07 October, 2024 01:09 PM IST | Ahmedabad | Parth Dave
શનિવારે અમદાવાદમાં રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી.
૧૧ ઑક્ટોબરે રાજકુમાર રાવની ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’ ફિલ્મ રિલીઝ થવાની છે. ટ્રેલર પરથી જ ખ્યાલ આવે છે કે આ ફિલ્મ કૉમેડી છે. ‘ડ્રીમ ગર્લ’ના બન્ને ભાગ બનાવનાર તથા કપિલ શર્માના શોના એપિસોડ લખનાર રાજ શાંડિલ્ય ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’ના ડિરેક્ટર છે. ૨૦૧૮માં આવેલી રાજકુમાર રાવની ફિલ્મ ‘સ્ત્રી’ અને આ વર્ષે રિલીઝ થયેલો એનો બીજો ભાગ પણ સુપરહિટ રહ્યો. રાજ તેની કૉમેડી ફિલ્મોની સફર વિશે વાત કરતાં ‘મિડ-ડે’ને કહે છે, ‘મને ‘ન્યુટન’, ‘શાહિદ’, ‘ટ્રૅપ્ડ’ અને ‘અલીગઢ’ જેવી ફિલ્મો કરવી ખૂબ ગમે છે. આ પૅરૅલલ સિનેમા છે પણ કહીશ કે કૉમેડી ખૂબ અઘરી છે, ભલે કમર્શિયલ લાગે; પણ આ મને નહોતી ખબર. જ્યારે ‘બરેલી કી બર્ફી’ (૨૦૧૭) આવી ત્યારે ખબર પડી કે આ પણ મારો જૉન્ર છે. તમે ફરી ફિલ્મ જોશો તો ખ્યાલ આવશે કે મારું પ્રીતમ વિદ્રોહીનું પાત્ર પોતે કૉમેડી નથી કરતું, તેની તો વાટ લાગેલી છે. તેની આસપાસ કૉમેડી થાય છે. એ પાત્ર લોકોને ખૂબ ગમ્યું.’
એના વર્ષ પછી ‘સ્ત્રી’ ફિલ્મ આવી એમ જણાવતાં રાજકુમાર રાવ આગળ કહે છે, ‘ત્યાર બાદ લોકો મારી પાસે કૉમેડી ફિલ્મની અપેક્ષા રાખવા મંડ્યા. ‘સ્ત્રી’ તો જૉન્ર બ્રેકિંગ હતી. એમાં હું ડરું છું અને લોકો હસે છે. ચાર્લી ચૅપ્લિનના સિનેમા જેવું, જ્યાં ટ્રૅજેડીમાં પણ કૉમેડી થતી હોય.’
અમદાવાદ જેવી નવરાત્રિ મુંબઈમાં નહીં : રાજકુમાર રાવ
રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી શનિવારે અમદાવાદમાં હતાં. તેમણે ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’નું ગીત ‘ચુમ્મા’ અમદાવાદમાં લૉન્ચ કર્યું હતું અને નવરાત્રિમાં પણ ગયાં હતાં.
રાજકુમાર રાવે કહ્યું હતું કે ‘આમ તો ગરબા અને નવરાત્રિ કલ્ચર વિશે આખા હિન્દુસ્તાનને ખબર છે. સિનેમાએ જ આખી દુનિયા સુધી ગુજરાતનું આ કલ્ચર પહોંચાડ્યું છે. મેં ૨૦૧૨-’૧૩ વખતે અહીં ‘કાઇ પો છે’ ફિલ્મનું શૂટિંગ કર્યું ત્યારે વધારે ખબર પડી. મારી અને અમૃતા પુરીની નવરાત્રિ સીક્વન્સ પણ હતી. મુંબઈમાં પણ નવરાત્રિ થાય જ છે પણ આ લેવલે નહીં. હું ત્યાં પણ અગાઉ નવરાત્રિ અટેન્ડ કરવા ગયો છું. જસ્ટ એ જોવા કે ગરબા કેવા થાય છે.’
સજોડે હૃષીકેશ પહોંચ્યો રાજકુમાર રાવ
આગામી ફિલ્મના ચાલી રહેલા પ્રચાર દરમ્યાન રાજકુમાર રાવ ગઈ કાલે પત્ની સાથે હૃષીકેશ પહોંચ્યો હતો, જ્યાં તેણે પરમાર્થ નિકેતનના અધ્યક્ષ સ્વામી ચિદાનંદ સરસ્વતી સાથે મુલાકાત કરી હતી. સ્વામીજીએ યુગલને રુદ્રાક્ષનો છોડ ભેટ આપ્યો હતો.