13 October, 2024 10:39 AM IST | Mumbai | Parth Dave
‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો`
રિવ્યુ : ૧.૮
જિગરા સવારે જોઈ હતી. રાતના શોમાં આ ફિલ્મ જોઈ. પહેલો વિચાર એ આવ્યો કે મોટું જિગર જોઈએ ‘વિકી વિદ્યા...’ જોવા માટે. કૉમેડી ફિલ્મ છે, જેને પાછળના ભાગમાં ગંભીર વળાંક આપવાનો પ્રયત્ન કરાયો છે પણ વિષયની રજૂઆત જ હાસ્યાસ્પદ થઈ ગઈ છે. શરૂઆતમાં વિજય રાઝ, ટિકુ તલસાણિયા અને રાજકુમાર રાવનાં અમુક પન્ચિસ સાંભળવા ગમે છે, હાસ્ય નીપજે છે. પાછળની પટકથા તો ઍવરેજ કૉમેડી ફિલ્મ કરતાં પણ નીચે ઊતરી ગઈ છે
૨૦૧૪માં ‘સેક્સ ટેપ’ નામની અમેરિકન ફિલ્મ આવી હતી જેમાં પરિણીત કપલ સેક્સલાઇફમાં ફરી રોમાંચ મેળવવા પોતાની સેક્સ ટેપ બનાવે છે અને એ યેનકેન ‘ટેક્નિકલ’ કારણોસર ક્લાઉડ (ઇન્ટરનેટ) પર અપલોડ થઈ જાય છે અને તેમણે જ ગિફ્ટ કરેલા આઇપૅડ્સમાં તેમના ઓળખીતાઓ જોઈ લે છે. અહીં ૧૯૯૭ના હૃષીકેશની વાત છે. વિકી અને વિદ્યા લગ્ન કરે છે. લગ્ન બાદ અંગત પળોને કૅમેરામાં કેદ કરે છે અને એ CD ચોરી થઈ જાય છે. આખી ફિલ્મ આ ચોરી થઈ ગયેલી CD મેળવવાની જદ્દોજહદમાં પૂરી થાય છે. ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’ના મેકર્સ કહે છે કે અમારી ફિલ્મની વાર્તા એકદમ જુદી છે, અમે તો ‘સેક્સ ટેપ’ જોઈ જ નથી (ત્રણ વખત આશ્ચર્યચિહ્ન).
ઘૂંઘટ મેં ચાંદ હોગા...
‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’નો પ્લસ પૉઇન્ટ (કહેવો હોય તો) એનું લોકાલ અને સમયગાળો છે. રાજકુમાર રાવના સંજય દત્ત જેવા વાળ છે. કુમાર સાનુ, દલેર મેહંદી, અનુપ જલોટા, અજય દેવગન, સુનીલ શેટ્ટી આ બધાં નામો; ‘નઝર કે સામને જિગર કે પાસ’ અને ‘ઘૂંઘટ મેં ચાંદ હોગા...’ જેવાં ગીતો અને CD પ્લેયર તથા સાઇબર કૅફે જેવી નાઇન્ટીઝની યાદ અપાવતી જગ્યા ને વસ્તુઓ ફિલ્મની શરૂઆતમાં આવે છે. જોવી ગમે છે. રાજકુમાર રાવના દાદાના પાત્રમાં ટિકુ તલસાણિયા અને બહેન ચંદાના પાત્રમાં મલ્લિકા શેરાવત છે. એક ચંદા નામની જ નોકરાણી છે. પોલીસ-ઑફિસરના પાત્રમાં વિજય રાઝ છે, જેનું દિલ ચંદા (મલ્લિકા) પર આવી જાય છે. આ બધાં પાત્રોનો પરિચય પ્રમાણમાં સ-રસ રીતે થાય છે. ‘કૉમેડી સર્કસ’ની વન-લાઇનર્સ લખનારા અને ‘ડ્રીમ ગર્લ’ 1 અને 2ના લેખક-ડિરેક્ટર રાજ શાંડિલ્યના પન્ચિસ શરૂઆતમાં સારા છે. આપણી આસપાસના લોકોની, નાઇન્ટીઝની ભાષા છે. જોકે અમુકમાં પ્રયત્નપૂર્વક ઘુસાડવામાં આવ્યું હોય તેવું પણ લાગે છે. વાર્તામાં આગળ-પાછળ કોઈ સંબંધ ન હોવા છતાં અમુક વન- લાઇનર્સ સાંભળવા ગમે છે. હસવું આવે છે. ના, હાઈ-લેવલ કૉમેડી નથી, ટાઇમપાસ છે. જેમ કે એક સંવાદ છે કે ‘અચ્છા લડકા દેખા તો શાદી કરા દી.’ તો સામે વિકી કહે છે કે ‘અચ્છી ચિતા મિલતી તો લેટ જાતે ક્યા!’ વિદ્યાના રોલમાં તૃપ્તિ ઇનોસન્ટ લાગે છે. ગુસ્સે થાય છે ત્યારે આર્ટિફિશ્યલ લાગે છે. ‘ઍનિમલ’ બાદ હવે તે સજાગ રહીને પાત્ર પસંદગી કરે તો સારું. રાજકુમાર રાવનું કૉમિક-ટાઇમિંગ જબરદસ્ત છે. ‘સ્ત્રી’ના બન્ને ભાગ તથા ‘બરેલી કી બર્ફી’માં આપણે એ જોયું છે. બહુ ઓછી વખત એવું થયું છે કે રાજકુમાર તમને ઇરિટેટ કરે. અહીં સેકન્ડ હાફમાં એવું થયું છે. એનું કારણ નબળી પટકથા છે.
જલદી ખતમ કરો
‘ગોલમાલ’માં મુકેશ તિવારીએ ભજવેલું ‘વસૂલી ભાઈ’નું પાત્ર છે જેનો સંવાદ ‘જલદી બોલ, પનવેલ નિકલના હૈ’ને અહીં એન્કૅશ કરવાનો પ્રયત્ન કરાયો છે. તે એકાધિક વખત બોલે છે, ‘જલદી બોલ વરના..’ મુકેશ તિવારી છે એટલે કમ્પલ્સરી હોય એમ અશ્વિની કળસેકર છે. તેમનું પાત્ર અહીં ‘બુલબુલ દીદી’નું છે જે નબળી સ્ક્રિપ્ટ સાથે સર્વાઇવ કરવાનો પ્રયત્ન કરે છે. ઈવન અમુક દૃશ્યો સિવાય ટિકુ તલસાણિયા પણ પોતાની છાપ નથી છોડી શકતા. અમુક કૉમેડી દૃશ્યો છીછરાં લાગે છે જે ‘ડ્રીમ ગર્લ’માં નહોતું થયું. નબળા લેખનનું શિકાર વિજય રાઝનું પાત્ર પણ બન્યું છે. વિજય રાઝ ધુરંધર અભિનેતા છે. તે પૂરતી કોશિશ કરે છે મીડિયોકર સ્ક્રિપ્ટને ઊંચે લઈ જવાની, એટલે સુધી કે મલ્લિકા શેરાવત સાથે નાઇન્ટીઝના ગીત પર ડાન્સ પણ કરી લે છે. મલ્લિકા શેરાવતના કારણે થોડી વૅલ્યુ-ઍડિશન થઈ છે, પણ તેનો ચાર્મ ખોવાઈ ચૂક્યો છે.
‘વિકી વિદ્યા...’નું ડ્યુરેશન અઢી કલાકમાં એક મિનિટ ઓછું છે. વાર્તા ટ્રેલરમાં છે એટલી જ છે અને અંતે ‘વો વાલા વિડિયો’ સાથે પરાણે મહિલાવાદ જોડીને, ગંભીર થઈને સોશ્યલ મેસેજ આપવામાં આવે છે જેની સાથે કોઈ પણ રીતે કનેક્ટ નથી થઈ શકાતું. વિકી વિદ્યાની CD શોધવાની શરૂઆત બાદ ફિલ્મની કૉમેડી કૉમેડી નથી લાગતી અને પાછલા ભાગની ગંભીરતા ગળે નથી ઊતરતી. ફિલ્મનો સૌથી મોટો માઇનસ પૉઇન્ટ એમાં કોઈ કારણ વગર ‘સ્ત્રી’ના ગેટઅપમાં ટપકી પડતું ભૂત છે. ના, આ કોઈ સ્પૉઇલર નથી, કેમ કે આ સરપ્રાઇઝમાં કોઈ મજા નથી કેમ કે સરપ્રાઇઝને પગમાથું નથી. આ પાત્રનું સ્ત્રી-યુનિવર્સ સાથે કોઈ સંબંધ નથી. કોઈ બૅકસ્ટોરી નથી. એ ક્યાંથી આવ્યું અને ક્યાં ગયું એ ખબર નથી. રાજકુમાર રાવનું નામ અહીં પણ વિકી છે એ સંયોગ માત્ર છે. બાકી મેકર્સે વિચાર્યું હશે કે હૉરર–કૉમેડી ચાલે છે તો સુપરનૅચરલ સીક્વન્સ જોડી દો. વિચાર તો એવો આવે કે બેએક મહિના પહેલાં આવેલી ‘સ્ત્રી 2’ જોઈને મેકર્સે અલગથી ભાગ શૂટ નથી કરી નાખ્યોને? અને ‘સ્ત્રી’નુમા ભૂતનું VFX પણ તદ્દન ઍવરેજ છે. આ ભાગ અને એ સિવાય ઇન્ટરવલ બાદનાં ઘણાં દૃશ્યો એડિટિંગમાં કટ થઈ શક્યાં હોત. બીજું એ કે પ્રાઇવેટ વિડિયો લોકો જુએ અને એના કારણે થતા પ્રશ્નો, સામાજિક બદનામી વગેરે ઉજાગર કરતી એક સેન્સિબલ ફિલ્મ બની શકી હોત, પણ આ એક સામાન્ય કૉમેડી ફિલ્મ પણ નથી બની શકી.
વિકી અને વિદ્યાનો વિડિયો જોવાય?
ગીત–સંગીત ફિલ્મ પૂરતાં યાદ રહે એવાં છે. નાઇન્ટીઝનાં ગીતો ‘તુમ્હેં અપના બનાને કી કસમ’ અને દલેર મેહંદીનું ‘ના ના ના ના ના રે ના રે’ લેવામાં આવ્યાં છે. દલેર મેહંદી પોતે પણ દેખા દે છે. એક ગીતમાં શહનાઝ ગિલ પર્ફોર્મ કરે છે. સમય બગાડે છે. ‘કૌઆ બિરયાની’વાળા વિજય રાઝના તમે ફૅન હો, તેનો અભિનય જોવો અત્યંત ગમતો હોય તો એ માટે ટ્રાય કરાય. બાકી દિવાળીએ ‘ભૂલભુલૈયા’માં તે આવવાનો જ છે. અને હા, બની શકે કે આ ફિલ્મના સરપ્રાઇઝ ભૂતનું રાઝ ‘વિકી વિદ્યા ભાગ 2’માં ખૂલે કેમ કે સૌથી વધારે ડર ત્યારે લાગે છે જ્યારે લખેલું આવે છે ઃ વિકી વિદ્યા વિલ બી બૅક!