27 November, 2022 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વૈકુંઠ સ્મશાનભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા
પુણેની હૉસ્પિટલમાં ઘણા દિવસોથી ઍડ્મિટ વિક્રમ ગોખલેએ ગઈ કાલે ૭૭ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. વૈકુંઠ સ્મશાનભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પુણેની દીનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમનાં ઘણાં ઑર્ગને કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેમની સ્થિતિ દિવસે-દિવસે વધુ ગંભીર થઈ રહી હતી. તેમની તબિયત ખરાબ થવાના સમાચાર વાયુવેગે પ્રસરતાં તેમના ફૅન્સ તેમના સારા સ્વાસ્થ્યની કામના કરવા માંડ્યા હતા. એ દરમ્યાન તેમના નિધનની પણ અફવા ફેલાઈ હતી. એથી ફૅમિલીએ લોકોને વિનંતી કરી હતી કે આ પ્રકારની અફવા ફેલાવવામાં ન આવે અને એના પર ધ્યાન પણ આપવામાં ન આવે. સાથે જ તેઓ સારવારને ધીમે-ધીમે રિસ્પૉન્ડ કરી રહ્યા છે એવી વાત પણ પરિવારે જણાવી હતી, પણ છેવટે જીવન સામેનો જંગ તેઓ હારી ગયા. વિક્રમ ગોખલેએ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં અદ્ભુત અભિનય દ્વારા લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમણે ‘તુમ બિન’, ‘હે રામ’, ‘ભૂલભુલૈયા’, ‘નટ સમ્રાટ’, ‘દિલ સે’, ‘દે દના દન’, ‘હિચકી’, ‘નિકમ્મા’ અને ‘મિશન મંગલ’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સાથે જ તેમણે ૨૦૧૦માં આવેલી ‘આઘાત’ ડિરેક્ટ કરી હતી. મરાઠી ફિલ્મ ‘અનુમતિ’ માટે તેમને બેસ્ટ ઍક્ટરનો નૅશનલ ફિલ્મ અવૉર્ડ મળ્યો હતો. ૨૦૧૧માં તેમને સંગીત નાટક ઍકૅડૅમી અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે આપેલા પર્ફોર્મન્સ આવનારી પેઢીને હંમેશાં પ્રેરણા આપતા રહેશે.
શોકાતુર બૉલીવુડ
વરિષ્ઠ અભિનેતા વિક્રમ ગોખલેનું ગઈ કાલે અવસાન થતાં બૉલીવુડમાં શોક પ્રસરી ગયો હતો. સૌકોઈ તેમની સાથે વિતાવેલા સમયને યાદ કરી રહ્યા હતા. વિક્રમ ગોખલેએ અનેક ફિલ્મો અને ટીવી-સિરિયલમાં પણ કામ કરીને લોકો પર પ્રભાવ પાડ્યો હતો. તેમની ઉમદા અદાકારી લોકોને હંમેશાં યાદ રહેશે. સોશ્યલ મીડિયામાં અનેક લોકોએ શોક સંદેશ મોકલ્યા હતા...
વિક્રમ ગોખલેજી ક્રીએટિવ અને વર્સેટાઇલ ઍક્ટર હતા. ઍક્ટિંગના ક્ષેત્રમાં તેમણે ભજવેલા વિવિધ ઇન્ટરેસ્ટિંગ રોલ્સ માટે તેઓ હંમેશાં યાદ રહેશે. તેમના નિધનથી આઘાત લાગ્યો છે. તેમની ફૅમિલી, ફ્રેન્ડ્સ અને પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ. : વડા પ્રધાન નરેન્દ્ર મોદી
હું હંમેશાં તમારી સામે નતમસ્તક રહ્યો છું અને રહીશ. તમારા જેવા કલાવંત અને વ્યક્તિ કોઈ નહીં બની શકે. : નાના પાટેકર
વિક્રમ ગોખલેજીના અવસાનના સમાચાર સાંભળીને ખૂબ દુ:ખ થયું છે. ‘ભૂલભુલૈયા’ અને ‘મિશન મંગલ’ જેવી ફિલ્મોમાં તેમની સાથે કામ કરીને ઘણું બધું શીખવા મળ્યું. ઓમ શાંતિ. : અક્ષયકુમાર
ભારતીય સિનેમાએ ઍક્ટર તરીકે એક હીરો ગુમાવ્યો છે. મને તેમની સાથે ‘ઐયારી’માં કામ કરવાનું અને સેટ પર તેમની સાથે સમય પસાર કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. શ્રી વિક્રમ ગોખલેજીના નિધન વિશે સાંભળીને દુ:ખ થયું છે. તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. : મનોજ બાજપાઈ
મરાઠી રંગમંચ, ટીવી અને સિનેમાના બાદશાહ આદરણીય વિક્રમ ગોખલેજી હવે આપણી વચ્ચે નથી રહ્યા. ઇન્ડસ્ટ્રી માટે આ ખૂબ મોટું નુકસાન છે. તેમના પરિવારને અમારા તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ઓમ શાંતિ. : અશોક પંડિત
મારા મનપસંદ કલાકાર વિક્રમ ગોખલેજી હયાત નથી. મહાદેવ તેમને પોતાનાં ચરણોમાં સ્થાન આપે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. : રવિ કિશન