હિન્દી અને મરાઠી ફિલ્મોનાં જાણીતાં અભિનેત્રી સીમા દેવનું 80 વર્ષની વયે નિધન

24 August, 2023 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હિન્દી અને મરાઠી ફિલ્મોનાં જાણીતાં અભિનેત્રી સીમા દેવનું 80 વર્ષની વયે નિધન થયું છે. સીમા દેવના અંતિમ સંસ્કાર આજે સાંજે 4.30 કલાકે શિવાજી પાર્ક સ્મશાન ગૃહમાં કરવામાં આવશે.

રાકેશ દેવ અને સીમા દેવ (ફાઈલ તસવીર)

હિન્દી અને મરાઠી ફિલ્મોની જાણીતી અભિનેત્રી સીમા દેવનું 80 વર્ષની વયે નિધન થયું છે. સીમા દેવે આજે 24 ઓગસ્ટે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. એવી માહિતી સામે આવી રહી છે કે તેઓ છેલ્લા ઘણા સમયથી અલ્ઝાઈમરની બીમારીથી પીડાતાં હતા. તેઓ મુંબઇમાં બાંદ્રામાં તેમના પુત્ર અભિનય સાથે રહેતાં હતાં.

સીમા દેવે પોતાની કારકિર્દીમાં 80થી વધુ હિન્દી અને મરાઠી ભાષાની ફિલ્મોમાં કામ કર્યું હતું. સીમા દેવનું સાચું નામ નલિની સરાફ હતું. તેઓએ 1960માં ફિલ્મ `મિયાં બીવી રઝા`થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે `ભાભી કી ચૂડિયા`, `દસ લાખ`, `કોશિશ`, `કોરા કાગઝ`, `સંસારા` અને `સુનહરા સંસાર` અને `સરસ્વતીચંદ્ર` જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

સીમા દેવ અલ્ઝાઈમર રોગથી પીડિત હતા. સીમાના પુત્ર અજિંક્ય દેવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને તેના ચાહકોને તેની માતાના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવાની અપીલ કરી. સીમા છેલ્લા કેટલાક સમયથી મુંબઈના બાંદ્રામાં તેના પુત્ર સાથે રહે છે.

વર્ષ 2020માં જ તેમના પુત્રએ તેમની બીમારીનો ખુલાસો કર્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ‘મારી માતા શ્રીમતી સીમા દેવ, મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પીઢ અભિનેત્રી અલ્ઝાઈમરથી પીડિત છે. અમે સમગ્ર દેવ પરિવાર તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે સમગ્ર મહારાષ્ટ્ર જેઓ તેમને ખૂબ પ્રેમ કરે છે તેઓ પણ તેમની સ્વસ્થતા માટે પ્રાર્થના કરે.`

સીમા દેવે જાણીતા અભિનેતા રમેશ દેવ સાથે લગ્ન કર્યા હતા. રમેશ દવે પણ ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું. રમેશ દેવનું 2 ફેબ્રુઆરી 2022ના રોજ 93 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. સીમા દેવ અને રમેશ દેવને અજિંક્ય દેવ અને અભિનય દેવ એમ બે પુત્રો છે. અભિનય દેવ એક દિગ્દર્શક છે અને તેણે `દિલ્હી બેલી` જેવી ફિલ્મોનું ડિરેક્શન કર્યું છે. ઉપરાંત પુત્ર અજિંક્ય દેવ પણ મરાઠી સિનેમાનો જાણીતો અભિનેતા છે.

રમેશ દેવે ફિલ્મ `આનંદ`માં અમિતાભ બચ્ચનના મિત્ર ડૉ. પ્રકાશ કુલકર્ણીની ભૂમિકા ભજવી હતી. તે ફિલ્મમાં સીમા દેવ તેમની પત્નીના રોલમાં હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન તેઓને ભાભી કહીને બોલાવતા હતા.

સીમા દેવ મરાઠી અને હિન્દી ફિલ્મ જગતના પીઢ અભિનેત્રી છે. તેઓએ 80થી વધુ મરાઠી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, થોડા સમય બાદ તેઓએ હિન્દી સિનેમામાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. અને પછીથી તેઓએ માત્ર મરાઠી સિને ઈન્ડસ્ટ્રીમાં જ કામ કરવાનું શરૂ કર્યું. તેઓએ પોતાની અભિનય કૌશલ્યથી તેણે મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી છે. સીમા દેવના અંતિમ સંસ્કાર આજે સાંજે 4.30 કલાકે શિવાજી પાર્ક (Shivaji Park) સ્મશાન ગૃહમાં કરવામાં આવશે.

   
     
        
      
celebrity death bollywood news bollywood gossips bollywood entertainment news shivaji park bandra