મહેશ બાબૂના પિતા અને પીઢ તેલુગુ અભિનેતા કૃષ્ણાનું નિધન

15 November, 2022 09:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોમવારે કાર્ડિયાક એટેક બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

કૃષ્ણા (તસવીર સૌજન્ય : સાંઈ ધરમ તેજનું ટ્વિટર હેન્ડલ)

સુપરસ્ટાર મહેશ બાબુ (Mahesh Babu)ના પિતા અને પીઢ તેલુગુ અભિનેતા કૃષ્ણા (Krishna)નું આજે સવારે લગભગ ચાર વાગ્યાની આસપાસ હૈદરાબાદમાં નિધન થયું છે. સોમવારે હૃદયરોગની સમસ્યાને કારણે તેમને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની હાલત નાજુક હતી. ત્યારબાદ આજે સવારે તેમના નિધનના સમાચાર આવ્યા છે.

હૉસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર, અભિનેતા કૃષ્ણાને રવિવારે મોડી રાત્રે લગભગ ૧.૧૫ વાગ્યે હાર્ટ એટેક આવતા હૉસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં તેમને તાત્કાલિક CPR (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) આપવામાં આવ્યું અને સારવાર અને દેખરેખ માટે આઇસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. જેમા વેન્ટિલેટર પર તેમની સારવાર ચાલી રહી હતી.

અભિનેતા કૃષ્ણાનું સાચું નામ ઘટ્ટમનેની શિવરામ કૃષ્ણા છે અને તેઓ તેલુગુ ફિલ્મોના વરિષ્ઠ અભિનેતા હતા. કૃષ્ણાએ ૧૯૬૦ના દાયકામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને લગભગ ૩૫૦ ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેઓ એક સફળ નિર્દેશક અને નિર્માતા પણ હતા. તેમને વર્ષ ૨૦૦૯માં ‘પદ્મ ભૂષણ’થી નવાજવામાં આવ્યા હતા. કૃષ્ણા ટીડીપી નેતા જય ગલ્લાના સસરા પણ હતા. તેઓ કોંગ્રેસમાં જોડાયા અને વર્ષ ૧૯૮૦માં સાંસદ બન્યા. પરંતુ પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના નિધન બાદ તેમણે રાજકારણ છોડી દીધું હતું.

આ પણ વાંચો : મહેશ બાબૂના પિતા કૃષ્ણા હૉસ્પિટલમાં દાખલ, બે મહિનાથી સહે છે પત્નીનાં મોતનું દુઃખ

કૃષ્ણાની પત્ની અને મહેશ બાબુની માતા ઈન્દિરા દેવીનું આ વર્ષે સપ્ટેમ્બરમાં નિધન થયું હતું. તેમના મોટા પુત્ર રમેશ બાબુનું જાન્યુઆરીમાં અવસાન થયું હતું. તેમની બીજી પત્ની, અભિનેત્રી વિજયા નિર્મલાનું વર્ષ ૨૦૧૯માં નિધન થયું હતું.

entertainment news bollywood bollywood news mahesh babu