‘આદિપુરુષ’ના સ્ક્રીનિંગમાં મોડું થતાં તેલંગણમાં દર્શકોએ કરી તોડફોડ

18 June, 2023 09:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેલંગણમાં ‘આદિપુરુષ’ના સ્ક્રીનિંગમાં મોડું થતાં ફિલ્મ જોવા આવેલા દર્શકોએ તોડફોડ કરી હતી.

‘આદિપુરુષ’ના સ્ક્રીનિંગમાં મોડું થતાં તેલંગણમાં દર્શકોએ કરી તોડફોડ

તેલંગણમાં ‘આદિપુરુષ’ના સ્ક્રીનિંગમાં મોડું થતાં ફિલ્મ જોવા આવેલા દર્શકોએ તોડફોડ કરી હતી. આ ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ છે. ફિલ્મમાં પ્રભાસ અને ક્રિતી સૅનન લીડ રોલમાં છે. આ ફિલ્મને લઈને લોકોમાં ખાસ્સો ઉત્સાહ હતો. તેલંગણના સંગારેડ્ડી શહેરમાં આવેલા જ્યોતિ સિનેમાની બહાર લોકોનો ધસારો વધી ગયો હતો. એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં કેટલાક લોકો જય શ્રીરામના મંત્રોચ્ચાર કરી રહ્યા છે, તો કેટલાક લોકો કાચની વિન્ડો પર વસ્તુઓ ફેંકી રહ્યા છે. સાઉન્ડ સિસ્ટમમાં ખરાબીને કારણે ફિલ્મ ૪૦ મિનિટ મોડી શરૂ થઈ હતી, એથી દર્શકો વીફર્યા હતા. પોલીસે ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે.

પહેલા દિવસે ‘આદિપુરુષ’એ કર્યો ૩૭.૨૫ કરોડ રૂપિયાનો બિઝનેસ

શુક્રવારે 3Dમાં રિલીઝ થયેલી ‘આદિપુરુષ’એ ૩૭.૨૫ કરોડનો બિઝનેસ કર્યો છે. રામાયણ પર આધારિત આ ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં રામ અને સીતાના રોલમાં પ્રભાસ અને ક્રિતી સૅનન છે, તો રાવણની ભૂમિકા સૈફ અલી ખાને, હનુમાનની ભૂમિકા દેવદત્ત નાગે અને લક્ષ્મણની ભૂમિકા સની સિંહે ભજવી છે. ૫૦૦ કરોડના બજેટમાં બનેલી આ 
ફિલ્મને ટી-સિરીઝે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ હિન્દી સિવાય તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મના હિન્દી વર્ઝને નેટ ૩૭.૨૫ કરોડનું કલેક્શન કર્યું છે. વીક-એન્ડમાં આ ફિલ્મના બિઝનેસમાં કદાચ વધારો થઈ શકે છે. આ ફિલ્મનું ઍડ્વાન્સ બુકિંગ જેટલું થયું હતું એટલો ફિલ્મ
 બિઝનેસ કરશે એવો અણસાર લાગી રહ્યો છે. ઓપનિંગ વીક-એન્ડ બાદ કદાચ ફિલ્મનો બિઝનેસ ઓછો 
થઈ જશે.

bollywood news ramayan telangana prabhas