midday

જાવેદ અખ્તરે પાકિસ્તાનમાં બેસીને પાકિસ્તાન પર જ કરી તીખી ટિપ્પણીઓ, વીડિયો થઈ ગયો વાયરલ

21 February, 2023 03:06 PM IST  |  Lahore | Gujarati Mid-day Correspondent

જાવેદ અખ્તર તાજેતરમાં જ લાહોરમાં અલ્હમરા આર્ટસ કાઉન્સિલ દ્વારા આયોજિત ફૈઝ ફેસ્ટિવલમાં ભાગ લેવા પાકિસ્તાન ગયા હતા અને રવિવારે જ તેનું સમાપન થયું હતું
ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

જાણીતા કવિ અને ફિલ્મ પટકથા લેખક જાવેદ અખ્તરે (Javed Akhtar) પાકિસ્તાન (Pakistan) પર આરોપ લગાવ્યો છે કે મુંબઈમાં 26/11ના હુમલાના ગુનેગારોને મુક્તપણે ફરવા દીધા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જાવેદ અખ્તર તાજેતરમાં જ લાહોરમાં અલ્હમરા આર્ટસ કાઉન્સિલ દ્વારા આયોજિત ફૈઝ ફેસ્ટિવલમાં ભાગ લેવા પાકિસ્તાન ગયા હતા અને રવિવારે જ તેનું સમાપન થયું હતું.

વાયરલ થયેલા વીડિયોમાં, જાણીતા ગીતકાર બંને દેશો વચ્ચેના તણાવને ઘટાડવાની વાત કરતા જોઈ શકાય છે અને કહે છે કે "ભારતીયના હૃદયમાં રોષ છે." જાવેદ અખ્તરે કહ્યું કે, “આપણે એકબીજા પર દોષારોપણ ન કરવું જોઈએ. કંઈ હાંસલ થશે નહીં. ફિઝાન ગરમ હૈ (વાતાવરણ તંગ છે), તેને સુધારવું જોઈએ. અમે મુંબઈગરા છીએ અને અમારા શહેર પર હુમલો થયો છે. હુમલાખોરો નોર્વે કે ઇજિપ્તમાંથી આવ્યા ન હતા અને એ જ લોકો હજુ પણ તમારા દેશમાં ફરે છે. તો, જો આ ફરિયાદ કોઈ ભારતીયના દિલમાં હોય, તો ખોટું લગાવવાની જરૂર નથી.”

તેમણે એમ પણ કહ્યું હતું કે “પાકિસ્તાનમાં ભારતીય કલાકારોને એટલું સન્માન આપવામાં આવતું નથી જેટલું ભારતમાં પાકિસ્તાની દિગ્ગજોને આપવામાં આવે છે.”

તાળીઓના ગડગડાટ વચ્ચે, જાવેદ અખ્તર કહેતા સંભળાય છે કે, "જ્યારે ફૈઝ સાહબ આવ્યા, ત્યારે તેમનું એક મોટા વ્યક્તિત્વની જેમ સ્વાગત કરવામાં આવ્યું હતું. અમે નુસરત ફતેહ અલી ખાન અને મહેંદી હસનના મોટા મોટા ઇવેન્ટ્સ જોયા છે. પરંતુ તમે (પાકિસ્તાન) ક્યારેય લતા મંગેશકર માટે કોઈ ફંક્શન કરાવ્યું નથી.”

જાવેદ અખ્તરની આ તીખી ટિપ્પણીઓ સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા જોરદાર શેર કરવામાં આવી રહી છે અને યુઝર્સ તેમના વખાણ પણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે તેને પાકિસ્તાન પરની `સર્જિકલ સ્ટ્રાઈક` ગણાવી છે. પાકિસ્તાનમાં કરવામાં આવેલી આ ટિપ્પણીઓ માટે જાવેદ અખ્તરની પ્રશંસા કરનારાઓમાં અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) પણ સામેલ છે.

આ પણ વાંચો: ધક્કા-મુક્કીની ઘટના બાદ સામે આવી સોનુ નિગમની પહેલી પ્રતિક્રિયા, કહ્યું…

કંગનાએ માઈક્રો-બ્લોગિંગ વેબસાઈટ ટ્વીટર પર લખ્યું કે, "જ્યારે હું જાવેદ સાહેબની કવિતા સાંભળું છું, ત્યારે મને લાગતું હતું કે, માતા સરસ્વતીજી તેમના પર કેવી કૃપા વરસાવી રહ્યા છે, પરંતુ જુઓ માણસમાં સત્યતા હોય છે, ત્યારે જ ભગવાન મહેરબાન થાય છે. જય હિન્દ, જાવેદ સાહબ... ઘરમાં ઘૂસીને માર્યા... હા હા..."

entertainment news bollywood news javed akhtar kangana ranaut pakistan 26/11 attacks