01 April, 2023 06:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મમ્મીને સતત શું પૂછતી હતી સમન્થા?
સમન્થા રૂથ પ્રભુએ તેના કપરા તબક્કાને યાદ કરતાં જણાવ્યું કે તે સતત તેની મમ્મીને પૂછતી હતી કે શું તે સ્વસ્થ થઈ જશે? નાગ ચૈતન્ય સાથે થયેલા તેના ડિવૉર્સની ખૂબ ચર્ચા થઈ હતી. સમન્થા પ્રોફેશનલી ખૂબ બિઝી છે. તે ‘શાકુંતલમ’ અને ‘ખુશી’માં દેખાવાની છે. પોતાના એ કઠિન સમય વિશે સમન્થાએ કહ્યું કે ‘કોઈ જ્યારે મને સ્ટ્રૉન્ગ અને સ્વતંત્ર મહિલા જણાવે છે તો મને એવું કાંઈ મારામાં નથી દેખાતું. મેં મારી લાઇફમાં દરેક પ્રકારની પડતી જોઈ છે. મેં એવા દિવસો પણ જોયા છે જ્યારે હું મારા બેડમાંથી બહાર નહોતી નીકળવા માગતી. હું રડતી હતી, હું મારી મમ્મીને સતત પૂછતી હતી કે શું હું આ બધામાંથી બહાર આવી શકીશ? મારામાં કોઈ સુપર સ્ટ્રેંગ્થ નહોતી. મારી અંદર એક નાનકડી છોકરી હતી, જે અંદરથી નબળી હતી અને સ્વસ્થ થવા માગતી હતી. મને આજે પણ યાદ છે કે હું અતિશય ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી હતી. એવી કોઈ વસ્તુ નહોતી જેમાંથી હું પસાર ન થઈ હોઉં. મને બાદમાં એવો વિચાર આવ્યો કે જો હું આને મારા પર હાવી થવા દઈશ તો એ મને નુકસાન પહોંચાડશે. બાદમાં મેં એક પગલું આગળ વધવાનું નક્કી કર્યું.’