05 May, 2020 07:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન ફરી એક વાર પોતાના ગેમ-શો ‘કૌન બનેગા કરોડપતિ’ સાથે આવી રહ્યા છે. ‘કૌન બનેગા કરોડપતિ’ની આ બારમી સીઝન છે. આ સીઝનમાં પહેલી વાર એવું બનશે કે કન્ટેસ્ટન્ટને શોધવાની આખી પ્રોસેસ ડિજિટલ પ્લૅટફૉર્મ પર કરવામાં આવશે. રજિસ્ટ્રેશન પ્રોસેસ શનિવારથી શરૂ થશે જે બાવીસમી મે સુધી ચાલશે. આ સમય દરમ્યાન અમિતાભ બચ્ચન દરરોજ એક સવાલ પૂછશે અને એના જવાબ એસએમએસ કે સોની લિવ ઍપ પર આપવાના રહેશે.
કન્ટેસ્ટન્ટ પસંદ કરવાની આખી પ્રોસેસ ચાર તબક્કામાં વહેંચવામાં આવી છે. આ ચારેચાર તબક્કા માટે આ વખતે ડિજિટલ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરવામાં આવશે. રજિસ્ટ્રેશન એ પહેલો તબક્કો છે તો બીજા સ્ટેજમાં આવેલા જવાબમાંથી સાચા જવાબ આપનારાઓને અલગ તારવવામાં આવશે અને એ પછી રેન્ડમ પ્રોસેસથી રજિસ્ટ્રેશન ફાઇનલ કરવામાં આવશે અને એ પછી તેમનો ફોન પર કૉન્ટૅક્ટ કરીને તેમને ત્રીજા સ્ટેજમાં દાખલ થવાનું નિમંત્રણ મળશે. ત્રીજા સ્ટેજમાં ઑનલાઇન ઑડિશન છે. આ તબક્કો પહેલી વખત ‘કૌન બનેગા કરોડપતિ’ની હિસ્ટરીમાં ઉમેરવામાં આવ્યો છે. આ ઑનલાઇન ઑડિશન સામાન્ય જ્ઞાનની પરીક્ષા હશે તો સાથોસાથ વિડિયો-પ્રેઝન્ટેશન પણ હશે. આ બન્ને માટે સોની લિવ ઍપનો ઉપયોગ કરવાનો રહેશે, જ્યારે આ ચોથા તબક્કામાં પર્સનલ ઇન્ટરવ્યુ હશે. આ ઇન્ટરવ્યુ પણ વિડિયો-કૉલ દ્વારા લેવામાં આવશે અને એ પછીના તબક્કામાં કન્ટેસ્ટન્ટનો હિટ સીટના ૧૦ દાવેદારોમાં સમાવેશ કરવામાં આવશે.