24 July, 2022 09:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિશાલ ભારદ્વાજ
મ્યુઝિક-કમ્પોઝર અને ફિલ્મમેકર વિશાલ ભારદ્વાજે ‘1232 KMs’ માટે નૉન-ફીચર ફિલ્મ કૅટેગરીમાં બેસ્ટ મ્યુઝિક ડિરેક્શનનો અવૉર્ડ મળતાં પોતાની ખુશી વ્યક્ત કરી છે. એ ફિલ્મમાં ‘મરેંગે તો વહીં જા કર...’ ગીત કોવિડમાં લોકોએ જે તકલીફમાંથી પસાર થવું પડ્યું હતું એના પર આધારિત છે. કોરોનાકાળમાં લૉકડાઉન દરમ્યાન માઇગ્રન્ટ વર્કર્સને ઘણું વેઠવાનું આવ્યુ હતું. તેમના રોજગાર બંધ થઈ ગયા હતા અને એવા કેટલાય લોકો હતા જેમને પગપાળા પોતાના રાજ્યમાં ચાલીને જવું પડ્યું હતું, કેમ કે વાહનવ્યવહાર પણ ઠપ હતો. ‘મરેંગે તો વહીં જા કર’ ગીત ગુલઝારસાહેબે લખ્યુ હતું. અવૉર્ડ જીતવાની ખુશી વ્યક્ત કરતાં વિશાલ ભારદ્વાજે કહ્યું કે ‘આ અવૉર્ડ મળવાની મને અતિશય ખુશી છે. એ ફિલ્મમાં દેશના વિવશ ખાસ કરીને માઇગ્રન્ટ વર્કર્સે કોરોનાકાળમાં જે તકલીફમાંથી પસાર થવું પડ્યું હતું એના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ગુલઝારસાહેબની આ કવિતા એક વ્યથા વ્યક્ત કરે છે કે ‘માઇગ્રન્ટ વર્કર્સને મદદ કરવા માટે કંઈ પણ કરી શકવા સમર્થ નથી.’ આ ગીત અમારા બન્નેના મનમાં દબાયેલી તકલીફ દર્શાવે છે, જે દિલને હચમચાવનાર વિનોદ કાપરીની ‘1232 KMs’ ડૉક્યુમેન્ટરીમાં સુખવિન્દર સિંહના અવાજમાં વ્યક્ત કરવામાં આવી છે.’