22 March, 2025 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઐતબાર ફિલ્મમાં જૉન
હાલમાં જ ફિલ્મ ‘ધ ડિપ્લોમૅટ’માં દેખાયેલા જૉન એબ્રાહમે પોતાની પહેલી ફિલ્મ વખતનો એક રસપ્રદ કિસ્સો તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં શૅર કર્યો હતો. જૉનની સૌપ્રથમ ફિલ્મ ‘ઐતબાર’ હતી જે ૨૦૦૪માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ વિક્રમ ભટ્ટે ડિરેક્ટ કરી હતી અને એના એક પ્રોડ્યુસર રતન તાતા પણ હતા. ફિલ્મમાં જૉનની હિરોઇન બિપાશા બાસુ હતી તથા એમાં અમિતાભ બચ્ચન પણ હતા.
આ ફિલ્મના મુહૂર્ત શૉટ માટે અમિતાભ બચ્ચન અને હૃતિક રોશન ક્લૅપ આપવાના હતા. જૉન જ્યારે મુહૂર્ત શૉટ માટે પહોંચ્યો ત્યારે સ્ટુડિયોનો દરવાજો બંધ હતો અને તેને અંદર નહોતો જવા દેવાયો, કારણ કે તે મોટરસાઇકલ પર આવ્યો હતો. તેને ગેટ પર પૂછવામાં આવેલું કે ‘કૌન હો?’ જૉને જ્યારે કહ્યું કે મારી જ ફિલ્મનું મુહૂર્ત થઈ રહ્યું છે ત્યારે તેને અંદર જવા દેવામાં આવ્યો હતો. ગેટ ખૂલતાં જ અંદરથી અમિતાભ બચ્ચન અને હૃતિક રોશન તેને અંદર આવવાનું કહેતા દેખાયા હતા.