11 March, 2023 03:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિદ્યા બાલન
વિદ્યા બાલને જણાવ્યું છે કે તે નસીબદાર છે કે તેને કાસ્ટિંગ કાઉચનો કદી અનુભવ નથી થયો. જોકે ભૂતકાળમાં એક વખત એવી કોઈ ઘટના થવાની હતી, પરંતુ તેને એનો અંદાજ આવતાં તે પોતાને પ્રોટેક્ટ કરી શકી હતી. એ કિસ્સાને યાદ કરતાં વિદ્યા બાલને કહ્યું કે ‘મારી સાથે ખરેખર કાસ્ટિંગ કાઉચની આવી કોઈ ઘટના નહોતી ઘટી. હું ખૂબ-ખૂબ નસીબદાર છું, કારણ કે મેં અતિશય ભયાનક સ્ટોરીઝ સાંભળી છે અને મારા પેરન્ટ્સને પણ એનો જ ડર સતાવતો હતો. એથી તેઓ મને ફિલ્મોમાં આવતાં અટકાવતા હતા. જોકે એક એના જેવી ઘટના મને યાદ છે. મેં એક ફિલ્મ સાઇન કરી હતી. હું ડિરેક્ટરને મળવા ગઈ હતી. એ વખતે મને કાંઈ સમજમાં ન આવ્યું, કારણ કે હું એકલી હતી. જોકે એ વખતે મેં સ્માર્ટ નિર્ણય લીધો. હું જ્યારે તેના રૂમમાં પહોંચી તો મેં દરવાજા ખુલ્લા રાખ્યા. એથી તે પણ સમજી ગયો કે હું સરળતાથી બહાર નીકળી શકીશ. એથી ખરેખર તો મને કાસ્ટિંગ કાઉચનો અનુભવ નથી થયો. કોઈ સલાહ કે પછી કોઈ પ્રસ્તાવ માંડવામાં ન આવ્યો, પરંતુ એક સેન્સ અને ત્યાંનાં વાઇબ્સથી મને સમજમાં આવ્યું. આત્મરક્ષા અને મહિલાની અંદર રહેલી સહજ બુદ્ધિ કામમાં આવી. બાદમાં મને એ ફિલ્મમાંથી બહાર કાઢવામાં આવી.’