04 March, 2025 06:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિદ્યા બાલન
રશ્મિકા મંદાના, કૅટરિના કૈફ અને આલિયા ભટ્ટ પછી હવે વિદ્યા બાલન ફેક AI અને ડીપફેક વિડિયોનો ભોગ બની છે. વિદ્યા બાલનનો એક ફેક AI વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેને જોઈને તે ચોંકી ગઈ છે. આ વિડિયો જોઈને વિદ્યાએ તરત જ ફૅન્સને આ વિશે અલર્ટ કરીને ચેતવણી આપી છે.
વિદ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફેક AI વિડિયો શૅર કર્યો અને સ્કૅમ અલર્ટની ચેતવણી આપતાં લખ્યું, ‘હાલમાં સોશ્યલ મીડિયા અને વૉટ્સઍપ પર ઘણા વિડિયો વાઇરલ થઈ રહ્યા છે, જેમાં હું દેખાઈ રહી છું. હકીકતમાં મારે સ્પષ્ટતા કરવી છે કે આ વિડિયો AI-જનરેટેડ અને ફેક છે.’
વિદ્યાએ પોતાનો મુદ્દો સ્પષ્ટ કરતાં આગળ લખ્યું છે કે ‘આ વિડિયો બનાવવામાં કે એના પ્રમોશનમાં મારો કોઈ હાથ નથી અને હું આવા વિડિયો બનાવવાના વિચારનું સમર્થન પણ નથી કરતી. આ વિડિયોમાં કરાયેલા કોઈ પણ દાવા માટે હું જવાબદાર નથી. જે ડિમાન્ડ કરવામાં આવી છે એની સાથે મારો કોઈ સંબંધ નથી, કારણ કે એ મારા વિચારો અથવા કામને દર્શાવતી નથી. હું સૌને વિનંતી કરું છું કે માહિતી શૅર કરતાં પહેલાં એને વેરિફાય કરો અને ભ્રામક AI-જનરેટેડ કન્ટેન્ટથી સાવધાન રહો.’