વિદ્યા બાલનના નામે તમને નોકરીની ઑફર આવે તો જરાક ચેતજો! અભિનેત્રીનું ફેક અકાઉન્ટ કરી રહ્યું છે લોકોને પરેશાન

21 February, 2024 02:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Vidya Balan Fake Account : વિદ્યા બાલને લીધી પોલીસની મદદ, ફેક અકાઉન્ટ બદલ નોંધાવી એફઆઈઆર

વિદ્યા બાલન

વિદ્યા બાલન (Vidya Balan) ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી છે, જેને કોઈ ઓળખાણની જરરુ નથી. અભિનેત્રી હાલમાં, તેના એક ફેક અકાઉન્ટ (Vidya Balan Fake Account)ને લઈને સમાચારમાં છે. અભિનેત્રી વિદ્યા બાલને ફેક અકાઉન્ટ બનાવનારાઓ વિરુદ્ધ મુંબઈ પોલીસ (Mumbai Police)માં કેસ દાખલ કર્યો છે. તેણે ગુનેગારો સામે એફઆઈઆર નોંધાવી છે. વિદ્યા બાલન ડિજિટલ છેતરપિંડીનો શિકાર બની છે. તેના નામે નકલી ઈન્સ્ટાગ્રામ અને જીમેલ એકાઉન્ટ બનાવવામાં આવ્યા હતા. અભિનેત્રીએ આ મામલે ખાર પોલીસ સ્ટેશન (Khar Police Station)માં ફરિયાદ નોંધાવી છે.

આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ભારતીય ફિલ્મ ઉદ્યોગના નજીકના એક સૂત્રએ વિદ્યા બાલનને કહ્યું કે, તેણી હોવાનો દાવો કરનાર કોઈએ વોટ્સએપ પર વાતચીત શરૂ કરી હતી અને તેને નોકરીનું વચન પણ આપ્યું હતું. આ ઘટસ્ફોટથી નારાજ, અભિનેત્રી વિદ્યા બાલન (Vidya Balan Fake Account)એ તરત જ સ્પષ્ટતા કરી હતી કે તેણે ન તો તે વ્યક્તિનો સંપર્ક કર્યો હતો અને ન તો સંબંધિત ફોન નંબરનો ઉપયોગ કર્યો હતો. આ પછી, માહિતી મળતાની સાથે જ વિદ્યા બાલને કાર્યવાહી કરી અને તેણે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. અહેવાલો કહે છે કે, સોમવારે અભિનેત્રીએ તેની મેનેજર અદિતિ સંધુ દ્વારા ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપીએ કથિત રીતે નકલી જીમેઇલ (Gmail) કાઉન્ટ vidyabalanspeaks@gmail.com અને ઈન્સ્ટાગ્રામ (Instagram) પ્રોફાઇલ vidya.balan.pvt બનાવ્યું હતું, જેનો ઉપયોગ તેણે શંકાસ્પદ વ્યક્તિઓને છેતરવા માટે કર્યો હતો. વિદ્યા બાલન દ્વારા દાખલ કરાયેલ કેસ IT એક્ટની કલમ 66(C) હેઠળ નોંધવામાં આવ્યો છે, જે અન્ય વ્યક્તિની વિશિષ્ટ ઓળખ સુવિધાઓનો અપ્રમાણિકપણે ઉપયોગ કરવા સંબંધિત છે. આ અકાઉન્ટથી ૧૭ ફેબ્રુઆરીથી ૧૯ ફેબ્રુઆરીની વચ્ચે નોકરીના ખોટા વચનો આપવામાં આવ્યા હતા, જેના કારણે અભિનેત્રીને વધુ મુશ્કેલી ઊભી થઈ હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, વિદ્યા બાલન છેલ્લે વર્ષ ૨૦૨૩માં આવેલી મિસ્ટ્રી ફિલ્મ `નિયત` (Neeyat)માં જોવા મળી હતી. તે પ્રતિક ગાંધી (Pratik Gandhi), ઇલિયાના ડી`ક્રૂઝ (Ileana D`Cruz) અને સેંથિલ રામામૂર્તિ (Sendhil Ramamurthy) અભિનીત આગામી રોમેન્ટિક કોમેડી ફિલ્મ `દો ઔર દો પ્યાર` (Do Aur Do Pyaar)માં જોવા મળશે.

નોંધનીય છે કે, અભિનેત્રી વિદ્યા બાલનને લાખો લોકો ઓનલાઈન ફોલો કરે છે. તેણીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કોમેડી વિડીયો અને ટ્રેન્ડીંગ ઓડિયો સાથે તેના લિપ-સિંકીંગની ક્લિપ્સથી ભરેલું છે. તેનો આટલો મોટો ફેન બેઝ હોય ત્યારે કોઈએ તેનો દુરુપયોગ કરવાનું નક્કી કર્યું અને ભારતીય ફિલ્મ ઉદ્યોગના લોકપ્રિય સ્ટારની નકલ કરીને લોકોને છેતરવાનો પ્રયાસ કર્યો. સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના યુગમાં કોઈ પણ વ્યક્તિનું ફેક એકાઉન્ટ બનાવવું અને છેતરપિંડી કરવા માટે તેનો ઉપયોગ કરવો એ કોઈ મોટું કામ નથી. પરંતુ જ્યારે વિદ્યા બાલન જેવી લોકપ્રિય કલાકાર સાથે આવું થાય છે ત્યારે તે સામાન્ય માણસની ગોપનીયતા પર સવાલો ઉભા કરે છે.

vidya balan cyber crime Crime News mumbai crime news mumbai police khar entertainment news bollywood bollywood news