03 December, 2024 08:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિક્રાંત મેસી
માત્ર ૩૭ વર્ષના ટૅલન્ટેડ ઍક્ટર વિક્રાંત મેસીએ ફિલ્મોમાંથી બ્રેક જાહેર કર્યો છે. તેની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ હમણાં જ રિલીઝ થઈ હતી અને એને મળેલી સફળતાના પગલે તેણે ફિલ્મોમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આ મુદ્દે તેણે સોશ્યલ મીડિયામાં મૂકેલી એક પોસ્ટમાં જણાવ્યું છે કે આ ઘરે પાછા ફરવાનો અને આંતરમંથન કરવાનો સમય છે.
તેની આગામી ફિલ્મ ‘ઝીરો સે સ્ટાર્ટ’ આવી રહી છે જે ‘12th ફેલ’ની પહેલાંની વાર્તા કહેશે. એ ઉપરાંત વિક્રાંત અત્યારે ‘યાર જિગરી’ અને ‘આંખોં કી ગુુસ્તાખિયાં’માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મો બાદ તે રિટાયરમેન્ટ લેશે એમ જાહેર કરીને તેણે રીતસરનો શૉક તેના ચાહકોને આપ્યો છે. તેણે જણાવ્યું છે કે ૨૦૨૫માં તે ફિલ્મોને અલવિદા કરવા માગે છે. તેણે આ મુદ્દે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને તેના નિર્ણયની જાહેરાત કરી હતી અને આ મુજબની પોસ્ટ લખી હતી...
હેલો, ગત થોડાં વર્ષ અસાધારણ રહ્યાં છે. તમારા અવિશ્વસનીય સમર્થન બદલ હું તમારા દરેકનો આભાર માનું છું, પણ જેમ-જેમ હું આગળ વધી રહ્યો છું એમ-એમ મને ખ્યાલ આવે છે કે મારે પાછા વળી જવું જોઈએ; ચીજોને ફરી માપવી જોઈએ એક પતિ, પિતા અને પુત્ર તરીકે પણ અને એક ઍક્ટર તરીકે પણ. ૨૦૨૫માં આપણે મળીશું, પણ આપણી એ મુલાકાત છેલ્લી મુલાકાત બની રહેશે, સમય યોગ્ય માને ત્યાં સુધી. છેલ્લી બે ફિલ્મો અને ઘણાં વર્ષોની યાદો. ફરી તમારો આભાર. તમારા તરફથી મળેલા ભરપૂર પ્રેમ બદલ આભાર, તમારો સદાય ઋણી રહીશ.
કોણ છે વિક્રાંત મેસી?
વિક્રાંતે બાંદરાની નૅશનલ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો અને ૨૦૦૭માં ‘ધૂમ મચાઓ ધૂમ’ સિરિયલથી ઍક્ટિંગ-કરીઅરની શરૂઆત કરી હતી. તે ‘ધરમ વીર’, ‘કુબૂલ હૈ’ અને ‘બાલિકા વધૂ’માં પણ જોવા મળ્યો હતો.
૨૦૧૩માં રણવીર સિંહ અને સોનાક્ષી સિંહાની ફિલ્મ ‘લુટેરા’થી તેણે ફિલ્મોમાં પદાર્પણ કર્યું હતું. ત્યાર બાદ તે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો હતો જેમાં ‘દિલ ધડકને દો’, ‘હાફ ગર્લફ્રેન્ડ,’ ‘અ ડેથ ઇન ધ ગુંજ’, ‘છપાક’, ‘ડૉલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે’, ‘હસીન દિલરુબા’ અને ‘લવ હૉસ્ટેલ’નો સમાવેશ છે.
૨૦૨૩માં તેણે બાયોગ્રાફિકલ ફિલ્મ ‘12th ફેલ’માં લીડ રોલ ભજવ્યો હતો અને IPS ઑફિસર મનોજ કુમાર શર્માનો રોલ કર્યો હતો. આ ફિલ્મ તેને માટે સુપરહિટ ઠરી હતી અને એ તેના જીવનમાં ગેમ-ચેન્જર સાબિત થઈ હતી.
૨૦૨૨માં તેણે ઍક્ટ્રેસ શીતલ ઠાકુર સાથે લગ્ન કર્યાં હતાં. ‘બ્રોકન ઍન્ડ બ્યુટિફુલ’ના સેટ પર તેમની વચ્ચે ડેટિંગ શરૂ થયું હતું. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેણે જાહેરાત કરી હતી કે તે એક બાળકનો પિતા બન્યો છે.