવ્યો નથી. અંદરની વાત એ છે કે અક્ષય અનીસ બઝમી સાથે ફરીથી કૉમેડી કરવા માગે છે. પણ હેરા ફેરી નહીં, બિલકુલ નહીં.”
અક્ષયે ફિલ્મમાંથી પીછેહઠ કરવાનું કારણ જણાવ્યું
અક્ષય કુમારે હાલમાં જ `હેરા ફેરી 3` છોડવાનું કારણ જણાવ્યું હતું કે, “હું હેરાફેરીનો ભાગ રહ્યો છું. લોકો સાથે તેની યાદો જોડાયેલી છે અને મારી સાથે પણ છે, પરંતુ મને દુઃખ છે કે આટલા વર્ષો સુધી અમે આ ફિલ્મનો ત્રીજો ભાગ નથી બનાવી શક્યા. આ ફિલ્મ મને ઑફર કરવામાં આવી હતી, પરંતુ હું તેની પટકથા અને સ્ક્રિપ્ટથી સંતુષ્ટ નહોતો. તેથી જ હું આ ફિલ્મમાંથી બહાર થઈ ગયો છું.”
આ પણ વાંચો: Madhuri Dixitએ કોપી કર્યો આ પાકિસ્તાની યુવતીનો ડાન્સ, યુર્ઝર્સે કહ્યું કે...
હાલમાં જ પરેશ રાવલે કન્ફર્મ કર્યું હતું કે હેરા ફેરી 3માં અક્ષયની જગ્યાએ કાર્તિક આર્યન જોવા મળશે. હકીકતમાં, એક યુઝરે પરેશ રાવલને સોશિયલ મીડિયા પર ટેગ કરીને પૂછ્યું, “પરેશ રાવલ સર, શું એ સાચું છે કે કાર્તિક આર્યન હેરા ફેરી 3 કરી રહ્યો છે?” તો તેના જવાબમાં પરેશે કહ્યું હતું કે, “હા વાત સાચી છે.” જો કે, હજુ સુધી ફિલ્મના નિર્માતાઓએ તેના વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.